Agriculture News : સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગર તાલુકાનાં ગઢા ગામના એમ.એસ.સી., એગ્રી.નો અભ્યાસ કરેલ ખેડૂત ફકીર મોહમ્મદભાઈ ભટ્ટ, હાલ વિવિધ કંપનીઓ માટે ઘઉં, રાયડો, કપાસ જેવા પાકનું બીજ ઉત્પાદન અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે અને દાડમના પાકનો પણ અનુભવ ધરાવે છે. દાડમના પાકનો અનુભવ જણાવતા તેઓ કહે છે કે, દાડમની ખેતીમાં 8 થી 10 વર્ષ થાય પછી ધીમેઘીમે તેનું ઉત્પાદન ઘટવા લાગે છે, માટે દસ વર્ષ પછી ઉત્પાદન ઘટે, રોગ-જીવાત વધે ત્યારે તેઓ તરત નવું પ્લાન્ટેશન કરવાની કામગીરી શરૂ કરે છે.
તેમનું કહેવું છે કે, દાડમની ખેતી ઓછા પાણીથી થતી હોવાથી સિંચાઈનો પ્રશ્ન તો બહુ ન નડે પણ વાતાવરણમાં ફેરફારના કારણે તેને ગમે ત્યારે રોગ-જીવાત સંબંધી સમસ્યાઓ નડતી હોવાથી એ દ્રષ્ટિએ તે સંવેદનશીલ પાક છે. ઓછા પાણીના બદલે જો વધારે વરસાદ પડે તો પણ પાકને નુકસાન થવાની સંભાવના ખરી. પાકમાં પાણી ભરાઈ રહે તો, ફૂગનો ઉપદ્રવ વધે છે એટલે જ્યાં પાણીની નીતારશક્તિ સારી હોય, તેમ જ સૂકી જમીન હોય, ત્યાં પણ દાડમ સારા થતા હોય છે.
રોગ-જીવાત નિયંત્રણ
જો કે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા જેવાં દાડમના મહત્ત્વનાં વિસ્તારોમાં ઘણી જગ્યાએ દાડમમાં ફૂગની સમસ્યા આવી રહી છે, તેના વિશે જણાવતા તેઓ કહે છે કે, દાડમમાં બેક્ટેરિયલ બ્લાઇટ અને કાળી ફૂગ જમીન અને છોડના ઉપરના ભાગે પણ આવતી હોય છે. જમીનમાં આવતી ફૂગને સૂકારાની ફૂગ કહેવાય છે, જ્યારે બહારથી આવતા બેક્ટેરિયામાં ફળ પર કાળાં ડાઘા પડે છે. બેક્ટેરિયલ બ્લાઈટને કંટ્રોલ કરવા માટે એક ટકા બોર્ડેક્સ મિક્સચર, સ્ટ્રેપટોસાયક્લિન એન્ટિબાયોટિક અને સી.ઓ.સી.નો સ્પ્રે કરવામાં આવે છે. બેક્ટેરિયલ બ્લાઇટના જૈવિક નિયંત્રણ માટે સ્યૂડોમોનાસ બેક્ટેરિયલ કલ્ચરનો ઉપયોગ થાય છે.
રોગ-નિયંત્રણ માટે તેઓ કહે છે કે, જમીનમાંથી આવતા સૂકારા માટે ફ્યુઝોરિયમ ઓક્સિસ્પોરમ ફૂગ જવાબદાર છે. તેનું નિયંત્રણ કરવા માટે ટ્રાયકોર્માને 200 લીટરના બેરલમાં 500 ગ્રામ અથવા એક કિલો નાખી, તેમાં 2 કિલો દેશી કાળો ગોળ, 2 લીટર ખાટી છાશ નાખીને અઠવાડિયા સુધી છાંયડામાં ઢાંકી, રોજ સવાર-સાંજ તે મિશ્રણને હલાવવું. ઉનાળામાં 4 થી 5 દિવસ અને શિયાળામાં 6 થી 7 દિવસ આ મિશ્રણને તૈયાર થતા લાગે છે.
દાડમમાં યોગ્ય માવજત જરૂરી
ફકીરભાઈ જણાવે છે કે, દાડમને 15 8, 12 10 અને 15 10 ફૂટે ઉછેરવામાં આવે છે. સામાન્ય રીતે દાડમનાં છોડને 18 મહિના બાદ તેમાં કટીંગ કરીને ફ્રૂટ સેટિંગની પ્રોસેસ પ્રથમવાર કરવામાં આવે છે. તે માટે દોઢ વર્ષે તેનો ગ્રોથ વ્યવસ્થિત થઈ જાય ત્યારે તેનું પ્રથમ કટીંગ કરી તેને ઉત્પાદન લેવા માટે તૈયાર કરવામાં આવે છે.
આ તૈયારીના ભાગરૂપે દાડમના પાંદડાને ખેરવવામાં ઇથેરલનો છંટકાવ કરવાથી 7 થી 10 દિવસમાં તેનાં પાન ખરી જાય છે. આ દરમિયાન પાણી બંધ કરી દેવામાં આવે છે. આ સમયે છોડ રેસ્ટીંગ પીરીયડમાં જતો રહે છે. ત્યારબાદ તેમાં 20 થી 25 દિવસે ફૂલ બેસવા લાગે છે, સાથે-સાથે પાન પણ ફૂટે છે, ત્યારે તે પાનને તોડી લેવામાં આવે છે, તેથી ફૂલ ઝડપી વિકસિત થાય છે.
ચોક્કસ વાવણી સમય જરૂરી
દાડમની વૈજ્ઞાનીક ઢબે ખેતીની પદ્ધતિ અંગે તેઓ જણાવે છે કે, દાડમને આંબેબહાર (જાન્યુઆરીથી મે), મૃગબહાર (જૂનથી ઑગસ્ટ), હસ્તબહાર (સપ્ટેમ્બરથી ડિસેમ્બર)ના સમય પ્રમાણે, ફળની આવશ્યકતા-સમયાનુસાર ઉત્પાદનનો સમય પસંદ કરીને, ફળ ઉત્પાદન માટે દાડમનો વાનસ્પતિક ગ્રોથ અટકાવીને તેને ઉત્પાદન તરફ લઈ જવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે
દા.ત., ચોમાસા પહેલાં જૂન મહિનામાં કટીંગ કર્યું હોય તો નવેમ્બર મહિનામાં ઉત્પાદન મળે, જો ચોમાસુ પૂરું થયા પછી 15મી ઓગસ્ટે ઇથરેલનો છંટકાવ કરી પાન ખેરવ્યા હોય તો, 6-7 મહિને એટલે કે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ફળ આવી જાય છે.
સામાન્ય રીતે સાબરકાંઠા વિસ્તારમાં હસ્તબહાર વધુ અનુકૂળ રહે છે કારણે કે, ચોમાસુ જતું રહેવાથી, રોગિષ્ટ જીવાતો જતી રહે છે અને ઉત્પાદન, સારો ભાવ તેમ જ ગુણવત્તા પણ મળી રહે છે. કચ્છ,બનાસકાંઠા જેવા વિસ્તારમાં જ્યાં પાણીની શક્યતા ઓછી હોય અને પાણી ભરાઈ રહેતું ન હોય, ગરમી પણ હોય અને રોગ જીવાત વગેરેનો ખર્ચ ઓછો થવાથી ત્યાં મૃગબહાર સમયગાળો પસંદ કરતા હોય છે.
દાડમનો બજારમાં હોલસેલ ભાવ આશરે રૂ.50 પ્રતિ કિલો જેટલો પણ આવતો હોય છે. 20 કિલો ઉત્પાદન પ્રતિ ઝાડ પ્રમાણે પ્રતિ એકરે 350 છોડમાંથી રૂ. 3,50,000નું ઉત્પાદન થાય. તેમાં તેમને 1 થી 1.5 લાખ રૂપિયા મજૂરી અને ખાતર-દવાનો ખર્ચ થાય છે.
તેઓ કહે છે કે, મોંઘા રસાયણોની અવેજીમાં શક્ય હોય ત્યાં બાયો, પ્રાકૃતિક ખાતરોનો ઉપયોગ કરવો. જ્યાં ઓછા ખર્ચે વધુ સારું કામ થતું હોય તેવી દવાનો ઉપયોગ કરીને ખેતીમાં કિંમત ઘટાડી શકાય છે. તેઓ પોતાનાં અનુભવનાં આધારે મજૂરી, ખાતર અને દવાનો ખર્ચ કંટ્રોલ કરીને રૂ. 1,00,000ની અંદર રાખવામાં સફળ રહ્યા છે.
દાડમનાં પાકમાં પ્રતિ એકરે રૂ.50,000ની મજૂરી અને ખાતર-દવામાં રૂ.50,000 થી રૂ.1,00,000 સુધી ખર્ચ થતો હોય છે. દાડમ માટે ગુટ્ટી અથવા કટકા કલમથી તૈયાર થયેલ છોડ ગવર્મેન્ટ રજિ. નર્સરીમાંથી ખરીદવા સારા કારણ કે તેની ગુણવત્તા પણ સારી હોય અને તેમાં સરકારી સબસિડી પણ મળતી હોય છે.
તેઓ કહે છે કે, બજારમાં સારો ભાવ મેળવવો હોય ત્યારે, દાડમની ગુણવત્તા જોઈને તેની લણણી કરીએ તો સ્વાભાવિક રીતે ગુણવત્તાના કારણે દાડમનો સારો ભાવ મળે. મોટેભાગે હું આ રીતે જ દાડમનો પાક લણી લેતો હોઉં છું. જો ફળમાં વધુ લાલાશ ન હોય તો લાલાશ વધારવા-પાકવા માટે પોટાશનો છંટકાવ કરવામાં આવે છે. ફળમાં જેટલી લાલાશ વધુ તેટલો ભાવ વધુ મળે છે. ત્યારબાદ સોર્ટીંગ, ગ્રેડિંગ અને પેકિંગ કરીને હોલસેલ માર્કેટમાં પહોંચે છે.


