Get The App

કૂવા રિચાર્જીંગ-ખેતતલાવડી દ્વારા જળસંચયનો દિશાનિર્દેશ ગામે અપનાવ્યો અને કંડારાઈ કૃષિ સમૃદ્ધિની દિશા

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
કૂવા રિચાર્જીંગ-ખેતતલાવડી દ્વારા જળસંચયનો દિશાનિર્દેશ ગામે અપનાવ્યો અને કંડારાઈ કૃષિ સમૃદ્ધિની દિશા 1 - image

• એક ખેડૂતનો નાનો એવો પ્રયોગ સમગ્ર ગામને દિશા ચીંઘે ત્યારે તેનું પરિણામ મળે જ

• ગામનાં સહિયારા પ્રયાસો દ્વારા છ વીઘામાં ખેતતલાવડી બનતા ત્રીજા વર્ષે પાણીનો સંગ્રહ થવાથી કૂવાઓમાં ઉનાળામાં પણ પાણી મળતું થયું, બંધ કૂવાઓનાં તળ પણ ઊંચાં આવવા લાગ્યાં

Agriculture News : ખેડૂતે માત્ર ખેતીમાં રોગ-જીવાત, જણસીનાં ભાવ જેવા મુદ્દે જ નહીં ઘણીવાર કુદરતી આપદાઓ સામે પણ સંઘર્ષ કરવો પડતો હોય છે. પાણીની વધુ અછત હોય તેવા પ્રદેશમાં માત્ર ચોમાસા આધારિત ખેતી કરવી પડતી હોય છે. જ્યાં 1000-1200 ફૂટે પણ બોરમાં પાણી આવતું ન હોય, ત્યારે ખેડૂતોની હાલત કફોડી થઈ જતી હોય છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરનાર મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકાના ભાખર ગામના જયેશભાઈ બારોટ જણાવે છે કે, અમારા ગામમાં 15 વર્ષ પહેલાં ખેતી માટે પાણીની સમસ્યા ખૂબ મોટી હતી. તેના ૈઉકેલ માટે અમે કૃષિવિજ્ઞાન કેન્દ્ર, દાંતીવાડા ખાતે માર્ગદર્શન લીધું અને તે દિશામાં અમે કાર્ય આરંભ્યું. 

જયેશભાઈએ સૌપ્રથમ તેમના બંધ પડેલા કૂવા પાસે ટાંકી બનાવી, કાંકરા પાથરી, પાઇપ નાંખીને વરસાદનાં પાણીથી કૂવાને રિચાર્જ કરવાનું શરૂ કર્યુ. તેમની મહેનત 3 વર્ષ બાદ પરિણામ આપવા લાગી. જમીનમાં પાણીનાં સ્તર ઉપર આવતા માત્ર 60-70 ફૂટે કૂવા, બોરમાં પાણી આવવા લાગ્યા. અન્ય ખેડૂતોએ પણ તેમને અનુસરીને બંધ પડેલ કૂવાઓને રિચાર્જ કરવાનું શરૂ કર્યું. તે સમયે ગામમાં જ્યાં 100-200 વીઘે એક મુજબ, નિગમનાં બોરમાંથી માંડ બે વાર પાણ મળે, ત્રીજુ પાણ ન મળે એટલી ઘટ પડતી, આવા સંજોગોમાં પાણીનાં તળ ઉંચા આવવા એ સૌ માટે સુખદ આશ્ચર્ય હતું.

કૃષિ વૈજ્ઞાનિકોએ ચીંઘેલ માર્ગે પાણી તો મળ્યું અને ખેતીમાં હવે બે સિઝન પિયત શક્ય બની, પરંતુ ઉનાળામાં પાણી રહેતું નહોતું. આ સમય દરમિયાન ગામ પાસે ધરોઈ નહેરનાં નીર આવ્યાં. તેનાં વધારાનાં પાણીને ગામનાં સીમ તળાવમાં વાળવામાં આવ્યું. તેનાં કારણે તળાવ બારેય મહિના ભરેલું રહેવા લાગ્યું અને ગામનાં 4-5 કિમી આસપાસનાં 10 જેટલા કૂવા અને 15 જેટલાં બોર રિચાર્જ થઈને 40 ફૂટે પાણી આવી ગયાં. આમ, ગામની પાણીની સમસ્યા મહદ્‌અંશે હલ થઈ ગઈ. 

જળસંચય બાબતે ગામમાં જાગૃતિ આવી ગઈ હતી, ત્યારે ગામનાં સહિયારા પ્રયાસો દ્વારા છ વીઘામાં ખેતતલાવડી બનાવવામાં આવી. તેમાં ત્રીજા વર્ષે પાણીનો સંચય સારી રીતે થવા લાગ્યો. તેના કારણે ગામનાં કૂવામાં ઉનાળામાં પણ પાણી મળતું થયું અને ગામનાં અન્ય બંધ કૂવા, જે રિચાર્જ કરવાનાં ચાલુ હતા તેમાં પણ તળ ઊંચા આવ્યા. આ કૂવા ફરીથી ખોદતા તેમાંથી પણ 20 ફૂટે પાણીની સરવાણી ચાલુ થઈ ગઈ. જળસંચયની આ સજાગતાના કારણે સુક્કી અને વેરાન બનતી જતી ગામની ખેતી નવપલ્લવિત થવાનો પ્રારંભ થયો.

જયેશભાઈ જણાવે છે કે, હવે એ દિવસો ભૂતકાળ બની ગયા કે, જ્યાં 12 વીઘામાં મારે માત્ર એક સિઝનમાં  રૂપિયા 1.25 લાખની આવક થતી અને ખર્ચ બાદ કરતા માત્ર રૂપિયા 60-70 હજારની ચોખ્ખી આવક થતી. હવે હું ત્રણ સિઝનમાં બાજરી, જાર, રાયડો, ઘઉં જેવા પાકોની ખેતી કરી 3 સિઝનનાં ઉત્પાદનમાંથી વાર્ષિક રૂપિયા 8 થી 9 લાખનો ચોખ્ખો નફો મેળવું છે. 

તેઓ જણાવે છે કે, આશરે 100 થી 150 ખેડૂતોએ આ જળક્રાંતિનો લાભ લઈને આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી. આ વિસ્તારમાં પાણીની ભારે અછત સમયે એક વીઘો જમીન માત્ર રૂપિયા 50-70 હજારમાં વેચાતી હતી અને હાલ એ જ જમીનનો ભાવ પ્રતિ વીઘે રૂપિયા 50 થી 70 લાખથી વધુ બોલાય છે, આ છે પાણીનું મૂલ્ય. 

કપરા સમયમાં આ વિસ્તારના અનેક પરિવારોએ પોતાની જમીન સસ્તામાં વેચીને શહેર તરફ પ્રયાણ કર્યુ અને આ જ લોકો ગામમાં પાણીને કારણે જમીનનું મૂલ્ય વધતા ફરી પાછા જમીન ખરીદતા થયા છે. તેમની 12 વીઘા જમીનનો ભાવ એક સમયે રૂપિયા 3 લાખ હતો તેનો ભાવ પાણીની સગવડ થવાથી, આજે આ સમૃદ્ધ જમીનના રૂ.5થી 8 કરોડ બોલાય છે. 

તેમનાં ગામની જળસંચયની પ્રેરણા લઈને બાજુના ગામવાળાઓએ જળસંચય માટે મંડળી બનાવી સૂર્ય ઊર્જા થકી નહેરનાં પાણી મોટા ટાંકામાં વાળીને, નજીવા દરે સભ્યોને ડ્રીપ ઈરીગેશનથી પાણી તેમના ખેતરમાં આપે છે અને આ સુવિધા માટે તેમણે  સરકારી સહાય પણ મેળવી છે. આ બધું જનજાગૃતિને કારણે શક્ય બન્યું. 

જયેશભાઈએ જળસંચયને અગ્રતા આપીને પોતાનો કૂવો રિચાર્જ કર્યો, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો. અહીં મહત્ત્વની વાત એ છે કે ગામના એક જાગૃત ખેડૂતે જળસંચયના પ્રયોગ દ્વારા અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપ્યું અન્ય ખેડૂતોએ જયેશભાઈમાંથી પ્રેરણા લીઘી અને આજે પરિણામ એ આવ્યું કે એક ખેડૂતના દિશાનિર્દેશના કારણે જળસંચય દ્વારા ગામના કૃષિ અર્થતંત્રએ સમૃદ્ધિની દિશા પકડી છે.

જળસંચયની આ સજાગતાના કારણે સુક્કી અને વેરાન બનતી જતી ગામની ખેતી નવપલ્લવિત થવાનો પ્રારંભ થયો

• કૂવા રીચાર્જ કરીને પરિણામ ખેતીમાં મેળવ્યું, અન્ય ખેડૂતો પણ પ્રેરાયા, જળસંચયની જાગૃતિ બીજા ગામની પણ પ્રેરણા બની

• પાણીની ભારે અછત સમયે એક વીઘો જમીન માત્ર રૂપિયા 50-70 હજારમાં વેચાતી હતી અને હાલ એ જ જમીનનો ભાવ પ્રતિ વીઘે 50-70 લાખથી વધુ બોલાય છે, આ છે પાણીનું મૂલ્ય.

• કૂવા રીચાર્જ, જળસંચય જેવાં પગલાંનાં પરિણામે જ્યાં 1000-1200 ફૂટે બોરમાં પાણી આવતા ન હતા, ત્યાં હવે માત્ર 20 ફૂટે કૂવામાં પાણીની સરવાણી ફૂટવા લાગી