Get The App

કુદરતી આફતોમાં પાક સંરક્ષણનો ઉપાય ટેક્‌નોલોજી પાસે, જાણો કેવી રીતે

કમોસમી વરસાદે ખેતીમાં કાળો કેર વર્તાવ્યો ત્યારે ટેક્‌નોલોજીએ આગોતરી જાણ કરી, લાખો રૂપિયાનો પાક બચી ગયો

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
કુદરતી આફતોમાં પાક સંરક્ષણનો ઉપાય ટેક્‌નોલોજી પાસે, જાણો કેવી રીતે 1 - image

Agriculture News : કુદરતનું ૠતુચક્ર તો જૂઓ ! કદાચ ગ્લોબલ વોર્મિંગની સૌથી વિપરિત અસરનો ભોગ રાજ્યનું કૃષિ અર્થતંત્ર અત્યારે બની રહ્યું છે. જ્યાં ઠંડીની શરૂઆત હોય, ઘઉં, જીરૂના વાવેતરની તૈયારીઓ ચાલતી હોય ત્યાં જ ભરચોમાસે જોવા મળે તેવા અતિવૃષ્ટિના સંજોગો અને ચોક્કસ વિસ્તારમાં આઠથી દસ ઈંચ વરસાદ પડે, તે સ્થિતિ હવે ખેડૂત માટે તો ઠીક હવામાન શાસ્ત્રીઓ માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે. ઓક્ટોબર મહિનાના અંતમાં ખરેખર વરસાદના કહેરની સ્થિતિ સર્જાયેલી. 

આ વિપરિત સંજોગો વચ્ચે સૌને એક જ પ્રશ્ન થાય, કે જ્યાં કુદરત રૂઠે ત્યાં સામાન્ય માનવી કરી કરીને શું કરી શકે ? સહાય પણ મળે તો પણ તેના નિયત ઘોરણો મુજબ, ત્યારે આ લાખો-કરોડો રૂપિયાના આર્થિક નુકસાનની ભરપાઈ કોઈ રીતે શક્ય છે ખરી ? આ પ્રશ્નનો જવાબ જો કે ટેક્‌નોલોજી પાસે અવશ્ય છે જ. માન્યું કે ટેક્‌નોલોજીના ઉપયોગ દ્વારા તમામ નુકસાનની ભરપાઈ તો કદાચ ન પણ થઈ શકે, પણ ખેડૂતોનું બઘું જ લૂંટાઈ ગયું તેવી સ્થિતિ એ દિવસોમાં સર્જાઈ. હવે આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે તેમાં જો ટેક્‌નોલોજીનો સહારો લેવાય તો અવશ્ય રાહત થઈ શકે.

ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાના દિહોર ગામના મહેશભાઈ જોશીએ ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં અણધાર્યા વરસાદે જે કહેર સર્જ્યો તેમાં ટેક્‌નોલોજીના કારણે પાકને જેટલો પણ બચાવી શક્યા તેના ઉદાહરણ પરથી સ્પષ્ટ કહી શકાય કે, આવી વિપરિત પરિસ્થિતિમાં ટેક્‌નોલોજી નાના ખેડૂત માટે ખૂબ સારી એવી અથવા તો મોટી કહી શકાય તેવી આર્થિક રાહત આપી શકે છે. 

ટેકનોલોજીનો ઉપયોગ સૌને માટે

મહેશભાઈનાં મતે, દરેક ખેડૂતે વેધર સ્ટેશનનો ઉપયોગ કરવો જોઈએ. આ વેધર સ્ટેશન તેમણે માર્ચ 2025 માં રૂપિયા 48,000 માં ખરીદ્યું હતું. તેમાંથી રૂપિયા 23,500 ની સહાય મળતા તેમને માત્ર રૂપિયા25,000 માં જ આ મશીન પડ્યું. હવે રૂપિયા 25,000નો ખર્ચ આ મશીન વસાવવા પાછળ કર્યો હોય, એ જ મશીન લાખો રૂપિયાનો પાક બચાવીને જો ખેડૂતો માટે મદદરૂપ બનતું હોય તો આવા ખર્ચની કોઈ વિસાત ખરી ? 

હકીકતમાં આ કોઈ ખર્ચ નહીં પણ એક પ્રકારનું મૂડીરોકાણ જ કહેવાય. તેઓ કહે છે કે આ મશીનનાં કારણે હવામાન સંબંધી સમયસરની જાણકારી, રોગ-જીવાત ઉપદ્રવને નિયંત્રિત કરવા આગોતરી જાણકારી, ખાતર વગેરેના પ્રમાણસર ઉપયોગની વૈજ્ઞાનિક ભલામણ વગેરેના કારણે ખેતીખર્ચ ઘટે છે અને કૃષિ ઉત્પાદન પણ વધી જાય છે. 

સામાન્ય ખેડૂત એકરે આશરે રૂપિયા 1.20 લાખનું ઉત્પાદન મેળવતો હોય ત્યાં આ વેઘર મશીનના વપરાશના કારણે હવામાન સંબંધી આગોતરી જાણ ઉપરાંત અન્ય માર્ગદર્શન વગેરેના કારણે ખેડૂત એકરે રૂપિયા 2 લાખનું ઉત્પાદન મેળવી શકે છે.

આ પ્રકારે જ્યારે પ્રાકૃતિક કહેર વર્તાતો હોય ત્યારે માત્ર લાચાર બની રહેવાના બદલે જ્યાંથી જેટલો પણ સહયોગ મળતો હોય તે મેળવીને સંભવિત નુકસાનને શક્ય એટલું ઘટાડવું તે શ્રેષ્ઠ ઉપાય છે. આ માત્ર ટેક્‌નલોજીના ઉપયોગ દ્વારા જ શક્ય બની શકે.

વેધર સ્ટેશનના કારણે રૂપિયા 11 લાખનું સંભવિત નુકસાન અટકાવી શકાયું

મહેશભાઈએ તેમની 10 એકર જમીનમાં સરગવો, આમળાં અને જામફળની ખેતીને વરસાદના આ વિપરિત સંજોગો છતાં પણ લગભગ 50 ટકા જેટલું નુકસાન થતું અટકાવીને ટેક્‌નોલોજી કેટલી મદદરૂપ થઈ શકે તે દર્શાવ્યું છે. તેમના કહેવા પ્રમાણે તેમના ખેતરમાં આધુનિક ટેક્‌નોલોજી એટલે કે વેધર સ્ટેશન પણ લગાડ્યું છે, તેના કારણે તેમના પાકમાં 17 થી 22 લાખના નુકસાનની શક્યતા હતી, તેમાંથી રૂપિયા 8 થી 11 લાખનો પાક બચાવી શક્યા છે. આ સંકટ સમયે તેમને વધુ મજૂરો મળી ગયા હોત તો, માત્ર 30 ટકા જ આર્થિક નુકસાન થાત.

મહેશભાઈના ઉદાહરણ પરથી સમજાય છે કે, કોઈ યંત્ર કે ટેક્‌નોલોજી દ્વારા કોઈ ખેડૂતને આટલી બધી આર્થિક નુકસાની થતી અટકાવી શકાતી હોય, અને લાખો રૂપિયાનો પાક બચી જાય, તે કેટલી મોટી વાત છે !

તેઓ જણાવે છે કે, ઓક્ટોબરના અંતમાં આવેલા કમોસમી વરસાદ વખતે ખેતરમાં પાક ઊભો હતો. આ વરસાદના પાણીના કારણે ફળ, ફૂલ,પાન ખરી જતા હોય છે. તેમ જ ફંગસ (ફૂગ) આવી જતી હોય છે. તેમને જ્યારે વરસાદની આગાહી 15 દિવસ પહેલા મળી, ત્યારે સાવચેતીના ભાગરૂપે તેમણે સરગવાને બચાવવા માટેના કેટલાક પગલાં લીધાં, જેમાં પ્રથમ તો પાકને પાણી આપવાનું બંધ કર્યું. તેમાં ફંગીસાઇડનો (ફૂગનાશકનો) છંટકાવ શરૂ કર્યો. તેનાંથી સરગવાના ફૂલ, પાન અને સિંગો પણ ઓછી ખરે છે. આ ઉપરાંત પાકમાં આવશ્યક ખાતર- બોરોન અને કેલ્શિયમ નાંખી પોષક તત્ત્વોની પૂર્તિ કરી. તેનાંથી ફળ, ફૂલ ખરતાં નથી. સમયસર આ પ્રકારની માવજતના કારણે આમળામાં તેમને કોઈ જ નુકસાની ન આવી. જામફળમાં 10 ટકા નુકસાની મજૂરોના અભાવના કારણે આવી હતા. 

વેધર સ્ટેશનની વિશિષ્ટ કામગીરી

પ્રિસીઝન ફાર્મિંગ અંતર્ગત મહેશભાઈએ જે યંત્ર વસાવ્યું છે તે અંગેની વિગતો આપતા તેઓ કહે છે કે, આ વેધર સ્ટેશન વરસાદ ક્યારે આવશે, તે પણ 15 દિવસ પહેલા આગાહી કરીને ક્યારે, કેટલા વાગે, કેટલો વરસાદ પડશે તેની માહિતી આપે છે. તેમનાં મતે, આ વેધર સ્ટેશનમાં 90% આગાહી સાચી પડે છે. તેમાં કેટલો પવન ક્યારે કઈ દિશામાંથી આવશે તેની પણ માહિતી મળે છે. 

પાક માટે પાણી ખૂબ મહત્ત્વનું પરિબળ છે. યોગ્ય સમયે, પ્રમાણસર પાણી પાક માટે અમૃત સમાન બની જતું હોય છે. ખેડૂતને પાકમાં પાણી ક્યારે, કેટલા પ્રમાણમાં આપવું તેની ગણતરી યંત્ર મોબાઈલમાં આપી દે છે. સામાન્ય ખેડૂતને પિયત માટે 7 થી 8 કલાક મોટર ચલાવવી પડે છે અને વધુ પાણીનો વપરાશ અને વીજબિલ વાર્ષિક આશરે રૂ. 36,000 જેટલું વધતુ હોય છે. પરંતુ તેઓ વેધર મશીન બતાવે ત્યારે જ પાણી આપતા હોવાથી 1 થી 1.5 કલાક પાણી આપવું પડે છે અને વીજ બીલ વાર્ષિક રૂપિયા 15 થી 20 હજાર જેટલું જ આવતું હોવાથી તેમને આર્થિક રીતે પણ બચત થાય છે.

જો પાકમાં રોગ આવવાનો હોય તો, ત્રણથી ચાર દિવસ પહેલાં તેની પણ માહિતી આ વેઘર સ્ટેશન આપે છે, છતાં ધ્યાન ન આપો તો 24 કલાકની ચેતવણી પણ આપે છે તેની સાથે જ કઈ દવા છાંટવી તે પણ જણાવે છે. છતાંય ખેડૂત જાગૃત ન થાય અને રોગ લાગી ગયો હોય તો પણ, તે ખેડૂતને સલાહ આપે છે. પવનમાં દવા છાંટવી હોય તો ક્યારે, કયા સમયે દવા છાંટવી તેની પ્રતિપળની માહિતી આ પ્રકારની ટેક્‌નોલોજીના કારણે ખેડૂતોને સમયસર મળી રહે છે.

આ ટેક્‌નોલોજી અગાઉથી પાકનું રોગનિદાન કરીને માહિતી આપતી હોવાથી, તેઓ હળવી દવા વાપરી શકે છે અને ભારે દવાના ડોઝ આપવા પડતા નથી, તેથી તેની સાઈડ ઈફેક્ટમાંથી મહદ્‌અંશે બચી શકાય છે. તેમને દવામાં મહિને રૂપિયા10,000 નો ખર્ચ થાય છે. જ્યારે સામાન્ય સંજોગોમાં ખેડૂતોને જંતુનાશક દવાઓ પાછળ મહિનામાં રૂપિયા 16,000 થી રૂપિયા 20,000 નો ખર્ચ થાય છે.