Get The App

રૂ. 5 હજારની લેતીદેતી બાબતે યુવાનને ભરબજારે છરીના ઘા મારી હત્યા કરી નખાઈ

Updated: Aug 21st, 2024

GS TEAM

Google News
Google News
રૂ. 5 હજારની લેતીદેતી બાબતે યુવાનને ભરબજારે છરીના ઘા મારી હત્યા કરી નખાઈ 1 - image

અંજારમાં સતત બીજા દિવસે બન્યો બીજો હત્યાનો બનાવ 

બનાવ બાદ સોશ્યલ મીડિયામાં હત્યાનો લાઈવ વિડીયો વાયરલઃ પોલીસે આરોપીને પકડી લીધો 

ગાંધીધામ: અંજારમાં સતત બીજા દિવસે હત્યાનો બીજો બનાવ બનતા શહેરમાં અરેરાટી વ્યાપી છે. એક દિવસ પહેલા જ વરસામેડીમાં ઘરના પ્રાંગણમાં ઊંઘી રહેલા આધેડને બુકાનીધારી શખ્સે છરીના ઘા મારી હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો હતો. ત્યાં હવે બીજા જ દિવસે માત્ર રૂ. ૫ હજારની લેતી-દેતી બાબતે ભરબજારે અનેક લોકોની હાજરી વચ્ચે જ યુવાનને છરીના ઘા મારી હત્યા કરી નાખવાનો બનાવ બનતા સમગ્ર શહેરમાં ચર્ચાઓ જાગી છે. તો બીજી તરફ બનાવ અને હત્યાનો લાઈવ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. દરમિયાન પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીને દબોચી પણ લીધો હતો. 

બનાવ અંગે અંજાર પોલીસના પી.આઈ. એ.આર. ગોહિલે વિગતો આપતા જણાવ્યુ હતું કે, આ બનાવ બુધવારે બપોરે ૪ વાગ્યા આસપાસ ગંગાનકા વિસ્તારમાં ૧૨ મીટર રોડ પર આવેલા લીમડાના વૃક્ષ પાસે બન્યો હતો. જેમાં વિજયનગર જૂની કોર્ટ પાછળના ભાગે રહેતા ૪૫ વર્ષીય જગદીશભાઈ શંભુભાઈ દાતણીયાએ વિજયનગર, કોર્ટ પાછળ રહેતા આરોપી કાનજી નાનજી દાતણીયાને રૂ. ૫૦૦૦ આપેલા હતા. દરમિયાન બંને એક જ એક્ટિવા પર ગંગાનાકા વિસ્તાર માથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે બંને વચ્ચે રૂપિયા આપવા બાબતે બોલાચાલી થઈ હતી. દરમિયાન આરોપી કાનજીએ ઉશ્કેરાઈ જઇને જગદીશભાઈને એક્ટિવા પરથી નીચે ઉતારી જાહેરમાં ગાળો બોલી ભેઠ માથી છરી કાઢી જગદીશભાઇને છરી વડે આડેધડ ઘા મારી ત્યાંથી નાસી ગયો હતો. દરમિયાન સ્થાનિકોએ એમ્બ્યુલન્સ બોલાવી હતી પરંતુ તે પહેલા જ જગદીશભાઈનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જે બનાવ અંગે પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીને ઝડપી પણ પાડયો હતો. 

જાહેરમાં હત્યા થઈ છતાં લોકો માત્ર વિડિયો ઉતારતાં રહ્યાંઃ ્ઇમ્ જવાને પકડી પાડયો 

બપોરે ૪ વાગ્યા આસપાસ ગંગાનાકા વિસ્તાર કે જ્યાં હત્યા થઈ તે વિસ્તારમાં મોટા પ્રમાણમાં દુકાનો આવેલી હોવાથી લોકોની ભીડ રહેતી હોય છે. આ બનાવ બન્યો ત્યારે પણ લોકો મોટા પ્રમાણમાં ત્યાં હાજર હતા. આરોપી કાનજી જાહેરમાં છરી વડે હુમલો કરી રહ્યો હતો તે છતાં માત્ર એક વૃદ્ધ આરોપીને રોકતા હોય તેવું વિડીયોમાં દેખાયું હતું. જ્યારે બાકીના લોકો યા તો વિડીયો ઉતરતા હતા અથવા અમુક લોકો રાડો પડતાં સાંભળવા મળ્યા હતા. પરંતુ કોઈ આરોપીને પકડવા કે મૃતકને બચાવવા આગળ આવ્યો હોય તેવું દેખાયું ન હતું. જેથી આરોપી છરી લઈ ત્યાંથી નાસી રહ્યો હતો. તે સમયે ૧૨ મીટર રોડ પર ટ્રાફિક નિયમન કરી રહેલા ટીઆરબી ના જવાનો ચિરાગ ગોસ્વામી અને વિક્રમ ધાનાએ પોતાનો જીવ જોખમમાં નાખી આરોપીને પકડી લીધો હતો અને બાઇક પર બેસાડી અંજાર પોલીસના હવાલે કર્યો હતો.