પરંપરાગત ખેતી પાકમાં પણ મૂલ્યવર્ધન એ આર્થિક વૃદ્ધિનો શ્રેષ્ઠ ઉપાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

• જે ખેડૂત ખેતીની સાથે મૂલ્યવર્ધન અપનાવે, તેને ખેતીમાં ક્યારેય નિરાશ નહીં થવું પડે
• ખેડૂતો કૃષિખર્ચ અને અનિશ્ચિત બજારથી પરેશાન છે, ત્યારે વાસુદેવભાઈએ પોતાની સૂઝબૂઝ અને મહેનતથી
• ઘઉં, તુવેર, ચણા જેવા પરંપરાગત ખેતીપાકના મૂલ્યવર્ધન દ્વારા આવક વૃદ્ધિનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે
Agriculture News : આધુનિક કૃષિ માત્ર ખેતરમાં પાક ઉગાડવા પૂરતી સીમિત રહી નથી. આજે, ખેડૂતો અને કૃષિઉદ્યોગ માટે આવક વધારવાનો અને બજારની સ્પર્ધામાં ટકી રહેવાનો સૌથી અસરકારક માર્ગ મૂલ્યવર્ધન છે. મૂલ્યવર્ધનનો સીધો અર્થ છે કે, ખેતરમાંથી મેળવેલા કાચા માલને પ્રોસેસિંગ, પેકેજિંગ અથવા અન્ય પ્રક્રિયાઓ દ્વારા એક એવા ઉત્પાદનમાં રૂપાંતરિત કરવો, જેની બજારમાં વધારે કિંમત મળી શકે. ઉદાહરણ તરીકે, ટામેટાંમાંથી કેચઅપ બનાવવું, ઘઉંમાંથી લોટ કે બ્રેડ બનાવવી અથવા ફળોમાંથી જામ કે રસ તૈયાર કરવો.
આ પ્રક્રિયા દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનનો વધુ સારો ભાવ તો મળશે જ ઉપરાંત ખેતી પછીના સંભવિત નુકસાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. વળી, મૂલ્યવર્ધન દ્વારા રોજગારની તકો પણ ઊભી થાય છે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને તૈયાર ઉત્પાદનો મળી રહે છે.
આજના સમયમાં જ્યાં ખેડૂતો કૃષિખર્ચ અને અનિશ્ચિત બજારથી પરેશાન છે, ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કડવાસણ ગામના વાસુદેવભાઈ ડોડિયા પોતાની સૂઝબૂઝ અને મહેનતથી મૂલ્યવર્ધન દ્વારા આવક વૃદ્ધિનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
વાસુદેવભાઈ 30 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીથી શિયાળામાં ચણા, ઘઉં, જવ અને શાકભાજી અને ઉનાળામાં જો પાણીની સગવડ થાય તો તેઓ તરબૂચ, ટેટી અને કાકડી તેમ જ વરસાદ આધારિત ખેતીમાં તુવેર, જુવાર, બાજરી, મગ, અડદ, શાકભાજીની ખેતી કરે છે. વર્ષ 2018 થી રાસાયણિક ખેતી બંધ કરીને પ્રાકૃતિક ખેતી કરતા વાસુદેવભાઈ ‘ગોપકા’નું સર્ટિફિકેટ પણ ધરાવે છે.
તેઓ મૂલ્યવર્ધનનું મૂલ્ય સારી રીતે સમજે છે. પહેલાં તેઓ અન્ય જગ્યાએ જોબવર્કથી દાળ કઢાવતા હતા અને હવે પોતાની મિનિ દાળમીલમાં તુવેર, ચણા, મગ વગેરેની દાળ બનાવે છે. આ મૂલ્યવર્ધિત દાળનું વેચાણ તેઓ અમદાવાદની સૃષ્ટિ સંસ્થા અંતર્ગત સ્ટોલ લગાવીને કરે છે. ધાણા-જીરૂને પરંપરાગત રીતે ખાંડી તેનો પાવડર બનાવી વેચાણ કરે છે. સામાન્ય રીતે મસાલા ખાંડવા માટેની મશીનરીમાં ગરમીના કારણે મસાલાનાં પોષક તત્ત્વો નાશ પામતા હોય છે.
પરંપરાગત રીતે તૈયાર કરેલા આ મસાલાઓને તેની ગુણવત્તા જાળવીને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે તેમણે રૂપિયા 1.7 લાખની કિંમતે વેક્યુમ પેકિંગ મશીન વસાવ્યું છે. હવાચૂસ્ત પેકિંગને કારણે દાળ અને મસાલાની ગુણવત્તા લાંબો સમય જળવાઈ રહે છે. આ ઉપરાંત તેઓ દાળ-મસાલાના સ્ટોકને ભાડેથી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી, જ્યારે-જ્યારે જરૂર પડે ત્યારે તે મસાલાને લઈને તેની પ્રોસેસ કરી, તેનું વેચાણ કરે છે.
તેમના કાયમી ગ્રાહકો પાસેથી ઓર્ડર મેળવીને મોટાભાગની જણસીનું વેચાણ કરે છે. તેઓ પ્રાકૃતિક ખેતીનાં વિવિધ આયામોનો ઉપયોગ તેમ જ રોગ-જીવાત માટે ઔષધીય અર્કનો છંટકાવ કરે છે. આ ઉપરાંત ફેરોમેન ટ્રેપનો પ્રયોગ પણ કરે છે. તેમની ગત વર્ષની ખેતીની આવકની વાત કરીએ તો, તેમાં મૂલ્યવર્ધને પણ તેમની આવકમાં સારો એવો વધારો કર્યો છે. માત્ર મૂલ્યવર્ધનને કારણે તેમને રૂપિયા3.4 લાખથી વધુ આવક થઈ.
વાસુદેવભાઈની આ મહેનત અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે તેમને રાજ્યપાલ તરફથી બેસ્ટ ફાર્મરનો એવોર્ડ અને સરદાર પટેલ કૃષિ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં, જો યોગ્ય રીતે મૂલ્યવર્ધન અને સીધા ગ્રાહક જોડાણ સાથે કરવામાં આવે, તો તે ખેડૂત માટે સમૃદ્ધિનો માર્ગ ખોલી શકે છે.










