• પાકના અવશેષોને બાળતા પર્યાવરણની સાથે જમીન પણ બગડે છે, ઉત્પાદકતા ઘટે છે, પ્રદૂષણ વધે છે
• પાકનાં અવશેષોને ગાય-ભેંસના ગોબર અને ખેતરના અન્ય કચરાની સાથે ભેળવીને સડવા દઈ પાણીનો છંટકાવ કરવાથી 70-80 દિવસમાં ઉત્તમ ગુણવત્તાનું ખાતર તૈયાર થઈ શકે છે
Agriculture News : ખેડૂત ભલે વર્ષોથી ખેતી કરતો હોય, છતાં પણ અમુક ભૂલો તો એવી કરે છે કે એમાંથી જ એવા પ્રશ્નો ઊભાં થાય, જે ખેડૂતને જ કૃષિ ઉત્પાદનના સંદર્ભમાં મુશ્કેલીમાં મૂકે. ખાતર, પાણી, બિયારણ અને દવાઓના ઉપયોગની બાબતમાં તો ખેડૂતો ભૂલ કરતા જ હોય છે, પરંતુ આથી પણ વધુ સહજ કહેવાય એવી ભૂલ એ છે કે ખેતરમાં પાકની કાપણી પછી તેના અવશેષોને બાળી નાખવા. મોટાભાગના ખેડૂતો કંઈક આવું જ કરતા હોય છે ત્યારે તેમને ખબર હોતી નથી કે એનાથી ખેતરની જમીનમાં કેટલું નુકસાન થઈ રહ્યું છે.
કમનસીબી તો એ છે કે મોટાભાગના ખેડૂતો આ જાણતા હોવા છતાં પણ આ ભૂલનું પુનરાવર્તન જ કર્યે જાય છે. દેશના અનેક રાજ્યોના ગ્રામીણ વિસ્તારોના ગામડાના ખેડૂતો પરાળી બાળીને વાયુ પ્રદૂષણની જે મુશ્કેલી ઊભી કરે છે તે તો જાહેર છે. તાજેતરના અભ્યાસ પ્રમાણે, માત્ર પંજાબમાં દર વર્ષે 90 લાખ ટન ડાંગરના અવશેષ બાળવામાં આવે છે. ગુજરાતમાં પણ ઘઉં, કપાસ અને તલ જેવા સીઝનલ પાકો પછી અવશેષો બાળવાનું પ્રમાણ વધી રહ્યું છે. આ વ્યાપક સમસ્યાના કારણે વાયુ પ્રદૂષણ ઉપરાતં જમીનમાં જે નુકસાન થાય છે તેની તો વાત જ કરવા જેવી નથી. એટલે જ ખેડૂતોએ પાકના અવશેષોને બાળવાના બદલે તેનો વૈજ્ઞાનિક રીતે યોગ્ય ઉકેલ લાવવો જોઈએ.
અવશેષોને બાળવાને કારણે જે નુકસાન થઈ રહ્યું છે તેના પર અનેક વૈજ્ઞાનિક સંશોધન થયા છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, પાકના અવશેષ બાળવાની ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગંભીર સમસ્યા બની ગઈ છે. ખેતીને ટકાઉ બનાવવા માટે જમીન, પાણી અને હવાની સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી છે, પરંતુ આજે ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં કોઈ પણ પાક પકવ્યા બાદ ખેડૂતો વિવિધ પાકોના અવશેષો જેવા કે કપાસ, ડાંગર, ઘઉં, તલ જેવા વિવિધ પાકોને ખેતરમાં સળગાવે છે, જેની કુદરત પર અત્યંત હાનિકારક અસરો થાય છે. આથી જમીનનું સ્વાસ્થ્ય, માનવીનું આરોગ્ય અને હવા, પાણીનું પ્રદુષણ થઇ રહ્યું છે. હવે સમય છે, જ્યારે ખેડૂતોએ પાકના અવશેષને કચરો નહીં, પણ ‘સંપત્તિ’ તરીકે જોઈ તેનું યોગ્ય રીતે સંચાલન કરવું જોઈએ.
ગુજરાતના અનેક વિસ્તારમાં જેમ કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઘઉં, કપાસ, તલ, એરંડા અને સીઝનલ કઠોળની ખેતી પછી હજારો ખેડૂતો પાકના પાન, ડાંગરનું પરાળ, કપાસની સાંઠી અને ઘઉંનું પરાળ જેવા અવશેષોને ખેતરમાં જ સળગાવી દેતા હોય છે. આ રીતે ખેતીપાકના અવશેષ સળગાવવાથી માટીની ગુણવત્તા ઘટે છે, હવા પ્રદૂષિત થાય છે, ગ્લોબલ વોર્મિંગ પણ વધે છે અને આવી દૂષિત જમીનમાં બીજા વર્ષે વાવેતર કરીએ ત્યારે પાકના ઉગાવાનો પ્રશ્ન પણ ઉદ્ભવે છે.
હવે ખેડૂતોએ સમજવાની જરૂર છે કે આ અવશેષોને બાળવાને બદલે જો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા વઘવાના કારણે ખેતરની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થાય છે. પરંતુ તે માટે જરૂર છે સમજદારી અને સંશોધન આધારિત માહિતીની.
પાક અવશેષ બાળવાનાં મુખ્ય કારણો
ખેડૂતો પાકની લણણી પછી ખેતર ખાલી કરવા માટે, મજૂરીના ખર્ચને બચાવવા માટે અને વારાફરતી વાવણીમાં સમય બચાવવા માટે અવશેષ બાળી નાખે છે. ખાસ કરીને કપાસ, ઘઉં અને ડાંગર જેવા પાકની લણણી પછી મોટા પ્રમાણમાં અવશેષોને હટાવવા ભારે મજૂરીખર્ચ ચૂકવવો પડે તેમ હોવાથી ખેડૂતો તેને સળગાવી દે છે.
પાક અવશેષો સળગાવવાથી થતું નુકસાન
• અવશેષો બાળવાથી ઉત્પન્ન થતા ગરમ તાપથી જમીનનાં સૂક્ષ્મ જીવો (ફંગસ, બેક્ટેરિયા) નાશ પામે છે.
• જમીનની ફળદ્રુપતા ઘટે છે.
• નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ગંધક જેવાં પોષક તવોની ઉણપ વર્તાય છે.
• હાનિકારક ધૂમાડો હવામાં જતો હોવાથી વાયુ પ્રદૂષણના કારણે હવા અને શ્વાસની સમસ્યાઓ વકરે છે.
• કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, એસિડિક વાયુઓ અને કાર્સિનોજેનિક ઘટકો હવામાં ફેલાય છે, પરિણામે ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન થાય છે અને ગ્લોબલ વોર્મિંગ વધી જાય છે.
• આવા અવશેષોનો ઘાસચારામાં ઉપયોગ થઈ શકે તેમ છતાં, તેને બાળી દેવાના કારણે પશુઓ માટે ચારો ઘટે છે.
પાક અવશેષનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકાય ?
હવે ખેડૂતોએ જાણવું જોઈએ કે આ જ અવશેષોને બાળવાને બદલે જો તેનો પદ્ધતિસર ઉપયોગ કરવામાં આવે તો ખેતીને કેટલો લાભ થાય છે. અવશેષોનો ઉપયોગ કરવાથી થતા લાભ કંઈક આ પ્રકારે છે.
આચ્છાદાન તરીકે ઉપયોગ કરો
કપાસની સાંઠી, ઘઉંનું પરાળ અને તલના તલહરાને જમીન પર ઢાંકી દેવાથી માટીની ભેજ સંગ્રહશક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે અને જમીનમાં સૂક્ષ્મ જીવોની સંખ્યામાં પણ વધારો થાય છે. તેના કારણે જમીનના તાપમાનનું નિયંત્રણ થાય છે.
કમ્પોસ્ટ ખાતર બનાવવામાં ઉપયોગ કરો
આઈ.સી.એ.આર. અને આઈ.એ.આર.આઈ.ના સંશોધન મુજબ જો પાકનાં અવશેષોને ગાય-ભેંસના ગોબર અને ખેતરનો અન્ય કચરો જ્યાં એકઠો થતો હોય તેવી જગ્યા પર એકઠો કરીને તેને ભેળવીને ઢગલા બનાવી દેવા ત્યારબાદ સડવા મૂકી દેવું જોઈએ અને તેનાં પર કોથળા અથવા કંતાન ઢાંકી સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે તો માત્ર 70-80 દિવસમાં ઉત્તમ ગુણવત્તાનું ખાતર બની શકે છે.
બાયોઉર્જા માટે ઉપયોગ
બાયોમાસનો ઉર્જાના સ્રોત તરીકે અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે, જેમ કે, વીજળી, બાયોગેસ, બાયોઓઈલ અને બાયોચાર જેવા ઉત્પાદનો મેળવી શકાય છે. તેના પર્યાવરણીય ફાયદાઓને કારણે તેની વિશ્વભરમાં સારી એવી માંગ છે.
ખેતરની જમીનમાં ભેળવી દેવા
પાકના અવશેષને જમીનમાં જ રોટાવેટર, હેપ્પી સીડર જેવા મશીનો દ્વારા ભેળવી દેવા જોઈએ, પરિણામે જમીનમાં પોષક તવ અને ઓર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો થાય છે.
પશુચારા માટે ઉપયોગ કરો
ઘઉં, ઘાસના અવશેષો, તલહરા અને ડાંગરનું પરાળ જેવા અવશેષોનો સીધો ઉપયોગ શક્ય ન હોય તો યુરિયા અને મોલેસિસ મિશ્રણથી પૌષ્ટિક ચારો બનાવી શકાય છે. આ ચારાનો પશુપાલકો પશુઓના ચારા તરીકે ઉપયોગ કરી શકે છે.
મશરૂમ ઉગાડવા માટે ઉપયોગ કરો
ઘઉંનાં પરાળનો ઉપયોગ મશરૂમ ઉગાડવા માટે પણ થઈ શકે છે.
ગુજરાતમાં શક્યતા અને ઉકેલ
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કપાસ, ઘઉં, તલ, એરંડા અને ડાંગરની ખેતીનું પ્રમાણ વધારે હોવાથી અહીં પાકના અવશેષોના સંચાલન માટે સેન્સીટીવ વિલેજ પાયલોટ પ્રોજેક્ટ ચાલુ છે. તેમાં પાકના અવશેષોને સળગાવ્યા વગરની ખેતી માટે નાણાંકીય સહાય આપવામાં આવે છે.
પાક અવશેષને તંદુરસ્ત જમીન માટે મૂલ્યવાન સમજો
પાકના અવશેષો બાળવાના કારણે ઊભી થતી સમસ્યાના નિવારણ માટે જ્યારે આટલા વૈજ્ઞાનિક ઉપાયો હાથવગા હોય ત્યારે ખેડૂતોએ ખરેખર તો કચરામાંથી કંચન ઊભું કરવા જેવી આ વાત છે. જેને ખેડૂતો કચરો માનીને બાળી દે છે, તે ખરેખર ખેતીની જમીન માટે કાચા સોના સમાન છે, ત્યારે પાકના અવશેષો બાળવાનું ટાળીને તેના ઉપયોગથી જમીનને ફરી જીવંત અને પોષણક્ષમ બનાવો તે જ સમયની માંગ છે અને તો જ ગુણવત્તાયુક્ત ઉત્પાદન પણ વધશે અને ખેતીમાંથી સારી આવક મળશે.
આજે પાકના અવશેષો બાળીશું, તો આવતીકાલે આવક તો અવરોઘાશે, આરોગ્ય પણ બગડશે. સમય આવી ગયો છે કે, ખેડૂત પોતે જ આ પ્રશ્નનો ઉકેલ લાવે. ખેતીમાં પાકના અવશેષોનો ઉપયોગ કરવાથી ફક્ત જમીન જ વધુ ફળદ્રુપ બને છે એવું નહીં, પરંતુ સાથે-સાથે પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે અને ખેતી ખર્ચ ઘટે છે.
સંદેશ માત્ર એ છે કે ખેતીપાકના અવશેષ ન સળગાવો, તેનો ઉપયોગ કરો, કારણ કે આવા અવશેષ છે સંપત્તિ, નહીં કે કચરો ! તેથી આવો, આપણે સૌ મળીને જમીન બચાવીએ, આવક વધારીએ અને પર્યાવરણને પણ બચાવીએ.


