વિદેશી શરાબનાં ૪૮ ક્વાટરીયા અને શરાબનાં ૪૦૬ પ્લાસ્ટિકનાં પાઉચ અને બિયરનાં ૮૨૯ ટીન કબ્જે કરાયા
ગાંધીધામ: રાપરનાં બાલાસર - જાટાવાડ રોડ પર આવેલા મંદિર પાસે પોલીસે શરાબનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે એક શખ્સ પોલીસને જોઈ નાસી ગયો હતો. પોલીસે કારમાંથી વિદેશી શરાબનાં ૪૮ ક્વાટરીયા અને શરાબનાં ૪૦૬ પ્લાસ્ટિકનાં પાઉચ અને બિયરનાં ૮૨૯ ટીન કબ્જે કરી પોલીસે કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર રાપરનાં બાલાસર થી જાટાવાડ ગામ તરફ જતા રસ્તા પર આવેલા હનુમાનજીનાં મંદિર પાસે બાલાસર પોલીસે બાતમી આધારે નંબર પ્લેટ વગરની ડસ્ટર કારમાં ધીરજભાઈ ગગાભાઈ મણવર (રહે. સપ્રેડા વાવ)ને ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી શરાબનાં ૪૮ ક્વાટરીયા અને ૧૮૦ એમએલ શરાબનાં ૪૦૬ પ્લાસ્ટિકનાં પાઉચ અને બિયરનાં ૮૨૯ ટીન મળી આવ્યા હતા. પોલીસને જોઈ કારમાં સવાર બીજો આરોપી હરેશભાઈ કરશનભાઇ મણવર (રહે. સપ્રેડા વાવ) નાસી ગયો હતો. જેમાં પોલીસે ઝડપાયેલા આરોપી ધીરજભાઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કારમાં શરાબનો જથ્થો રાપરનાં રવમાં રહેતા આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજાએ મંગાવ્યુ હોવાનું બહાર આવ્યુ હતું. જેથી પોલીસે શરાબનાં જથ્થા સાથે કાર સહીત કુલ રૂ. ૩,૮૩,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપી વિરુદ્ધ બાલાસર પોલીસ મથકે ગુનો નોંધી બાકી બે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથધરી હતી.


