Get The App

રાપરની બજારમાં લગાડાયેલા 29 સીસીટીવી બંધ, કંતાનો બાધારૂપ

Updated: Nov 14th, 2024

GS TEAM

Google News
Google News
રાપરની બજારમાં લગાડાયેલા 29 સીસીટીવી બંધ, કંતાનો બાધારૂપ 1 - image

વાગડમાં વધતા ચોરીના બનાવો વચ્ચે 

ધંધાર્થીઓ દ્વારા દુકાનોની આગળ છાંયડો કરવા બંધાતી કંતાનોના કારણે સીસીટીવીના વાયરોને પહોંચે છે નુકસાન, કેમેરા ચાલુ કરાવવા માંગ  

ભુજ: વાગડ વિસ્તારમાં ચોરીના બનાવો એકાએક વધ્યા છે. ચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં પોલીસ માટે મદદરૂપ બનતા સીસીટીવી કેમેરા બંધ હોય તો તસ્કરોને પકડવા પોલીસ માટે આસાન રહેતું નથી. ત્યારે, ૨૦૧૯થી રાપરમાં લગાવાયેલા ૨૯થી વધુ સીસીટીવી બંધ હાલતમાં છે. પાલિકા અને પોલીસ સાથે મળીને આ સીસીટીવી કેમેરાને ચાલુ કરવા માટે સહિયારા પ્રયાસો આદરે તે જરૂરી છે.

રાપર મધ્યે નગરપાલિકા અને લોક ભાગીદારીથી વર્ષ ૨૦૧૯માં ૨૯થી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા હતા. રાપરના સેલારી નાકા, દેના બેંક ચોક, એસ.ટી. ડેપો, માલી ચોક, ભુતિયા કોઠા, બજાર સોની સહિતના વિસ્તારોમાં લગાવાયેલા કેમેરા બંધ પડયા છે. આ સીસીટીવી કેમેરાનું નગર પાલિકા દ્વારા યોગ્ય રીતે મેન્ટેનન્સ ન કરવામાં આવતા માત્ર છ માસમાં કેમેરા બંધ થવા લાગ્યા હતા. 

આ ઉપરાંત કેમેરા બંધ થવાનું કારણ શાકભાજીની લારીઓ અને દુકાનદારો દ્વારા છાંયડો કરવાની લ્હાયમાં ગ્રીન કલરના કંતાનો બાંધવામાં આવતા કેમેરાનું નુકસાન થવાનું શરૂ થયું હતું. જે બજાર વિસ્તારમાં કેમેરા લગાવાયા છે તે તમામ વિસ્તારમાં ધંધાર્થીઓ દ્વારા કંતાનો બંધાતા કેમેરાને નુકસાન થયું છે. વાયરોને નુકસાન પહોંચ્યું હોવાથી સીસીટીવી કેમેરામાં રેકોર્ડ સાચવી શકાતું નથી.  તેમજ હાલમાં લગાવાયેલા ૨૩૦ જેટલા કેમેરા માટે પણ આ કંતાનો અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે. 

રાપર એ સરહદી વિસ્તારને અડીને આવેલો શહેર છે. આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા આ શહેરમાં પરપ્રાંતિયોની ચહલ પહલ વધુ છે. સમયાંતરે બજારમાં નાના મોટા ચોરીના બનાવો બનતા રહે છે. મારામારી થાય છે ત્યારે કેમેરાને આડે કંતાન હોવાથી રેકર્ડમાં ઘટનાઓ સાચવી શકાતી નથી. રેકોર્ડીંગ બરાબર આવતું હોતું નથી પરિણામે પોલીસને પણ અડચણ પેદા થાય છે.

વર્તમાન સમયમાં ચોરીના બનાવો વધવા લાગ્યા છે અને શિયાળાના આરંભ સાથે જ તસ્કરો પણ સક્રિય થયા છે ત્યારે રાપરમાં બંધ સીસીટીવી કેમેરા સત્વરે ચાલુ કરાવાય તેવી માંગ છે. ચાલીસ ટકાથી વધુ કેમેરા માટે કંતાનો બાધારૂપ છે. પોલીસ નગરપાલિકા દ્વારા દુર કરાવાય તે જરૂરી છે.