Get The App

ખેતપેદાશની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માંગની સમજ કેળવીએ, સારા ભાવ આપોઆપ મળશે

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
ખેતપેદાશની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માંગની સમજ કેળવીએ, સારા ભાવ આપોઆપ મળશે 1 - image

• ખેતપેદાશના વેચાણમાં જાગૃતિ, ટેક્‌નોલોજી અને સહકારથી આર્થિક સમૃદ્ધિ

• પોષણક્ષમ ભાવ મેળવવો હોય તો માંગ આધારિત કૃષિ પેદાશનું વાવેતર કરવું જોઈએ, કોઈ પણ સિઝન શરૂ થાય તે પહેલા ખેડૂતને તેની ખબર હોવી જોઈએ કે આગામી દિવસોમાં કઈ કૃષિ પેદાશની મહત્તમ માંગ રહેશે

Agriculture News : ખેડૂતે ખેતઉત્પાદનનું પૂરતું આર્થિક વળતર મેળવવું હોય તો ખેતઉત્પાદનથી વેચાણ સુધીનો આખો પ્રવાહ જાગૃતિભર્યો અને સજ્જ હોવો જોઈએ. મોટાભાગે એવું બનતું હોય છે કે ખેડૂત પાક તૈયાર થયા પછી તરત જ પાકનું વેચાણ કરી દે છે, કોઈવાર માળખાગત સમસ્યાઓ, બજારની જાણકારીના અભાવ કે દલાલો પર નિર્ભરતાને કારણે પોતાનાં મૂલ્યવાન ઉત્પાદનોની યોગ્ય કિંમત મેળવવામાં અસમર્થ રહે છે. આ સ્થિતિને બદલવી જરૂરી છે.

સૌ પ્રથમ, એમ. એસ. પી. (મીનીમમ સપોર્ટિંગ પ્રાઇઝ-પોષણક્ષમ ભાવ)ની ખેડૂતને સંપૂર્ણ સમજ હોવી જોઈએ. સરકારે દરેક સિઝન માટે મહત્ત્વના પાકો માટે જાહેર કરેલા ભાવ ખેડૂતો સુધી પહોંચે છે ત્યારે ખેતબજાર ઉત્પન્ન સમિતિઓ સાથે સતત સંપર્કમાં રહીને જે-તે જણસીની ખરીદી સંબંધી માહિતી સતત મેળવતા રહેવું જોઈએ. કારણ કે તેનો લાભ લેવા ચોક્કસ પ્રક્રિયા જરૂરી હોય છે ત્યારે તેની એક ચોક્કસ સમયમર્યાદા હોવાથી એ સમયમર્યાદામાં ખેડૂતોએ પોતાની ખેતપેદાશના માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે જરૂરી કાર્યવાહી કરવી પડે.

બીજું મહત્ત્વપૂર્ણ પગલું છે સહકારી માધ્યમો અને અઘિકૃત મોબાઇલ એપ્સ દ્વારા ખેતપેદાશોના માર્કેટિંગ સંબંધી માહિતીની સતત જાણકારી મેળવવી. ઈ-નામ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ ખેડૂતોને સીધા વિક્રેતાઓ સાથે જોડતા હોવાથી દલાલોની સાંકળ દૂર થાય છે અને ખેડૂતને પોતાના પાકનો સાચો અને સારો ભાવ મળે છે.

ખેતપેદાશના બજારના હાલના ભાવ વિશે જાણકારી હોવી અત્યંત અગત્યની છે. આજના ડિજિટલ યુગમાં ખેડૂત એગમાર્ગનેટ, ઇ-નામ, કિસાન સુવિઘા જેવી એપ્લિકેશનથી પોતાના વિસ્તાર તથા દેશભરના બજારના તાજા ભાવ જોઈ શકાય છે. આ માહિતીના આધારે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ વેચાણ કરવાનો નિર્ણય લઈ શકાય છે.

ખેડૂતોએ પોતાની કૃષિ પેદાશનો પોષણક્ષમ ભાવ મેળવવો હોય તો સૌથી જરૂરી એ છે કે માંગ આધારિત કૃષિ પેદાશનું વાવેતર કરવું જોઈએ. કોઈ પણ સિઝન શરૂ થાય તે પહેલા ખેડૂતને તેની ખબર હોવી જોઈએ કે આગામી દિવસોમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ કૃષિ પેદાશની મહત્તમ માંગ રહેશે. જેની માંગ વધુ હોય અને તેનું ઉત્પાદન ઓછું હોય તો સ્વાભાવિક રીતે જ અર્થશાસ્ત્રના માંગ અને પૂરવઠા આધારિત બજાર વ્યવસ્થાના સામાન્ય સિદ્ધાંત મુજબ ખેડૂતને તેની કૃષિ પેદાશનો સારામાં સારો ભાવ મળશે જ. 

મોટેભાગે બનતું હોય છે એવું કે જે વર્ષે ખેડૂતને જે ખેતપેદાશનો સારામાં સારો બજારભાવ મળ્યો, તો બીજા વર્ષે પણ મળશે જ તેમ માનીને બઘા જ ખેડૂતો લગભગ એ જ પાકનું વાવેતર કરે એટલે એ પાકનું ઉત્પાદન જરૂરિયાત કરતા પણ અનેકગણું વધી જાય એટલે માંગ અને પૂરવઠાના સિદ્ધાંતમાં અસંતુલન સર્જાવાથી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બજારમાં એ કૃષિ પેદાશનો ભાવ ગગડી જાય. જેનો ભોગ ખેડૂતોએ બનવું પડે છે. 

સારો ભાવ મેળવવા માટે જે-તે ખેતપેદાશની સંગ્રહ સુવિધા પણ ખેડૂતો માટે ખૂબ જરૂરી છે. કોલ્ડસ્ટોરેજ, ગોડાઉન વગેરેમાં પાક સાચવી રાખીને બજાર ઊંચું જાય ત્યારે વેચાણ કરવું વધુ નફાકારક બને છે. સંઘર્ષ કરીને ઊગાડેલી ઉપજને નફાકારક સમયમાં વેચવી એમાં જ શાણપણ છે.

સરકારી સહાય યોજના અને માર્ગદર્શન પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પેકિંગ મટિરિયલ, માર્કેટ ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ, પરિવહન સહાય વગેરે યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. કૃષિ વિભાગના અધિકારીઓથી સમયાંતરે માર્ગદર્શન લેવું જોઈએ જેથી શક્ય તમામ લાભ મળે.

એફપીઓ સાથે જોડાવું એ સૌથી મજબૂત પગલું છે. આવા સંગઠનો સંકલિત રીતે ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને માર્કેટિંગનું આયોજન કરે છે. મોટા ઓર્ડર માટે મોટી કંપનીઓ સાથે સીધો વેપાર કરે છે. સંગઠનમાં જોડાયેલા તમામ ખેડૂતોનો ભાવ એક સાથે અને એક જગ્યા પર વહેચણી કરવાથી તમામ ખેડૂતને એક સરખો ભાવ મળે છે જેનાથી ખેડૂતોમાં સંપ જોવા મળે છે. 

આજે ખેડૂતો પાસે અદ્યતન સંસાઘનો છે. જેમાં માહિતી, એપ્લિકેશન, સંગઠનો અને સરકારી યોજનાનો સમાવેશ થાય છે. જો ખેડૂત આ બધાનો યોગ્ય રીતે ઉપયોગ કરે, તો પોષણક્ષમ ભાવ માત્ર સપનું નહીં, હકીકત બની શકે છે.