Agriculture News : એક સમયે યુરિયા અને ડી.એ.પી. સિવાયનું કોઈ કોઈ જ્ઞાન ન ધરાવતા આ ખેડૂત જણાવે છે કે, ‘ખેતીમાં જો વિજ્ઞાન ભળશે અને સાચી દિશામાં ખેડૂત મહેનત કરશે તો ખેડૂતની પ્રગતિ ચોક્કસ થશે.’ કૃષિ સી.આર.પી. (ક્લસ્ટર રિસોર્સ પર્સન) અને ફાર્મર ફ્રેન્ડ તરીકે કામગીરી કરતા આ ખેડૂત કૃષિમાં વૈજ્ઞાનિક અભિગમ અને તેની ખેતીમાં જરૂરિયાતને ખૂબ સારી રીતે સમજે છે.
કે.વી.કે. જામનગર, જૂનાગઢ યુનિવર્સિટી, ICAR જૂનાગઢ, કે.વી.કે. કોડીનાર, આત્મા, બાગાયત અને ખેતીવાડી ખાતું-જામનગર, ખેતીવાડી ખાતું-જામજોઘપુર, પ્રાકૃતિક કૃષિ બોર્ડ-જામનગર અને જામજોઘપુર સાથે સંપર્કમાં રહેતા અને વૈજ્ઞાનિકો સાથે સતત કૃષિ માહિતી, માર્ગદર્શન મેળવતા આ ખેડૂત એટલે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના, સતાપર ગામના મયૂરસિંહ હેરમા તેમની ખેતી અંગેનું માર્ગદર્શન લઈને તેમનાં જ્ઞાનમાં તો વધારો કરે જ છે, તે ઉપરાંત તેમના સંપર્કમાં આવનાર કોઈપણ ખેડૂતને કૃષિલક્ષી માર્ગદર્શન કે મદદ કરવા માટે તેટલા જ તત્પર રહે છે.
પોતાના ભૂતકાળને યાદ કરતા મયૂરસિંહ જણાવે છે કે, વર્ષ 2011 માં તેઓ એક વીઘા જમીનમાં ઘઉંના પાકમાં 50 કિલો ડી.એ.પી. અને 60 કિલો યુરિયા એક જ સીઝનમાં નાખતા હતા. તેઓ કહે છે કે, વીઘાદીઠ ખાતરના વપરાશનું આ પ્રમાણ ઘણાંને ચોંકાવનારું લાગશે પણ આ હકીકત હતી. હવે આજે જો એ જ પ્રમાણે ખાતર અને દવાઓનો ઉપયોગ કરું તો 16 વીઘામાં ખાતર અને દવાઓ પાછળ રૂપિયા 27000ની આસપાસ ખર્ચ થઈ જાય. પરંતુ કે.વી.કે., જામનગરના કૃષિ વૈજ્ઞાનિકો-અઘિકારીઓના માર્ગદર્શનના કારણે ખાતર અને દવાઓનું પ્રમાણ ઘટવાથી તેનો ખર્ચ માત્ર રૂપિયા 12000ની આસપાસ થાય છે. મહત્ત્વની વાત એ છે કે ખેતીખર્ચ આટલો ઘટવા છતાં ઘઉંના ઉત્પાદનમાં કોઈ જ ઘટાડો નોંધાયો નથી.
કૃષિવિજ્ઞાન પ્રમાણે તેમણે ખાતરના વપરાશમાં જે ઘટાડો કર્યો તેની વિગતો આપતા તેઓ કહે છે કે, એક સમયે જ્યાં સિઝનમાં ઘઉંમાં વીઘાદીઠ 50 કિલો ડી.એ.પી. નાંખતા ત્યાં હાલ માત્ર 10 કિલો ડી.એ.પી. નાંખે છે અને 60 કિલો યુરિયાનો વપરાશ ઘટાડીને માત્ર 12 કિલોનો વપરાશ કરે છે.
તેઓ કૃષિ વિભાગ હસ્તકની જિલ્લા-તાલુકાની જે-તે કચેરીના અઘિકારીશ્રીઓના સંપર્કમાં આવીને ખેતીની યોગ્ય સમજ સમયાંતરે કેળવતા ગયા અને ખેતીમાં પણ સુધારો કરતા ગયા. તેમના કહેવાનો ભાવાર્થ એ છે કે, જ્યારે ખેતીની વૈજ્ઞાનિક સમજ નહોતી ત્યારે તેઓ આડેઘડ ખાતર અને દવાઓનો ઉપયોગ કરતા હતા. સરળ ભાષામાં સમજવું હોય તો કોઈ વ્યક્તિને ત્રણ રોટલીની જરૂરિયાત હોય ત્યાં 5 થી 7 રોટલી આરોગવામાં આવે તો શરીરની શું દશા થાય ?
આવી જ વાત જમીનની બાબતમાં પણ છે. જમીનની પોષકતા અથવા તો પોષક તત્ત્વોની ઉણપને ધ્યાનમાં રાખીને જ ખાતર અને દવાઓનું વ્યવસ્થાપન ખેડૂતોએ કરવું જોઈએ. પણ આવું ન થવાથી જમીન બગડતી જતી હતી, સરવાળે ઉત્પાદન ઘટવાની સાથે ખર્ચ વઘતો જતો હતો. પણ હવે કે.વી.કે.ના માર્ગદર્શનના કારણે આ વિષચક્રમાંથી તેઓ બહાર આવી ગયા છે.
તેઓ 17.5 વીઘા જમીનમાંથી 6.25 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરે છે અને બાકીની જમીન પરિવર્તનના તબક્કામાં છે. તેઓ જણાવે છે કે, રાસાયણિક ખેતીને પ્રાકૃતિક ખેતીમાં ફેરવવામાં શરૂઆતનાં બે-ત્રણ વર્ષોમાં આવક ઘટવાનાં કારણો ધરીને ઘણાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવવામાં ખચકાટ અનુભવે છે અથવા જલદી સ્વીકારતા નથી.
તેઓ જણાવે છે કે, જે જમીનમાં રાસાયણિક ખાતરના કારણે જમીનનાં બંધારણમાં થતા આંતરિક પરિવર્તનોમાં સુધારો થવામાં અને પ્રાકૃતિક ખેતીને અનુકુળ જમીનની સંરચના રચાતા સમય જતો હોય છે. ત્યારે પ્રાકૃતિક ખેતીમાં પ્રથમ વર્ષે ખેડૂતોનું ખેતઉત્પાદન નહીંવત્ ઘટે અને આવક પણ જળવાઈ રહે તે વિશેનો ઉપાય જણાવતા કહે છે કે, 1 વીઘા જમીનમાં દા. ત., 60 કિલો ડી.એ.પી. નાંખતા હોય, ત્યાં 5 કિલો ડી.એ.પી. ખાતર ઓછું નાંખવામાં આવે અને તે 5 કિલોની ઘટની પૂર્તિ માટે તેનાથી ડબલ એટલે કે 10 કિલો જેટલું સેન્દ્રિય ખાતર, વર્મિકંપોસ્ટ અન્ય ઓર્ગેનિક ખાતર કે દિવેલી સાથે લિંબોળીના ખોળને નાંખવું. તેથી જે તે તત્ત્વોની ઘટ પણ પૂરી થાય છે.
તેઓ પોતાનાં અનુભવને વર્ણવતા જણાવે છે કે, તેમની રાસાયણિક ખેતીમાં આ પ્રમાણે પરિવર્તન એટલે કે રાસાયણિક ખાતર અને દવામાં આટલો ઘટાડો કરવા છતાં પણ, જ્યાં એક સમયે મગફળીની રાસાયણિક ખેતીમાં 1 વીઘામાં 25 મણનું ઉત્પાદન મળતુ હતું, ત્યાં તેમને પ્રથમ વર્ષે માત્ર 2 થી 3 મણ ઉત્પાદન ઘટ્યું હતું અને બીજા વર્ષે તે ઉત્પાદન પહેલાં જેટલું યથાવત રહ્યું અને ત્રીજા વર્ષે તે ઉત્પાદન વધ્યુું હતું. આ પ્રમાણે અન્ય ખેડૂતો પણ પોતાનાં ખેતરમાં પરિવર્તન કરી શકે છે.
આ પ્રમાણે રાસાયણિક ખેતરને પ્રાકૃતિક ખેતીમાં પરિવર્તિત કરવાથી ખેડૂતને શરૂઆતમાં ઓછા ઉત્પાદનની ફરરિયાદ રહેતી નથી અને સહેલાઈથી પ્રાકૃતિક ખેતીમાં આગળ આવી શકે છે. તેઓ તેમની પ્રાકૃતિક ખેતીમાં વિવિધ આયામોનો ઉપયોગ અને વિવિધ ઔષધીઓ પણ જાતે જ બનાવીને પાકમાં તેનો પ્રયોગ કરે છે.
તેઓ કહે છે કે, વિવિધ કૃષિ તજજ્ઞોના સંપર્કમાં આવ્યા બાદ તેમની વિચારસરણી અને ખેતપદ્ધતિમાં ઘણો સુધારો આવ્યો છે. ખેતીની અનેક બાબતો એવી હતી જે તેઓ જાણતા નહોતા, તે હવે જાણતા થયા છે અને બીજાને પણ માર્ગદર્શન આપતા થયા છે. તેઓ પ્રાકૃતિક, જૈવિક ઉપાયો, રાઈઝોબિયમ, વોટર સોલ્યુબલ ખાતરનો પણ પ્રયોગ કરતા થયા છે. તેમનું કહેવું છે કે ખાતર-દવાની સાથે જે-તે પાકના વાવેતર વખતે શુદ્ધ અને પ્રમાણિત બિયારણનો આગ્રહ પણ ખેડૂતોએ અવશ્ય રાખવો જ જોઈએ.
વૈજ્ઞાનિક માર્ગદર્શન કેટલુ મહત્ત્વનું છે તેનો દાખલો આપતા તેઓ જણાવે છે કે, સામાન્ય રીતે ઘઉંનાં પાકમાં વીઘે 40 થી 50 મણનું ઉત્પાદન આવતુ હોય છે. તેઓ ઘઉંનાં પાકમાં 25માં અને 35-40માં દિવસે એમ બે વાર યુરિયા નાંખતા, ત્યારે કે.વી.કે. કોડીનારનાં વૈજ્ઞાનિકનો વીડિઓ જોઈને તેમને જણાયું કે આમાં બીજીવાર યુરિયાની જરૂર જ નથી. તેની જગ્યાએ 0.52.34 વોટર સોલ્યુબલ ખાતર અને બોરોનનો સાથે છંટકાવ, ઘઉંમાં ડુંડી નીકળ્યા બાદ કરવાથી તેમને વીઘે 10 મણ ઘઉંનું વધુ ઉત્પાદન થયું. આમ, સાચી સલાહથી તેમનો ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન વધ્યું.
પૂછતો ખેડૂત સદા સુખી, મયૂરભાઈની જેમ કોઈપણ ખેડૂત તેમની નજીકના કૃષિ કેન્દ્રમાંથી સલાહ લઈને ખેતીમાં ખર્ચ ઘટાડીને તેમની જૂનવાણી ખેતીમાં નવું પરિવર્તન મેળવી આર્થિક સમૃદ્ધિ મેળવી શકે છે.


