Get The App

મરણના દાખલામાં છેકછાક કરી કરોડોનું જમીન કૌભાંડ આચરાયું!

Updated: Nov 22nd, 2024

GS TEAM

Google News
Google News
મરણના દાખલામાં છેકછાક કરી કરોડોનું જમીન કૌભાંડ આચરાયું! 1 - image

મુંબઈના રહેવાસીએ ગાંધીધામ પોલીસને આપેલી અરજી

ભાઈએ જ ભાઈ સામે આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરી 

ગાંધીધામ: ગાંધીધામ નગરપાલિકામાં એક વખત બની ગયેલા મરણના દાખલમાં ગેરરીતિ આચરી છેકછાક કરી ખોટો મરણનો દાખલો ઊભો કરી વરસામેડીની જમીન ખરીદવા માટે ખોટા મરણના દાખલાનો ઉપયોગ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવા અંગે પોલીસ મથકે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. 

મુંબઈના મુલુંડ ખાતે રહેતા નવીન રમણીક રૂપારેલએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસને લેખિત અરજી કરી જણાવ્યુ હતું કે, તેમના પિતાજી સ્વ. રમણીક વલમજી રૂપારેલનું અવસાન તા. ૨૫-૩-૧૯૯૭ના રોજ થયું હતું જે અંગેની નોંધ તા. ૩-૪-૯૭ના તેમણે જાતે ગાંધીધામ નગરપાલિકા ખાતે કરાવી હતી. જે બાદ તા. ૧૦-૧૧-૯૭ના તેમના પિતાજીના મરણના દાખલામાં સુધારો કરી રમણીક વલમજીની જગ્યાએ આડી લીટી (છેકછાક) કરી પાલિકાના કર્મચારી દ્વારા મંગલજી વલમજી કરી નાખવામાં આવ્યું હતું. તેવું ખુદ ગાંધીધામ નગરપાલિકા દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે અને એક કરતા વધુ કર્મચારીઓ દ્વારા ગેરરીતિ કરાઈ હોવાનું સ્પષ્ટ કર્યું છે. જોકે આ નામ સુધારો શા માટે કરવામાં આવ્યો? કયા પુરાવાના આધારે કરવામાં આવ્યો તેની કોઈ નોંધ જ નથી અને ભ્રષ્ટાચાર કરી મરણના દાખલામાં નામ બદલી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે તેમણે વધુ આસકેપો કરતાં જણાવ્યુ હતું કે, મંગલજીના નામનો ખોટો ઉપયોગ કરી વરસામેડી ખાતે તેમના નામે જમીન મેળવી કરોડો રૂપિયા હડપી લેવાનો પ્લાન તેમના સગા ભાઈ સ્વ. મહેન્દ્રભાઈ રૂપારેલ અને તેમના પુત્ર હિતેશ રૂપારેલ દ્વારા ઘડવામાં આવ્યો હતો. આ બાબતે જો યોગ્ય તપાસ થાય તો માલુમ પડે કે ફરિયાદીના પિતાજીનું ખોટો મરણનો દાખલો બનાવી અને અંજાર તાલુકાના વરસામેડી ગામે તેમના પિતાજીના ભળતા નામનો ઉપયોગ કરી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી છે. વર્ષ ૧૯૯૭માં ગાંધીધામ નગરપાલિકા ખાતે કરવામાં આવેલા દસ્તાવેજ (મરણના દાખલા)ની છેડછાડના કારણે કરોડો રૂપિયાનું કૌભાંડ કરાયું છે. જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને ફરિયાદ નોંધવા એ ડિવિઝન પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.