• પ્રાકૃતિક ખેતીથી લગભગ બિનઉપજાઉ જમીન ત્રીજા-ચોથા વર્ષથી પરિણામ આપતી થઈ
• પ્રાકૃતિક ખેતીનો બીજો મહત્ત્વનો ફાયદો એ છે કે જે તે પાકમાં રોગનું પ્રમાણ લગભગ નહીંવત્ છે. ફંગસ થતી નથી. પક્ષીઓનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. તેના કારણે ખેતરની જમીનમાં કે બીજે કોઈ કિટાણું હોય તો તેનો કુદરતી રીતે નાશ થઈ જાય છે
Agriculture News : ખૂબ મહેનત કરીએ, ખાતર પણ વધું નાખીએ, ઉત્પાદન વધારવાના શક્ય એટલા તમામ પ્રયાસ કરીએ તો પણ કૃષિ ઉત્પાદન વધે નહીં. એમાં પણ વળી જમીન પણ ક્ષારયુક્ત હોય, આવી પરિસ્થિતિમાં ખેતી જ્યારે પોષાય નહીં, ત્યારે ખેડૂત જો પ્રાકૃતિક ખેતીની દિશામાં વળે અને માત્ર શરૂઆતના એકાદ બે વર્ષ પછી તરત જ ધાર્યા કરતાં પણ સારાં પરિણામ મળે તો આથી વધુ રૂડું શું ?
રાધનપુર તાલુકાના બાદલપુરા ગામના ખેડૂત શ્રી વિનુભાઈ પટેલે પોતાની બિનઉપજાઉ બની ગયેલી ખારાશવાળી જમીનથી કંટાળીને પોતાની ખેતીને સુધારવા પ્રાકૃતિક ખેતીનો અભિગમ આજથી દસ વર્ષ પહેલા અપનાવ્યો. આજે પ્રાકૃતિક ખેતીથી તેઓ એટલા તો સંતુષ્ટ છે કે અન્ય ખેડૂતોને પણ સતત પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપી રહ્યા છે.
મજાની વાત તો એ છે કે પ્રાકૃતિક ખેતીની સફળતાથી પ્રેરાઈને વર્ષે ઓછામાં ઓછા 400 થી 500 ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈને પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવી રહ્યા છે.
તેઓ આજે તેમની 30 એકર જમીનમાં વર્ષ 2014 થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓને સાત કાંકરેજી ગાય છે. આજે 10 એકરમાં તેઓ આંતરપાક સાથે ખારેકની ખેતી કરી રહ્યા છે. અગાઉની સરેરાશ જોઈએ તો તેઓ એકર દિઠ 5 મેટ્રિકટન પ્રમાણે અંદાજે વાત્ત્ષક સરેરાશ 50 મેટ્રિકટન ખારેકનું ઉત્પાદન મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત કપાસ, ઘઉં, અજમો, રાઈ મેથી જેવા પાકનું ઉત્પાદન પણ તેઓ લે છે. પરંતુ એક પણ પાકમાં તેમણે ક્યારેય છેલ્લા 10 વર્ષમાં રાસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ કર્યો નથી. માત્ર પ્રાકૃતિક ખાતર દ્વારા જ ખેતી થઈ રહી છે.
તેઓ કહે છે : શરૂઆતના એકાદ બે વર્ષને બાદ કરીએ તો ત્રીજા કે ચોથા વર્ષથી ખેતીમાં પૂરતું કૃષિ ઉત્પાદન આપણને મળે છે.
વર્ષ 2014 પહેલાની જો વાત કરું તો તે સમયની મારી ખારાશવાળી જમીનના કારણે જે કંઈ વાવેતર કરતો ત્યારે માંડ માંડ 20-25 ટકા ઉત્પાદન મને મળતું. જમીન પણ કડક હોવાથી ખેડાણ પણ મુશ્કેલ હતું. એ સમયે મને યાદ છે કે મારા 30 એકરમાં ખાતર પાછળ લગભગ કુલ બે લાખની આસપાસ ખર્ચ થઈ જતો.
ત્યારે બિનઉપજાઉ જમીનના કારણે માંડ માંડ વીઘે 25 મણ ઘઉંનું ઉત્પાદન મળતું. કઠોળ વાવતો પણ તેનુ ઉત્પાદન ખાસ મળતું નહોતું. કપાસ અને દિવેલા પણ 25 મણની આસપાસ થતા. ખર્ચ જોતા તેમાં મને કશું મળતું નહીં.
પ્રાકૃતિક ખેતી શરૂ કર્યા પછી મારી લગભગ બિનઉપજાઉ કહેવાય તેવી જમીન લગભગ ત્રીજા ચોથા વર્ષથી ફળદ્રુપ બનવાના કારણે પરિણામ આપતી થઈ. આ સૌથી મોટો ફાયદો. વચ્ચે વચ્ચે જમીનની ગુણવત્તા એટલી સુધરતી જાય છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.
ગયા વર્ષે કપાસ અને દિવેલાનું પણ વાવેતર કરેલું. કપાસનું અને દિવેલાનું ઉત્પાદન અંદાજે 35 મણ આસપાસ, ઘઉંનું ઉત્પાદન ઘઉંના 25 મણથી વધી લગભગ 50 મણની આસપાસ મને મળેલું. એટલે અગાઉની તુલનામાં આ તમામ પાકનું ઉત્પાદન હવે લગભગ બમણું થઈ ગયું છે.
પ્રાકૃતિક ખેતીને કારણે જમીનમાં પાણી શોષાવાની પ્રક્રિયા પણ ખૂબ જ સારી એવી થઈ ગઈ. ગમે એટલો વરસાદ પડે પણ વરસાદી પાણી મારા ખેતરમાં જમીન છિદ્રાળુ થઈ ગઈ હોવાના કારણે અંદર ઉતરી જાય છે. એટલે સિંચાઈનો પ્રશ્ન પણ ઘણો હળવો થઈ ગયો છે. પહેલા એવું થતું કે ચોમાસામાં અતિવૃષ્ટિના સંજોગોમાં ખેતરમાં પાણી દિવસોના દિવસો સુધી એટલા બધા તો ભરાઈ રહેતા કે એના કારણે અમારું વર્ષ બગડી જતું.
બીજો એક ફાયદો જે થયો એ સમજવા જેવો છે. પહેલા જ્યારે જમીન સખત હતી ત્યારે એક કલાકમાં ટ્રેકટર દ્વારા માંડ ત્રણ વિભાગમાં ખેડ થતી. જે જમીન નરમ થઈ ગઈ હોવાના કારણે હવે પાંચ વિઘામાં થાય છે. એટલે ડીઝલની પણ બચત થાય છે. વર્ષ દરમિયાન ટ્રેક્ટર દ્વારા લગભગ 90 કલાક ખેડ થાય. પણ અત્યારે એ જ ખેડ 75 કલાકમાં થઈ જાય. એટલે આખા વર્ષ દરમિયાન ખેડ પાછળ પહેલા જે અંદાજે રૂપિયા 45 હજારની આસપાસનો ખર્ચ થતો તે ઘટીને અંદાજે રૂપિયા 27000 થી 30 હજારની આસપાસ થાય છે.
પ્રાકૃતિક ખેતીનો બીજો મહત્ત્વનો ફાયદો એ છે કે જે તે પાકમાં રોગનું પ્રમાણ લગભગ નહીંવત્ છે. ફંગસ થતી નથી. પક્ષીઓનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. તેના કારણે ખેતરની જમીનમાં કે બીજે કોઈ કિટાણું હોય તો તેનો કુદરતી રીતે નાશ થઈ જાય છે.
મેં પ્રાકૃતિક ખેતી અંતર્ગત શેઢાપાળા ઉપર વનીકરણ અંતર્ગત છેલ્લા પાંચેક વર્ષમાં નાના મોટા વૃક્ષોનું વાવેતર પણ કર્યું છે. આ વૃક્ષનો એક ફાયદો એ પણ છે કે કેટલાક વૃક્ષના બીજમાંથી પણ અમુક જંતુનાશક દવાઓ બની જાય છે. લીમડામાંથી જ લીંબોળી મળે અને આ લીંબોળીના તેલમાંથી જંતુનાશક દવા પણ બનાવું છું. દેશી બાવળમાંથી પણ ઉનાળામાં પુષ્કળ સિંગ મળતી હોય છે.
કપાસમાં બધા જ ખેડૂતોને મિલીબગનો અનુભવ થઈ ગયો છે. આ મિલીબગ પર ગમે એટલી જંતુનાશક દવા છાંટીએ તો પણ ફરી પાછી 15-20 દિવસમાં મિલીબગનો ઉપદ્રવ તમને પાછો દેખાશે. પણ બાવળની સીંગમાંથી કોઈ લિક્વિડ બનાવી જો તેમાંથી બનેલી દવાનો છંટકાવ કરીએ તો એક વખત છંટકાવ કર્યા પછી તેનો ક્યારેય ઉપદ્રવ જોવા મળતો નથી, આ મારો પોતાનો અનુભવ છે.
પ્રાકૃતિક ખેતીના આર્થિક ફાયદાઓની જો આપણે વાત કરીએ તો હું હાલની મારી ખારેકની ખેતીની વાત કરું તો રૂપિયા 20 લાખની આવક મને ખારેકની ખેતીમાંથી થાય છે. એ સિવાયના કપાસ અને એરંડા પાક સાથે દસેક લાખની આવક વધે, એટલે લગભગ રૂપિયા 30 લાખની આસપાસની મારી હાલની ખેતીની આવક ગણી શકાય. તેમાં ખેતી ખર્ચ ગણીએ તો લગભગ તમામ ખર્ચ સાથે વાત્ત્ષક રૂપિયા 3 લાખની આસપાસ માંડ ખર્ચા થાય.
જો રાસાયણિક પદ્ધતિથી આજે કપાસ એરંડા જેવા પાકની ખેતી થતી હોય તો કોઈ પણ સંજોગોમાં આટલી આવક મને થઈ ન શકે. અને વાત્ત્ષક ખર્ચો લગભગ 6,00,000 ની આસપાસ થઈ જાય અને આટલું કૃષિ ઉત્પાદન પણ ન મળે.
પ્રાકૃતિક ખેતીની સફળતા દર્શાવતા આવા અનેક ખેડૂતોના ઉદાહરણ આપણી સામે છે. આસપાસ નજર કરીશું તો ત્યાં પણ આ પ્રકારની સફળતા મેળવનાર ખેડૂતો આપણને જોવા મળશે. જ્યાં જમીન બિનઉપજાઉ બની ગઈ છે ત્યાં પ્રાકૃતિક ખેતી અપનાવ્યા સિવાય હવે ખેડૂત પાસે અન્ય કોઈ જ વિકલ્પ નથી, તે આ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ.


