Get The App

37 દિવસનો જંગ ખેલીને ખોખરાના વૃદ્ધે કોરોના સામે જીત હાંસલ કરી

- સકારાત્મક માનસિકતા સાથે વેન્ટીલેટરથી છુટકારો મેળવ્યો

- ૬૦ વર્ષિય પૂર્વ સરપંચ અનેક દર્દોના પડકારોને પાર કરી કોરોનાગ્રસ્ત અન્ય દર્દીઓ માટે પણ ઉદાહરણરૃપ બન્યા

Updated: Jul 9th, 2020

GS TEAM

Google News
Google News
37  દિવસનો જંગ ખેલીને ખોખરાના વૃદ્ધે કોરોના સામે જીત હાંસલ કરી 1 - image

ભુજ, બુધવાર 

તમારામાં કોઈપણ રોગ સામે લડવા માટે મનોબળ મજબુત હોય તો ગમે તેવા જોખમી દર્દને મહાત આપી શકાય છે તો પછી કોરોનાની શું વિસાત છે. એ હકીક્તને અંજાર તાલુકાના ખોખરા ગામના ૬૦ વર્ષીય પૂર્વ સરપંચે ભુજની જનરલ કોવિડ હોસ્પિટલમાં ચરિતાર્થ કરી કોરોના સામે ૩૭ દિવસનો જંગ ખેલી મહામારીને પરાસ્ત કરી છે.

અંજાર તાલુકના ખોખરાના ભરતસિંહ જાડેજાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને ૧ લી જુને દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સાથે ડાયાબીટીસ, બી.પી, શ્વાસ ચઢવા સહિતની સમસ્યા હોવાથી કોરોનાની સારવાર વધુ મુશ્કેલ બની હતી. એક તરફ મોટી ઉંમર અને બીજીતરફ રોગોની ભરમાર હોવાથી તબીબો માટે તેઓ પડકાર બની ગયા હતા. પરંતુ તબીબો કસોટીની એરણે ચઢે તે પહેલા જ દર્દીએ જાતે જ સકારાત્મક પ્રતિભાવ આપવાનું શરૃ કરી દિધું. અનેક દર્દીઓ વચ્ચે પણ જાણે  તેમને કશું જ થયું નાથી.  તબીબો સહિત તમામ સારવાર  કરતા સ્ટાફ સાથે તેમણે જાતે જ ઘર જેવું વાતાવરણ ઉભું કરી દેતા હોસ્પિટલનું કામ સરળ કરી આપ્યું દરમિયાન તેમણે ૯ જુનને ૬૦મો જન્મદિવસ પણ ઉજવ્યો . હોસ્પિટલના ફિઝિશીયને કહ્યું કે, દર્દીને પ્રારંભમાં  શ્વાસની તકલીફને કારણે બાયપેપ ઉપર રાખ્યા પછી ૩૦મી જુન પછી ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતા. સાથે આઈએમસીઆરની માર્ગદર્શિકા મુજબ સારવાર ચાલુ રાખી. આ સારવારમાં દર્દીના સકારાત્મક અભિગમે સોનામાં સુગંધનું કામ કર્યું. છેવટે ૩૭ દિવસની બંનેને મહેનતે કોરોનાને હરાવ્યો. વિદાય ટાંકણે તેમણે હોસ્પિટલની સારવાર સહકારનો આભાર માન્યો હતો.

Tags :