- જમીનમાં સતત ઘટતાં જતાં પોષક તવો, ઉત્તરોાર ઘટતું ઉત્પાદન, કુદરતી આપત્તિ સામે પાકની ઘટતી પ્રતિકારશક્તિ
- વર્ષ 1970માં 1 કિલો ખાતર દીઠ 15 કિલો અનાજનું ઉત્પાદન થતું હતું, જે 2015 સુધીમાં ઘટીને માત્ર 5 કિલો થઈ ગયું છે
- 2015થી 2019 દરમિયાન લેવાયેલા 05 કરોડ માટીના નમૂનોમાંથી 2/3 ભાગમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોનો અભાવ જોવા મળ્યો હતો. 85% નમૂનાઓમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું નોંધાયું હતું.
- ભારત 10 લાખથી વધુ ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
- ભારતની 37% જમીન રાસાયણિક પ્રક્રિયાથી પ્રભાવિત 2015માં પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર 0.7% જે 2022માં વધીને 2.7% થયો છે.
Agriculture News : દેશમાં ઝડપથી વઘતી વસતિની જરૂરિયાતોને પહોંચી વળવા 1960ના દાયકાની હરિયાળી ક્રાંતિ દરમિયાન ભારતમાં આઘુનિક કૃષિ પદ્ધતિઓનો પ્રારંભ થયો. પરંતુ બન્યું એવું કે આ પદ્ધતિઓના હાર્દને પામી તેની સાથે ભારતીય કૃષિ સંસ્કૃતિની પ્રાકૃતિક ખેતીની જે વિશિષ્ટ પરંપરા હતી તે ભૂલાઈ ગઈ અને માત્ર આઘુનિક પદ્ધતિઓ અમલી બનતા માત્ર એક ને એક પાક વારંવાર લેવો, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ વર્ષે ને વર્ષે વઘવા લાગ્યો. તેના અતિરેકના કારણે પરિણામ એ આવ્યું કે ઘીમે ઘીમે ખેતીની જમીનની ફળદ્રુપતા ઘટતી ગઈ. જમીનનું સ્વાસ્થ્ય કથળતું ગયું.
એક અભ્યાસ અનુસાર ભારતની 37 % જમીન રાસાયણિક પ્રક્રિયાથી પ્રભાવિત છે. વર્ષ 2015 અને 2019ની વચ્ચેના સમય દરમિયાન દેશભરમાંથી એકત્રિત કરવામાં આવેલા માટીના 5 કરોડથી વધુ નમુનાઓમાં જાણવા મળ્યું કે 2/3થી વધુ નમુનાઓમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવાં પોષક તવોનો અભાવ હતો. 85 % નમુનાઓમાં ઇકોસિસ્ટમ માટે જરૂરી તેવું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હતું, જ્યારે આ વાસ્તવિકતા હોય ત્યારે જમીનની ફળદ્રુપતા અવશ્ય અવરોઘાય. તેના જ કારણે જમીનનો બગાડ અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં વઘારા જેવી નકારાત્મક અસર દેખાય છે.
જમીનની ફળદ્રુપતા ઘટવાનું પરિણામ એ પણ આવ્યું કે 1970ના દાયકામાં આપણા દેશમાં ખેડૂતો 1 કિલો ખાતરના ઉપયોગથી 15 કિલો અનાજનું ઉત્પાદન મેળવતા, જે વર્ષ 2015 સુધીમાં ઘટીને 5 કિલો અનાજે પહોંચ્યા. આજે વર્ષ 2026 છે, હાલની સ્થિતિ શું હશે ? એ તો આવું કોઈ વૈજ્ઞાનિક સર્વેક્ષણ થાય ત્યારે જ ખબર પડે.
આ કડવી વાસ્તવિકતા ધ્યાન પર આવતા ભારત સરકાર અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ અને સ્વયં ખેડૂતોનો સમૂહ વગેરે રાસાયણિક ખાતરના અતિરેકને કારણે જે નુકસાન જણાવા લાગ્યું તેના પરિણામે ઘીમે ઘીમે ફરી એકવાર પ્રાકૃતિક ખેતીની દિશામાં વળવા લાગ્યા છે.
સમગ્ર દેશના ખેડૂતો હવે તેમની જમીનને પૂનર્જિવિત કરવા માટે ઘણી ટકાઉ પદ્ધતિઓ તરફ વળી રહ્યા છે. જમીનને ફળદ્રુપ બનાવવાની વિવિધ પદ્ધતિઓ અપનાવવાનો ઉદ્દેશ્ય નકારાત્મક પર્યાવરણીય અસરોને ઘટાડીને માટીનાં સ્વાસ્થ્ય, ઉત્પાદકતા અને ઇકોસિસ્ટમના કાર્યને જાળવવા અથવા સુઘારવાનો છે. જમીનની જૈવ વિવિધતા, બંઘારણ અને ફળદ્રુપતા સુઘારવા માટે વિવિધ વનસ્પતિ અને વિવિધ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે. તેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પાકને ઉગાડવામાં મદદ મળે છે. જો જમીન સ્વસ્થ હશે તો જે તે કૃષિ પેદાશ ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિમાં પણ ટકી શકવાની ક્ષમતા ઘરાવશે.
પ્રાકૃતિક ખેતીનો વિકાસ ખરો પણ મંઝિલ દૂર છે : દેશમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિકસતી જાય છે. તેમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી વૃદ્ધિ થઈ છે. વર્ષ 2015માં 0.7 % થી વધી વર્ષ 2022માં પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર 2.7 % થયો છે. જો કે સર્ટિફાઇડ ઓર્ગેનિક પદ્ધતિઓ હેઠળ કુલ ખેતીલાયક જમીનનો ભાગ હજુ ઓછો જ છે.
ઉત્પાદકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારત 10 લાખથી વધુ ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સાથે વિશ્વમાં અગ્રેસર છે. દેશના વહીવટીતંત્રએ પણ આ વલણની નોંધ લીઘી છે અને માટી વ્યવસ્થાપનને પ્રાકૃતિક ખેતી માટે, ખેતીની જમીનને ફળદ્રુપ બનાવવા માટેની પદ્ધતિઓ વિકસાવવા અથવા તો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં ભર્યા છે. ઉદાહરણ તરીકે વર્ષ 2015માં ભારત સરકારે સોઇલ હેલ્થ કાર્ડ યોજના શરૂ કરી. આ સેવા ખેેડૂતોને જમીનના સ્વાસ્થ્યને જાળવવા માટે ઉપયોગમાં લેવાતા ખાતરોના પ્રકાર અને તેના ઉપયોગની માત્રા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપે છે. આ યોજનાથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ 8 થી 10% ઘટ્યો, જ્યારે કૃષિ ઉત્પાદકતામાં 5 થી 6 %નો વધારો થયો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઓર્ગેનિક ખાતર ઇન્ડસ્ટ્રીઝમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વર્ષ 2016-2017માં 28 લાખ મેટ્રિક ટન ઉત્પાદન હતું તે વર્ષ 2019-2020માં બમણાથી પણ વધીને 61 લાખ મેટ્રિક ટન થયું. આ બજાર વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 13 %ના દરે વઘવાની ઘારણા છે.
સરકાર, બિન-સરકારી સંસ્થાઓ, ખેડૂત સહકારી સમિતિઓ અને સમુદાય-સમર્થિત કાર્યક્રમો ખેડૂતોને ઓર્ગેનિક ખેતી પદ્ધતિઓ વિશે જાણકારી મેળવવામાં અને તેનો ઉપયોગ કરવામાં મદદ કરી રહ્યા છે, પરંતુ તેમાં કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવી છે, જેમ કે બિયારણ જેવાં કાચા માલની મર્યાદિત ઉપલબ્ધિ, અપૂરતું ખાતર અને વિભાજિત જમીન.
રાસાયણિક ખાતરો પાછળ સરકાર હજુ પણ વધુ પ્રમાણમાં સબસિડી આપતી હોવાથી ખેડૂતો રાસાયણિક ખાતરનો જ આગ્રહ રાખતા થયા તે પણ એક મોટી સમસ્યા છે.
આ સમસ્યાઓના ઉકેલ માટે અભિગમમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. ખેડૂતો માટે વધુ અને શ્રેષ્ઠ તાલીમ, લાંબાગાળાના અસરકારક મૂલ્યાંકન અભ્યાસ સહિત ટકાઉ જમીન વ્યવસ્થાપન પર શ્રેષ્ઠ સંશોધન, સંસાઘન વ્યવસ્થાપન માટે રિમોટ સેન્સિંગ જેવી અદ્યતન ટેકનિક્સ અપનાવવી તથા ઓર્ગેનિક ખેતીમાં શ્રેષ્ઠ પદ્ધતિઓનો ઉપયોગ જેવા અભિગમ અપનાવી જો ખેડૂતોને પ્રશિક્ષિત કરાય તો લાંબાગાળે આ સમસ્યાનો ઉકેલ આવી શકે.
જમીનની ફળદ્રુપતા માટેના પ્રયાસોમાં ખેડૂતોને આર્થિક પ્રોત્સાહન અને સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી તરફ વળતાં ખેડૂતોને ટેક્નિકલ માર્ગદર્શન વગેરે બાબતે કોઈ ચોક્કસ નીતિ ઘડવામાં આવે તો દેશમાં પ્રાકૃતિક ખેતીનો ખૂબ ઝડપથી વિકાસ થઈ શકે.


