• નાના પ્રોસેસિંગ યુનિટ પણ ખેડૂતની આવક વધારો કરી શકે
• કૃષિ પેદાશના મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ યુનિટ વસાવીને ખેડૂત ખેતીની સાથે ખૂબ સરળતાપૂર્વક મૂલ્યવર્ધન દ્વારા
• સારી એવી આર્થિક કમાણી કરી શકે. આવા પ્રોસેસિંગ યુનિટ માટે આર્થિક સહાય પણ મળતી હોય છે
Agriculture News : ખેડૂતે પોતાની આવક વધારવી હોય, પણ બીજી તરફ જમીન જ ઓછી હોય ત્યારે કૃષિ સંલગ્ન અન્ય વિકલ્પો તરફ પણ ખેડૂતે ધ્યાન આપવું જોઈએ. મૂલ્યવર્ધન એ ખેડૂતની આવક ચોક્કસ વધારી શકે છે. આ ઉપરાંત, જો ખેડૂત મૂલ્યવર્ધન માટેનાં નાનાં સાધનો પણ વસાવે તો, તેમને મૂલ્યવર્ધનની કિંમતમાં પણ ફાયદો મળી શકે છે અને અન્ય ખેડૂતોની ઉપજનું પણ મૂલ્યવર્ધન કરીને તેમાંથી પણ વધુ સંકલિત આવક મેળવી શકે છે.
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનાં દહિયપ ગામના સાદિકઅલી સૈયદ 4 વીઘા જમીનમાં વર્ષ 2020 થી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ ઘનજીવામૃત માટે બેડ બનાવીને તેમાંથી 40-45 દિવસે ઘનજીવામૃતનું વાર્ષિક ઉત્પાદન આશરે 20 ટન જેટલું મેળવી, તેમાંથી 15 ટન ખાતરનાં વિવિધ પેકિંગ બનાવી, તેનું વેચાણ સ્થાનિક નર્સરી તેમ જ કિચન ગાર્ડનિંગ કરતા ગ્રાહકોને કરે છે. ઘનજીવામૃતનાં સરેરાશ રૂપિયા 8 પ્રતિ કિલો પ્રમાણે વેચાણમાંથી રૂપિયા 1,04,000 ની આવક અને ખર્ચ કાઢતા રૂપિયા 89,000 મેળવે છે.
તેઓ પશુપાલનમાં 3 દેશી ગાયો ધરાવે છે. તેમણે બનાવેલ ગોબરગેસનો ઉપયોગ ઈંધણ તરીકે રસોઈમાં તેમ જ ગોબરગેસની સ્લરીનો ઉપયોગ ખાતર તરીકે ખેતીમાં કરે છે. પશુપાલનમાં ગાયોનું દૂધ છૂટક તેમ જ ડેરીમાં ભરાવીને વાર્ષિક રૂપિયા 70,000ની દૂધની આવક અને ખર્ચ બાદ કરતા રૂપિયા 35,000નો ચોખ્ખો નફો રળે છે.
તેમણે બાગાયત ખાતા તરફથી મૂલ્યવર્ધન એકમ હેઠળ ગોડાઉન તથા મશીનરીમાં સહાય મેળવી. આ મશીનરી અંતર્ગત વજનકાંટો, મોટીબેગનું પેકિંગ મશીન, ગ્રેડિંગ મશીન, પલ્વરાઇઝર, પ્લાસ્ટિક બાસ્કેટ વગેરે સાધનો મેળવ્યા. આ પલ્વરાઈઝર મશીનથી અનેક સ્થાનિક ગ્રાહકોને મસાલા દળી આપે છે. તેઓ સરગવાનો પાવડર પણ આ મશીનની મદદથી બનાવીને તેમાંથી વાર્ષિક રૂપિયા 1,00,000 ની આવક મેળવીને ખર્ચ બાદ કરતા રૂપિયા 80,000 ની ચોખ્ખી આવક મેળવે છે. તેઓ પલ્વરાઇઝર મશીનથી થતી વાર્ષિક આવકમાંથી 35 ટકા ખર્ચ બાદ કરતા રૂપિયા52,000 ની ચોખ્ખી આવક મેળવે છે.
સાદિકઅલીનાં પત્નીએ મહિલા ગૃપ અંતર્ગત આર્યા પ્રોજેક્ટ દ્વારા રાઈસમીલ, દાલમીલ મશીન મેળવ્યું. આ રાઈસમીલમાં ડાંગરને છડવાનું કાર્ય સરળતાથી થઈ શકે છે. આ મશીનથી વાર્ષિક રૂપિયા 1,20,000ની આવકમાંથી 35 ટકા ખર્ચ બાદ કરતા રૂપિયા 78000ની ચોખ્ખી આવક મળે છે. આ ઉપરાંત દાળમીલથી ખેડૂતોને વિવિધ કઠોળની દાળ બનાવી આપે છે. તેમાંથી વાર્ષિક રૂપિયા 80,000 ની આવક મેળવી 35 ટકા ખર્ચ બાદ કરતા રૂપિયા52,000 નો ચોખ્ખો નફો મેળવે છે.
સાદિકઅલી તેમની ખેતીમાં ડાંગર, ઘઉં, શાકભાજી તેમ જ ઘાસચારો કરે છે. ગત વર્ષે તેમણે 2 વીઘામાં ઘઉંનું 70 મણનું ઉત્પાદન મેળવીને તેમાથી 60 મણનું વેચાણ તેનું ગ્રેડિંગ, પેકિંગ કરીને રૂ. 1000 પ્રતિ મણે વેચાણ કરતાં રૂપિયા 60,000ની આવક મેળવી. તેમાં 40 ટકા ખર્ચ બાદ કરતા રૂપિયા 36,000 ની ચોખ્ખી આવક મેળવી.
તેઓ દૂધી, રીંગણ અને ટામેટાંનાં ઉત્પાદનને ઘરેથી સીધું વેચાણ કરે છે. આ ઉપરાંત તેમનાં વિસ્તારમાં પ્રાકૃતિક ઉત્પાદન ખરીદવા માટે અઠવાડિયામાં બે વાર વેપારીઓનાં વાહન આવતા હોય છે, જે બજારભાવ કરતાં સારા ભાવે તેમની શાકભાજી ખરીદી લે છે. તેથી તેમને બહાર બજાર શોધવા જવું પડતું નથી.
ગત વર્ષે 2 વીઘામાં કરેલ શાકભાજીનાં વેચાણમાંથી રૂપિયા 1,30,000નું વેચાણ કરી, ખર્ચ બાદ કરતા રૂપિયા 1,00,000 નો ચોખ્ખો નફો મેળવ્યો. ગત વર્ષે 3.5 વીઘા જમીનમાંથી ડાંગરનું 200 મણ ઉત્પાદન મેળવ્યું. તેમાંથી 70 મણ ચોખા પ્રતિ મણ રૂપિયા1200નાં ભાવે વેચાણ કર્યું. ખર્ચ કાઢતા રૂપિયા 54,600 નો ચોખ્ખો નફો મેળવ્યો. આ ડાંગરને છડવાથી નીકળેલ ભૂસીનો પશુઆહારમાં ઉપયોગ થાય છે અને કણકીમાંથી તેઓ પાપડ બનાવે છે. આ બંનેનાં વેચાણમાંથી વધારાનો નફો રૂપિયા 75,000 જેટલો ઉભો કરે છે. આમ, તેમની ખેતી, પશુપાલન, ખાતર, પ્રોસેસિંગ યુનિટ તેમ જ વધારાની કુલ વાર્ષિક આવક આશરે રૂપિયા 6,93,565 જેટલી થાય છે.
એક તરફ ખેડૂતની પેઢી દર પેઢી જમીન ઓછી થવી, ખેતી ખર્ચમાં વધારો, સારા ભાવ ન મળવા જેવી અનેક સમસ્યામાં પણ નાના પ્રોસેસિંગ યુનિટ દ્વારા પણ પોતાની જણસીનું તેમ જ અન્યની જણસીનું મૂલ્યવર્ધન કરીને ખેડૂત કૃષિ આધારિત પૂરક આવક ઊભી કરી શકે છે.


