• સૌર ઊર્જા આધારિત સિંચાઈ વ્યવસ્થા ખેડૂતોના મોટા ભાગના પ્રશ્નો ઉકેલી શકે. પર્યાવરણની જાળવણી પણ સૌર ઊર્જાના કારણે ખૂબ જ આસાનીથી થાય છે ત્યારે ખેડૂતોએ આ પ્રાકૃતિક પદ્ધતિનો ઉપયોગ કરવો જ રહ્યો
Agriculture News : વાયુ પ્રદૂષણ એ આપણી સૌથી મોટી સમસ્યા છે. વધતા જતાં ઔદ્યોગિકરણ અને જીવનશૈલીથી આવેલા પરિવર્તનનાં કારણે પર્યાવરણ પર જોખમ વધ્યું છે. આ સંજોગોમાં સમય અને આધુનિકતા સાથે તાલ મિલાવવા, કુદરતી અખૂટ સંપત્તિનાં સ્રોત, સૌર ઊર્જાનો અને તેનાં અત્યાધુનિક સૌર સાધનોનો ખેતીમાં ઉપયોગ કરીને આવનારી પેઢી માટે, પર્યાવરણની સુરક્ષા અને ભવિષ્યની ખાદ્ય ઉત્પાદનની ક્ષમતાઓને વધારવામાં માટે માઇલસ્ટોન સાબિત થશે.
કૃષિમાં સૌર ઊર્જાનો વપરાશ અસરકારક રીતે કરવામાં આવે તો ખેતી ઓછી ખર્ચાળ, ટકાઉ અને ઉપયોગી બનશે. અનેકવિધ સૌર આધારિત સાધનોનો જો ખેડૂતો ઉપયોગ કરે તો ખેડૂતોનો ઊર્જા પાછળ થતો ખર્ચ ઘણો ઘટી જાય. કઈ રીતે સૌર ઊર્જાનો ઉપયોગ આપણી કરી શકીએ તેની માહિતી ખેડૂતોને ઉપયોગી બની શકે તેમ છે.
સોલાર પમ્પ : સૌર-સંચાલિત પંપનો ઉપયોગ કરીને, પરંપરાગત પંપનાં જરૂરી વીજળી અને ડીઝલના ઊંચા ખર્ચને ટાળી શકાય છે. તેની જાળવણી અને ઇન્સ્ટોલેશન પણ સરળ છે. તેમાં બળતણની જરૂરિયાત રહેતી નથી અને વીજળી ખર્ચનો બચાવ થાય છે. પમ્પનું આયુષ્ય લાંબુ, ઘોંઘાટ અને પ્રદૂષણરહિત સાથે પણ વિશ્વસનીય છે. સોલર પમ્પ વાતાવરણ શુદ્ધ રાખી પર્યાવરણની જાળવણી કરે છે. સોલાર પમ્પના કારણે દિવસે પણ પિયત થઈ શકે તેમ હોવાથી રાત્રે પિયત આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, જેથી ખેડૂતોને મોટી રાહત મળે છે. આ સોલાર પદ્ધતિ 10 વર્ષ પછી પણ તેની ક્ષમતાના 90% સાથે કાર્યરત રહે તેવી ખાતરી પણ ઉત્પાદકો તરફથી મળતી હોવાના કારણે ખેડૂતોને તેના મેઇન્ટેનન્સનો પ્રશ્ન પણ બહુ સતાવતો નથી.
સોલાર ડ્રાયર : કાપણી પછી પાકની સૂકવણી એક અગત્યની પ્રક્રિયા છે. મોટા ભાગનાં ખેડૂત પાકને તડકામાં ખુલ્લી જગ્યામાં સૂકવતા હોય છે. ત્યારે વરસાદ આવે તો પાક બગડવાની શક્યતા રહે છે. પાકની સૂકવણીની પ્રક્રિયા લાંબી હોવાથી સમય અને મજૂરી ખર્ચ વધુ થાય છે.
આ ખર્ચ નિવારવા સૂર્ય ઊર્જાથી ચાલતા સૂકવણી યંત્રો ખૂબ મદદરૂપ બને છે. સોલાર ડ્રાયરનો ઉપયોગ ફળ- શાકભાજી અને ધાન્યપાકો માટે વધુ પ્રમાણમાં થાય છે. સૂર્યપ્રકાશથી જ્યારે પાકને સૂકવવાનો હોય ત્યારે સામાન્ય રીતે પાકને ખુલ્લો રાખવો પડે એટલે આ સંજોગોમાં તેમાં માટી કે કચરાથી પાક બગડી જાય સરવાળે પાકની ગુણવત્તા પણ બગડે. પશુ-પક્ષી દ્વારા પણ પાકને નુકસાન થાય છે. આવાં સંજોગોમાં સોલાર ડ્રાયર જણસીને ઝડપી અને અસરકારક રીતે સૂકવવા માટે ખૂબ ઉપયોગી બને છે. આ પદ્ધતિના કારણે પાકમાં બગાડ અટકે છે, આ પ્રકારની પ્રક્રિયા બાદ ઉત્પાદનની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. એટલે પાકનાં મૂલ્યવર્ધનની તક પણ વધી જાય છે. આમ, તમામ રીતે આ સાઘન ખેડૂતો માટે વાજબી પણ છે અને વિશ્વસનીય પણ છે.
સૌર ઊર્જા દ્વારા જમીનની માવજત
જમીનમાં રહેલ પાકમાં રોગ ફેલાવતા જીવાણુ, કીટકો અને નીંદણનો નાશ કરવા, ખેડૂતો ઉનાળાના સખત તાપમાં ખેતરમાં ઊંડી ખેડ કરી, જમીનને ખુલ્લી રાખે છે, પરંતુ આમ કરવાથી જમીનનાં નીચેના થર સુધી તાપમાન પૂરતું મળતું નથી અને જમીન માવજતનો હેતુ સરતો નથી. ત્યારે સૌર ઊર્જા દ્વારા જમીનની માવજતથી જમીનનું રક્ષણ અને છોડવાનો વિકાસ તેને કારણે સારી રીતે થાય છે.
સોઇલ સોલરાઈઝેશન પ્રક્રિયા વર્ષના સખત ગરમીના ગાળા દરમિયાન ઓછામાં ઓછા 6-6 અઠવાડિયા સુધી આપી શકાય. જેમાં જમીનને ખેડ કરી, સમતલ કરી લગભગ 1.5 મી. પહોળા ક્યારા બનાવીને, સ્વચ્છ પારદર્શક (કાળી કે રંગીન નહીં) 7 થી 25 એમ.એમ. જાડાઈની, છિદ્ર વગરની પોલીથીન શીટ પાથરી, તેને બધી બાજુઓ ધોરીયાઓમાં, માટી નીચે દબાવી, જમીનનો ભેજ અને ગરમી બહાર ન જાય તેમ કવર કરવામાં આવે છે.
આ પ્રક્રિયાથી ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રવૃિાઓમાં પાકને અનુરૂપ ફેરફાર થતા તેમાં વધુ ઉત્પાદન મળે છે.
શાકભાજી, ફળપાકનાં સંગ્રહ માટે કોલ્ડસ્ટોરેજ
શાકભાજીના પાકો વિશેષ કરીને બટાટા તેમજ ફળપાકોના જ્યાં સંગ્રહ કરવામાં આવે છે તેવા કોલ્ડસ્ટોરેજ, કે જ્યાં એમોનિયા અને પાણીના મિશ્રણને ગરમ કરી એમોનિયા વરાળ બનાવવા માટે વિદ્યુતશક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં પણ સૌર ઊર્જાનો ઉપયોગ થઈ શકે છે. પરિણામે વિદ્યુતશકિતનાં વપરાશ બીલની સરખામણીમાં સૌર આધારિત કોલ્ડસ્ટોરેજના વીજ ખર્ચ ઘણો ઘટી જાય છે.
સારાંશ એટલો જ છે કે કૃષિ ક્ષેત્રે જ્યારે વીજળીની ઉપલબ્ધિ એક મોટો પ્રશ્ન હોય ત્યારે સૌર ઊર્જાનો ખેડૂતો જેટલો વધુ ઉપયોગ કરે તે ખેડૂતોના ફાયદા માટે છે. ખાસ કરીને જ્યારે રાત્રે વીજળી આવતી હોય ત્યારે રાત્રે સિંચાઈ કરવી ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. આ સંજોગોમાં સૌર ઊર્જા આધારિત સિંચાઈ વ્યવસ્થા ખેડૂતોના મોટા ભાગના પ્રશ્નો ઉકેલી શકે. પર્યાવરણની જાળવણી પણ સૌર ઊર્જાના કારણે ખૂબ જ આસાનીથી થાય છે ત્યારે ખેડૂતોએ આ પ્રાકૃતિક પદ્ધતિનો ઉપયોગ કરવો જ રહ્યો.


