ગુનેગાર તત્વો બન્યા બેફામ
પશ્ચિમ ક્ચ્છ હજુ પણ એસ.પી.વિહોણો, કોઈ નેતાને પણ પડી નથી
ભુજ: ક્ચ્છ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના ધજાગરા ઊડતી એક પછી એક ઘટનાઓ બની રહી છે જે એક ચિંતાજનક બાબત કહી શકાય તેમ છે.એક તરફ પશ્ચિમ કચ્છમાં લાંબા સમયથી એસ.પી.ની જગ્યા ખાલી છે ત્યાં બીજી તરફ ગુનેગાર તત્વો બેખોફ બન્યા છે.તે એક હકીકત છે.આઠ મહિનામાં જિલ્લામાં ૩૮ હત્યાઓ બનવા પામી છે
દરરોજ મારામારી,હત્યા જેવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ક્યાંકને ક્યાંક પોલીસની ધાક હવે રહી નથી તે સાબિત કરે છે.ગુનેગાર તત્વો જાહેરમાં જે રીતે હત્યાઓ કરી રહ્યા છે તે બાબત ખૂબ જ ગંભીર કહીં શકાય,એક વાત નોંધનીય એ છે કે આજની જે ઘટના અંજારમાં બની તે અનેક ઘણું કહી જાય છે હત્યારો ભર બજારમાં હત્યા કરે છે લોકો હાજર છે છતાં પણ તીક્ષ્ણ હથિયારથી હુમલો યથાવત જોવા મળે છે આ પરથી સાબિત થાય છે કે સ્થાનિક પોલીસની કોઈ પક્કડ નથી.
વર્ષો પૂર્વે જ્યારે કોઈપણ વિસ્તારમાં આવી કોઈ હત્યાની ઘટના બનતી ત્યારે જવાબદાર પોલીસ અધિકારીની સજા રૂપે બદલી કરી દેવામાં આવતી હતી.પણ હાલ કોઈ કડક કામગીરી દેખાતી નથી.હાલમાં જોવા જઈએ તો અંજાર શહેરમાં હત્યાનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બની જવા પામ્યો છે
પશ્ચિમ કચ્છની જો વાત કરીએ તો જાન્યુઆરીથી ૨૦ ઓગસ્ટ સુધી હત્યાની ૧૭ જેટલી ઘટનાઓ બની ચુકી છે .છેલ્લા ત્રણ દિવસમાં માધાપર ભાઈના હાથે ભાઈની હત્યા,ભુજમાં મિત્રોએ કરી હત્યા જેવી ઘટના પશ્ચિમમાં બની છે જ્યારે બે દિવસમાં પૂર્વ કચ્છના વરસામેડીમાં બુકાનીધારી દ્વારા આધેડ તેમજ આજે અંજારમાં યુવાનની હત્યા નિપજાવ્યાની ઘટના બની ચુકી છે .જે એક ગંભીર કહી શકાય
પશ્ચિમ ક્ચ્છ જિલ્લામાં એસ.પી.મહેન્દ્ર બગરિયાની બદલી બાદ જિલ્લો એસ.પી.વગરનો થઈ ગયો છે આ વાત ખુદ ભાજપના ચૂંટાયેલા નેતાઓએ પણ રજુઆત કરી હતી.પણ કોઈ જ નિરાકરણ આવ્યું નથી .પશ્ચિમ ક્ચ્છ જિલ્લામાં રણ અને દરિયાઈ સરહદો આવેલી છે .જ્યાં અવારનવાર ડ્રગ્સ,પાકિસ્તાની ઝડપાય છે એટલું જ નહીં મુન્દ્રા પોર્ટ પણ આવેલું છે જ્યાં અનેક કંપનીઓ કાર્યરત છે.ત્યારે એસ.પી.ની જગ્યા ખાલી હોય તે બાબત સરકાર માટે વિચારવાધિન છે પૂર્વ કચ્છમાં છેલ્લા આઠ મહિનામાં ૨૧ હત્યાના બનાવો બની ચુક્યા છે ગાંધીધામ,ભચાઉ, સામખીયાળી, અંજારની આસપાસ અનેક કંપની કાર્યરત છે ક્યાં હજારોની સંખ્યામાં શ્રમજીવી કામ કરે છે વખતોવખત કેટલાક શ્રમજીવીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી હત્યા લૂંટ ના બનાવને અંજામ આપતા હોય છે.ત્યારે આ પરિસ્થિતિમાં જો જવાબદાર અધિકારીઓની ગુનેગાર તત્વો પર પક્કડ ન હોય તે બાબત શરમજનક કહી શકાય છે.
પોલીસ દ્વારા યોજાતા લોક દરબારમાં ખરેખર તો ગુનેગારોને કેમ ડામવામાં આવશે તે માટે જણાવવું જોઈએ.હાલમાં બનતી હત્યાઓ અનેક ઘણું કહીં જાય છે.દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે તે થાણાં અધિકારી દ્વારા નિયમિત દરેક વિસ્તારમાં કોમ્બિગ કરવું જોઈએ જેથી આવા ગુનેગાર તત્વો પર ધાક બેસાડી શકાય.રેન્જ આઈ. જી.ચિરાગ કોરડીયા દ્વારા સત્વરે આ બાબતે રસ દાખવીને જિલ્લામાં તમામ પોલીસ મથકોની હદમાં ગુનેગાર તત્વોને કેમ પાઠ ભણાવવા તે માટેની બેઠક કરવી જોઈએ.તેવું લોકોનુ માનવું છે.
કાયદો વ્યવસ્થા જિલ્લામાં ખાડે ગઈ હોવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો મત
ક્ચ્છ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ક્ચ્છ સરહદી જિલ્લો છે ત્યારે પ્રથમ તબબકે પશ્ચિમમાં એસ.પી.ની નિમણૂક તાત્કાલિક કરવી જોઈએ તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને સુધારવા માટે ગુનેગાર તત્વો પર ધાક બેસાડતી કામગીરી કરવી જોઈએ આજે ગુનેગાર તત્વોને ડર નથી એટલે જ બેફામ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે .પોલીસ નિયમિત પણે દરેક વિસ્તારમાં કોમ્બિગ ગોઠવે તે જરૂરી બની રહે છે.
કાયદો વ્યવસ્થાની ખૂટતી કડીઓ અંગે ધારાસભ્ય એસ.પી.નું ધ્યાન દોર્યું
ઐતિહાસિક અંજાર શહેરના ગંગાનાકા નજીક બનેલી હત્યાની ઘટના અંગે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ દુઃખ વ્યક્ત કર્યુુ હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ખૂટતી કડીઓ અંગે પૂર્વ કચ્છના એસ.પી. સાગર બાગમાર સાથે ચર્ચા કરીને પુર્ણ કરવામાં આવશે. શાંતિ અને સલામતી લોકોની જળવાઈ રહે તે માટેના તમામ પ્રયાસો તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.


