Get The App

ખરીફ-રવીમાં પરંપરાગત પાક અને તેના મૂલ્યવર્ધન દ્વારા લાખો રૂપિયાની આવક

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
ખરીફ-રવીમાં પરંપરાગત પાક અને તેના મૂલ્યવર્ધન દ્વારા લાખો રૂપિયાની આવક 1 - image

• કૃષિવિજ્ઞાનનું માર્ગદર્શન જો મળે તો મિશ્ર ખેતપદ્ધતિ પણ લાભદાયી નીવડે

• વર્ષોથી થતી રાસાયણિક ખેતીમાં પરિવર્તન લાવવું હોય તો તુરંત જ જૈવિક ખેતી અપનાવવાના બદલે જમીનને તેના માટે

• તૈયાર કરવા ખેડૂતે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી જૈવિક કૃષિ ઇનપુટ્‌સનો ઉપયોગ વઘારતા રહેવું જોઈએ

Agriculture News : અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના અમરાપુર ગામના ખેડૂત ધર્મેશભાઈ મૂળજીભાઈ માથુકીયાએ વર્ષ 2020થી જૈવિક ખેતી તરફ પગલું ભર્યું, પરંતુ તેમણે સંપૂર્ણ રીતે એક જ પદ્ધતિ અપનાવવાને બદલે મિશ્ર ખેતીનો રસ્તો પસંદ કર્યો. કંઈક આવા જ ઘ્યેય સાથે તેઓ તેમની 100 વીઘા જમીનમાંથી 60 વીઘામાં જૈવિક ખેતી અને 40 વીઘામાં રાસાયણિક ખેતી કરે છે. 

પોતાની ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિથી થતી હોવાનું જણાવી તેમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર, અમરેલીની ભૂમિકા અને માર્ગદર્શન અંગે તેઓ જણાવે છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના આ કેન્દ્રના સિનિયર સાયન્ટિસ્ટ ડો. મીનાક્ષી કે. બારિયા અને તેમની ટીમ જે-તે પાકના વાવેતરથી લઈએ કાપણી અને તે પછી મૂલ્યવર્ધન તથા બજારભાવ સંબંધી વિસ્તૃત માર્ગદર્શન આપતા હોવાથી મારું ખેતી કાર્ય સરળ બન્યું છે.

ધર્મેશભાઈ માને છે કે, દરેક જમીન, દરેક પાક અને દરેક ખેડૂત માટે એક જ પદ્ધતિ યોગ્ય હોય એવું જરૂરી નથી. જે જમીન વર્ષોથી રાસાયણિક ખેતી હેઠળ રહી છે, ત્યાં એકદમ જૈવિક ખેતી શરૂ કરવી જોખમી બની શકે છે. શરૂઆતમાં ઉત્પાદન ઘટે તો ખેડૂત આર્થિક રીતે સંકટમાં આવી શકે. તેથી તેમણે જમીનને ધીમે ધીમે ખેતપદ્ધતિ પરિવર્તન માટે તૈયાર કરવાનો રસ્તો અપનાવ્યો અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી, છાણીયા ખાતર અને જૈવિક ઇનપુટ્‌સનો ઉપયોગ વધાર્યો. 

જૈવિક ખેતી હેઠળ ધર્મેશભાઈ ખરીફ ૠતુમાં મગફળી, કપાસ, હળદર, ડુંગળી ઉગાડે છે. રવી ૠતુમાં જીરૂ, ડુંગળી ઉપરાંત આગોતરા આર્થિક આયોજનના ભાગરૂપે તરબૂચ અને ટેટી જેવા પાકોનું વાવેતર કરે છે.

ઉનાળાની ૠતુમાં જમીન ખાલી રાખવામાં આવે છે. જેનાથી માટીનું સોલરાઇઝેશન થાય છે, જેના કારણે નુકસાનકારક બેક્ટેરિયા, ફૂગ અને જીવાતો કુદરતી રીતે નાશ પામે છે. આ પદ્ધતિ જમીનને આગલા પાક માટે સ્વચ્છ અને સ્વસ્થ બનાવે છે આ કારણોસર રોગ-જીવાતનું દબાણ ઓછું રહે છે.

ગયા વર્ષે ચોમાસુ મગફળીનું 9 વીઘામાં વાવેતર કરતા 25 મણ પ્રતિ વીઘાના ઉત્પાદન સાથે કુલ 225 મણ ઉત્પાદન મળ્યું હતું. મગફળીને સીધી માર્કેટયાર્ડમાં વેચવાના બદલે તેમણે મૂલ્યવર્ધન કરી તેલના ડબ્બાનું વેચાણ કરેલ હતું. તેમાં આવતા વર્ષના વાવેતર માટે મગફળીનું બિયારણ રાખ્યા બાદ 104 ડબ્બા તેલનું વેચાણ રૂપિયા 3,000 પ્રતિ ડબ્બાના ભાવે કરીને કુલ રૂપિયા 3,12,000 ની આવક મેળવી હતી. સરેરાશ રૂપિયા 4,700 પ્રતિ વીઘાના ખર્ચ સાથે કુલ રૂ. 42,300 નો ખર્ચ થયો હતો. તેલના ડબ્બામાંથી થયેલ આવક સામે ખેતીખર્ચ બાદ કરતા રૂપિયા 2,69,700 નો ચોખ્ખો નફો તેમણે મગફળીમાંથી મેળવ્યો હતો અને બિયારણ માટે મગફળી રાખી એની કિંમત અલગ.

ચોમાસું ડુંગળીનું 27 વીઘામાં વાવેતર કરતા 288 મણ પ્રતિ વીઘાના ઉત્પાદન સાથે કુલ 7,776 મણ ઉત્પાદન મળ્યું હતું. ડુંગળીનું વેચાણ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ રૂપિયા 380 પ્રતિ મણના ભાવે વેચી કુલ રૂપિયા 29,54,880 ની આવક મેળવી હતી. ડુંગળીમાં કુલ ખેતીખર્ચ રૂપિયા 4,60,000 બાદ કરતા કુલ રૂપિયા 24,94,880 નો ચોખ્ખો નફો મળ્યો હતો. 

ચોમાસા દરમિયાન 4 વીઘામાં હળદરનું વાવેતર કરેલ હતું. સરેરાશ 35 મણ પ્રતિ વીઘા સૂકી હળદરના ઉત્પાદન સાથે કુલ 140 મણ હળદરનું ઉત્પાદન મેળવ્યું હતું. મૂલ્યવર્ધન દ્વારા હળદરનો પાવડર બનાવી તેનું વેચાણ રૂપિયા 250 પ્રતિ કિલોના ભાવે કરી કુલ રૂપિયા 7,00,000 ની આવક તેમને મળી હતી. બિયારણથી માંડીને પાકની વહેંચણી સુધીમાં કુલ રૂપિયા 1,62,000નો ખેતીખર્ચ બાદ કરતા રૂપિયા 5,38,000 નો ચોખ્ખો નફો  થયો હતો.

શિયાળામાં 4 વીઘામાં સફેદ ડુંગળીનું વાવેતર કરતા 400 મણ પ્રતિ વીઘાના ઉત્પાદન સાથે કુલ 1,600 મણ ઉત્પાદન મળ્યું હતું. સરેરાશ રૂપિયા 500 પ્રતિ મણના ભાવે કુલ રૂપિયા 8,00,000 ની આવક થઈ હતી, જયારે કુલ ખેતીખર્ચ રૂપિયા 68,000 બાદ કરતા રૂપિયા 7,32,000 નો ચોખ્ખો નફો તેમને મળ્યો હતો.

શિયાળામાં 10 વીઘામાં લસણનું વાવેતેર કરતા 90 મણ પ્રતિ વીઘાના ઉત્પાદન સાથે કુલ 900 મણ ઉત્પાદન મળ્યું હતું. સરેરાશ રૂ. 1350 પ્રતિ મણના ભાવે વેચાણ કરી રૂપિયા 12,15,000 ની આવક થઈ હતી. કુલ ખેતીખર્ચ રૂપિયા 1,70,000 આવકમાંથી બાદ કરતા રૂપિયા 10,45,000 નો ચોખ્ખો નફો મળ્યો હતો. આમ તેમણે જૈવિક ખેતી દ્વારા વાર્ષિક રૂપિયા 50,00,000 ની આવક મેળવી. ખેતીને માત્ર પાક ઉત્પાદન સુધી સીમિત ન રાખી, ધર્મેશભાઈએ મૂલ્યવર્ધન અને માર્કેટિંગ તરફ પણ ધ્યાન આપ્યું છે. 

ધર્મેશભાઈએ પોતાની ખેતપેદાશને વ્યાવસાયિક સ્વરૂપ આપીને આર્થિક પ્રગતિ કરીને તેમણે સાબિત કર્યું છે કે, ખેડૂત ધારે તો શું નાં કરી શકે ? ભવિષ્યમાં પણ તેઓ વધુ કૃષિ ઉત્પાદન અને તેના મૂલ્યવર્ધન દ્વારા આર્થિક દ્રષ્ટિએ સંપન્ન બનવાનું ઘ્યેય રાખે છે.