• સૂર્યનો ખરો તડકો આમ તો બધાને આકરો લાગે પણ તેનો યોગ્ય રીતે લાભ જો ખેડૂતો ઉઠાવે તો તે ખેતઉત્પાદનમાં પણ મહત્તમ વધારો કરી શકે છે. તેનાં પરિણામો પણ જાણે રણમાં મીઠી વીરડી મળી જાય તેમ શાતા આપનારાં હોય છે
Agriculture News : સમગ્ર જીવસૃષ્ટિ જેની આસપાસ સંકળાયલ છે, તે સૂર્યનારાયણની શક્તિ અને પ્રભાવથી સૌ કોઈ પરિચિત છે. તેનાં લાભ પણ અનેક છે. તેને પામવા, જાણવાની જિજ્ઞાસામાં આપણું વિજ્ઞાન માનવજાતના હિત માટે સતત પ્રયોગો કરતું રહે છે. તેનાં ભાગરૂપે ભારતે પણ આદિત્ય એલ.-1 મિશન મોકલીને અનેક છૂપાયેલાં રહસ્યોને બહાર લાવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો.
આ સૂર્યશક્તિને વૈજ્ઞાનિકો દ્વારા માનવકલ્યાણ માટે તો વનસ્પતિ દ્વારા પ્રકાશસંશ્લેષણ કરીને સૂર્યની શક્તિને પામવાની ક્રિયા અવિરત થતી રહેતી હોય છે. સૂર્યનો ખરો તડકો આમ તો બધાને આકરો લાગે પણ તેનો યોગ્ય રીતે લાભ જો ખેડૂતો ઉઠાવે તો તે ખેતઉત્પાદનમાં પણ મહત્તમ વધારો કરી શકે છે. તેનાં પરિણામો પણ જાણે રણમાં મીઠી વીરડી મળી જાય તેમ શાતા આપનારાં હોય છે. તે માટે ખેડૂતોએ કયા સરળ નુસખા અપનાવવા તે આપણે જોઈએઃ
ખેતીપાકોનાં વાવેતર વખતે ચાસની યોગ્ય દિશા પસંદ કરવી
મોસમી પાકોમાં કેટલાંક થોડાં ઊંચા અને ઊભા વધતા તેમ જ બે ચાસ વચ્ચે વધુ અંતર રાખી વવાતા પાકો જેવા કે તલ, કપાસ, એરંડા જેવાં પાકોમાં વાવેતર વખતે ખેડૂતે દિશાની પસંદગી ધ્યાનથી કરવી. તે માટે ખેતરની ભૌગોલિક સ્થિતિ, કઈ દિશાથી કઈ દિશા તરફ વાવણી કરી શકાય, તે જોઈને નક્કી કરવું, જેથી વધુ વખત સૂર્યપ્રકાશ ચાસના છોડનાં દરેક ભાગો પર પડે. જો ખેતરનો પનો જે-તે દિશામાં લાંબો હોય તો, તે દિશાને જ ઉત્તમ ગણવાની ભૂલ ન કરવી.
આમ, પહેલાં નિરીક્ષણ કરી યોગ્ય ઊર્જાની દિશા નક્કી કરીને વાવેતર કરવું. ચોમાસા, શિયાળા અને ઉનાળામાં ઉગાડવામાં આવતા ટૂંકા ગાળાનાં છતાં ચાસથી વાવેતર થતું હોય તેવા પાકોમાં આ બાબતનું ધ્યાન રાખવામાં આવે તો ઉત્પાદનમાં 10થી 12 ટકા વધારો થઈ શકે.
ઊંચાઈમાં નાના હોય તેવા પાકોને મોટા પાકોની બાજુમાં ઉછેરવા
વનસ્પતિ જગતમાં જોવા મળતી અનેક વિવિધતાઓમાં એક એ પણ છે કે, કોઈ ઝાડ-છોડને વધુ સૂર્યપ્રકાશ ફાવે છે તો કોઈને ઓછો! કેળ અને અનાનસ છોડ આછા પ્રકાશમાં પણ સારું ઉત્પાદન આપી શકે છે. લીંડીપીપરને પણ ઓછો પ્રકાશ ફાવે છે. આવા નાના પાકોને બીજા વૃક્ષપાકોની છાયામાં વાવીને, ઊંચા અને નીચાનું મિશ્ર વાવેતર કરીને સૂર્યપ્રકાશનો વધુ લાભ લઈ શકાય.
આદુ, હળદર અને આંબા હળદર પણ તલક છાંયડો (મિશ્ર તડકો છાંયડો) વધુ પસંદ કરે છે. જો બગીચાના ઝાડના ખામણામાં આવા છોડનું વાવેતર કરીએ તો, આપણે બમણો પાક લઈ શકીએ. જમીન ઉપર ઉગતા ઘાસને પણ પ્રમાણમાં ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડતી હોય છે.
બે વૃક્ષોની લાઈન વચ્ચે, જ્યાં જમીન નબળી હોય અને બીજો આંતરપાક લેવો ન પોસાય તેમ હોય, ત્યાં ઘાસને છૂટથી ઊગવા દેવું જોઈએ. તેનો ઉપયોગ જરૂર હોય તો ચારા તરીકે અથવા વાઢીને ત્યાં ને ત્યાં પાથરી દેવાય તો પણ જમીનના ઢાંકણનું કામ કરે. ઘાસરૂપી આ ઢાંકણ જમીન પરથી ઊડી જતા ભેજને રોકવાનું અને જમીનમાં બેક્ટેરિયાને અનુકૂળ પરિસ્થિતિ પેદા કરી ફળદ્રુપતામાં વધારો કરવાનું કામ કરે છે. આવી જગ્યાઓમાંથી નીંદણરૂપી ઘાસને મૂળ સમેત ન ઉખાડવું.
વાવેતરના ઊંચા-નીચા માળ કરીને પાક લેવો
કેટલાક નવાં ઝાડ, જેમાં ઊંચા વધતાં સાગ જેવા ઝાડ પણ ઊગાડી શકાય તેમજ મધ્યમ ઊંચાઈએ વધતાં ઝાડ કે જેનાં મૂળ અને શાખા નાનાં હોય તેવાં, જેમ કે, સીતાફળ, દાડમ અને આ બંનેવચ્ચેની જગ્યામાં નીચા રહેતા અને જમીન પર પથરાતા કઠોળ, શાકભાજી કે ઘાસચારાના પાકો ઉગાડી શકાય.
આ પ્રકારનાં વૃક્ષો વાવવાથી ઉપરથી આવતો સીધો સૂર્યપ્રકાશ ઉપલા માળવાળા સાગ જેવા ઝાડ વાપરે, તેની નીચે આવેલાં મધ્યમ પ્રકારનાં ફળવાળા દાડમ જેવા પાક પણ આ જ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી શકે.
વેલાના પાંદડાંને વધુ સપાટી મળે તેવી ગોઠવણ
વેલાવાળા પાક જેવા કે, કારેલાં, તુરિયાં, ટીંડોરાં, કંકોડાં, ગલકાં, દૂધી વગેરેના વેલાને સીધા જમીનની સપાટી ઉપર પથરાવા દેવા જોઈએ. ઉપરાંત વચ્ચે વચ્ચે ટેકા લગાવીને, વેલાને તેના પર ચડાવીએ તો સૂર્યપ્રકાશ મેળવતાં પાંદડાંનું ક્ષેત્રફળ વધી જાય એટલે ઉત્પાદન પણ આપણને સવાયું-દોઢું સહેજેય મળે. ટામેટા અને મરચીનાં નમી પડતાં છોડને આડો પડી જતાં અટકાવી, તે ઊભો રહે તે માટે, ચાસ પર લોખંડનો તાર કે સૂતળીથી બાંધી અટકાવી દેવાથી સૂર્યપ્રકાશ મેળવતી સપાટી વધારી થાય છે અને એનો લાભ ઉત્પાદનમાં મેળવી શકાય છે.
પાંદડાનો રંગ વધુ વખત લીલો રહે તેવી વ્યવસ્થા-અનુકૂળતા કરવી અને તે માટે છોડ-ઝાડને ખાતર, પાણી અને સંરક્ષણ એવી રીતે પૂરાં પાડવા કે છોડ પૂરેપૂરો નિરોગી અને ખડતલ રહે. સંપૂર્ણ સ્વચ્છ છોડના પાનનો રંગ હંમેશાં વધુમાં વધુ વખત લીલો રહી શકતો હોય છે. જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાના માટે ખોરાક બનાવવાની ક્રિયા સરળતાથી કરે છે. તેથી ખેડૂતે પાક વધુ સમય લીલોછમ રહે, વધુ ઉત્પાદન આપે અને વાડી હરિયાળી રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. સૂર્યપ્રકાશ આ રીતે કુદરતનો અખૂટ ઊર્જા સ્રોત છે તેનો વધુમાં વધુ લાભ મેળવી શકાય તેટલું પામી શકાય.


