• ખેડૂત પાકપદ્ધતિ બદલીને નવા પ્રયોગ કરે તો ઓછી જમીનમાં પણ ખેતી સફળ બને
• ખેતરમાં એકાદ-બે ઊભા પાકને સાચવવા માટે ખેડૂતોએ જ્યારે તનતોડ મહેનત કરવી પડતી હોય ત્યારે આ પ્રયોગશીલ ખેડૂતે એક નહીં પણ અનેક પ્રકારના ફળ અને ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી એક આદર્શ પૂરો પાડ્યો છે
Agriculture News : આપણી પરંપરાગત ખેતીમાં મોટાભાગના ખેડૂતો જે-તે સિઝન પ્રમાણે જે પાક લેવાતા હોય તેવા જ પાકોનું વાવેતર કરી તેનું સારું ઉત્પાદન મેળવવા તનતોડ મહેનત કરતા હોય છે. આવા પાકને ઉછેરવા વાવણીથી લઈને તેની કાપણી સુધીના પ્રત્યેક તબક્કે ખેડૂતોએ અનેક પ્રકારની પળોજણનો સામનો કરવો પડે, ત્યારે ઘણી વખત એવી સ્થિતિ પણ નિર્માણ થાય કે આ પાકને સાચવવા કેવી રીતે ?
વારંવાર બદલાતું વાતાવરણ, વર્ષે ને વર્ષે અવનવી જીવાતોનો વઘતો જતો ઉપદ્રવ, ક્યારેક ખેતમજૂરોની સમસ્યા અને છેલ્લે બઘું સમુસૂતરું ઉતરે તો પણ પોતાની કૃષિ પેદાશના પોષણક્ષમ ભાવનો પ્રશ્ન. આ બઘા સંજોગો વચ્ચે કોઈ પણ ખેડૂતને પોતાની ખેતીની સંભાળ રાખવી મુશ્કેલ લાગે તે સ્વાભાવિક છે. આવા સંજોગો વચ્ચે અમુક ખેડૂતો સાહસ કહો કે તેમનું પ્રયોગશીલ માનસ. ખૂબ જ ઓછી જમીન હોવા છતાં પણ અવનવા પ્રયોગો કરીને સફળતા મેળવે છે.
માત્ર 3 વીઘાની જમીનમાં મુખ્ય પાકમાં કેળાં 350-400, આંબા 120 અને જામફળનાં 75-80 ઝાડ ધરાવતા મનહરભાઈ લાડે શરૂઆતમાં વિવિધ ઝાડને ચોક્કસ અંતરેથી વાવવાનાં પ્રયત્નો કર્યા, ત્યારે ‘વન વગડામાં તો ક્યાંય એવું અંતર નક્કી નથી હોતું, છતાં ઝાડ ફળદ્રુપ હોય છે.’ તે વિચારે તેમણે ખેતરમાં જ્યાં જગ્યા મળી ત્યાં જંગલ બીછાવવાનું શરૂ કરી દીધું અને અનેક પ્રકારના ફળ તથા ઔષધીય પાકોનું એક નવું વન ખડું કરી દીઘું.
સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કરંજ ગામનાં મનહરભાઈ લાડે તેમના આ પંચસ્તરીય મોડેલ ફાર્મમાં મોટા આંબા જેવા ઝાડ નીચે, જામફળ જેવા ઓછી ઉંચાઈ ધરાવતા ઝાડ, તેની નીચે વિવિધ શાકભાજી અને તેની નીચે કંદમૂળનું વાવેતર કરીને આજે સફળતા મેળવી છે.
તેઓ કહે છે કે, ખેતીમાં સૌથી વધુ રાસાયણિક જંતુનાશક દવા-ખાતરનો વપરાશ થાય છે ત્યારે આવનાર ભવિષ્યનું શું થશે એ ધ્યાનમાં રાખીને જ તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત વર્ષ 2018 થી કરી હતી. તેમનું માનવું છે કે, ગાય દૂધ આપે કે ન આપે, ઓછામાં ઓછી એક ગાય તો ખેડૂતે રાખવી જ. પહેલા તેઓ રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે કપાસ, શેરડી, શાકભાજીની ખેતી કરતા હતા, પરંતુ હવે તેમણે પ્રાકૃતિક ખેતીમાં ફળપાકોને પ્રાધાન્ય આપ્યું છે.
તેમનું માનવું છે કે, એકવાર વાવો અને વર્ષો સુધી તેના ફળ મેળવતા રહો. ગત વર્ષની તેમની બાગાયતી પ્રાકૃતિક ખેતીની આવકની વાત કરીએ તો, રૂપિયા 4.5 લાખની આવકમાં રૂપિયા 1.5 લાખનો ખર્ચ બાદ કરતા રૂપિયા 3 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.
જંગલ મોડેલમાં સર્પાકાર કેનાલ બનાવીને તેઓ ધોરીયા પદ્ધતિથી પિયત કરે છે. આખા વર્ષમાં 3 થી 4 વાર જ પાણી આપવું પડે તેટલા ભેજનો તેમની જમીનમાં સંગ્રહ થાય છે. આ ઉપરાંત, તેઓ જમીનની ઓછામાં ઓછી ખેડ કરે છે, તેથી જમીનમાં રહેલ અનેક મિત્રજીવોની રક્ષા થાય.
પહેલાં તેમની જમીનમાં કાર્બન ખૂબ જ ઓછો હતો. પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો થકી જમીન જીવંત કરીને તેમાં તેમણે પ્રાણ પૂર્યો. તેઓ આચ્છાદનમાં શેરડીના અવશેષોનો ઉપયોગ કરે છે. તેઓ કહે છે કે, ખેડૂતોએ વધેલ કૃષિ અવશેષોને સળગાવવાની જગ્યાએ તેનું ખેતરમાં આચ્છાદન કરવું જોઈએ અને નીંદણનાશક દવાઓનો પ્રયોગ ટાળવો જોઈએ. તેનાંથી પર્યાવરણને થતું નુકસાન ઓછું કરી શકાશે. આચ્છાદનનું વિઘટન થયા બાદ જીવાણુઓની ફળદ્રુપતા જમીનમાં વધતી હોય છે, તેથી જમીનજન્ય રોગ ખૂબ જ ઓછા થાય છે, સહજીવીઓનું અસ્તિત્ત્વ વધે છે, અળશિયાઓનું પ્રમાણ વધવાથી પાણીની નિતારશક્તિ પણ વધે છે. આજે તેમની જમીનનો કાર્બન 1 થી 1.5 ટકા જેટલો જોવા મળે છે.
તેઓ ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં અચાનક આવેલ વરસાદ વિશે જણાવતા કહે છે કે, આ વરસાદના બે દિવસ પહેલાં જ તેમણે ખેતરમાં પિયત કરી હતી અને પછી તરત જ પાછો વરસાદ આવ્યો. પરંતુ સ્થિતિ એવી સર્જાઈ કે મારા ખેતરમાં પડેલ વરસાદનું પાણી મારી જમીનની બહાર ગયું નહીં. બધું જ પાણી ખેતરમાં ઉતરી ગયું અને પાકમાં કોઈ નુકસાની પણ નહોતી થઈ.
તેમણે શેઢા પર કુદરતી વાડ માટે વાંસ, લીમડો, સેવન વગેરેના ઝાડ ઉછેર્યા છે, જે કુદરતી વાવાઝોડા, પવન સામે તેમના પાકને રક્ષણ આપે છે.
તેમના મતે, જો ખેડૂતે પોતાની આર્થિક સ્થિતિ સુધારવી હોય તો, મૂલ્યવર્ધન પણ કરવું જ જોઈએ. જો ખેડૂત વચેટીયાઓને જણસી વેચે તો ઓછા સમયમાં વધુ આવક વચેટીયાઓને થશે. તેઓ કહે છે કે, મારી ગુણવત્તાયુક્ત જણસીનું મારા સમયે, મારા જ ભાવે હું વેચાણ કરું છું.
તેમના ગામ કરંજની ઓળખ એવાં કરંજનાં 55 જેટલા ઝાડનું વાવેતર ખેતરની આસપાસ કરીને તેનાં દાતણનું વેચાણ હાટમાં કરે છે, તેઓ હળદર-મીઠાવાળા ચટપટાં ખટુંબડા, નાળીયેર, નાગરવેલનાં પાન અને લીલી ચાનું પણ વેચાણ કરે છે. તેઓ જણાવે છે કે, ખેડૂતે માત્ર એક જ પ્રકારનાં પાક પર નિર્ભર ન રહેતા, વિવિધ પ્રકારનાં પાક ઉગાડવા જોઈએ. એક જ પ્રકારનાં પાકથી ખેતી ખર્ચ વધે અને ઉત્પાદન તેમ જ ભાવ પણ ઓછો મળે છે. ખેડૂતે ફૂલો પણ વાવવા જોઈએ, તેથી મધમાખી વધતા પરાગનયનથી પાકનું ઉત્પાદન પણ વધશે.
તેમનું એવું નિરીક્ષણ છે કે, કેસર કેરી વાવી હોય તો તેમાં વચ્ચે તોતાપુરી કેરીના ઝાડ વાવવાથી આ તોતાપુરીનાં મોર પર વધુ મધમાખી આવતી હોય છે. તેનો લાભ કેસર આંબા ઉપરાંત અન્ય પાકમાં પણ મળી શકે છે. તોતાપુરી માર્ચ મહિનાથી જુલાઈ સુધી ઉત્પાદન આપીને આ ગાળામાં આવક રળી આપે છે.
માત્ર 3 વીઘામાં ફળ-ઔષધીય વૃક્ષોની વનરાજીનું સામ્રાજ્ય
મોટેભાગે બનતું હોય છે એવું કે કોઈ ખેડૂત પોતાની 10-15 વીઘા ખેતી હોય તો આખું વર્ષ તેની પાછળ મહેનત કરે તો કોઈને કોઈ કારણોસર તેની અપેક્ષા પ્રમાણે પરિણામ ન પણ મળે. બીજી તરફ અમુક ખેડૂતો એવા પણ છે કે પોતાની જમીનનો પૂરતો ઉપયોગ કરીને એકીસાથે એક નહીં પણ અનેક પ્રકારના ફળ અને ઔષધીય પાકની ખેતી સફળતાપૂર્વક કરીને ખેતીથી હારી ગયેલા અસંખ્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડે છે. મહનહરભાઈ લાડ આવા જ એક ખેડૂતોમાંના એક છે, જેમણે પ્રાકૃતિક ખેતી અંતર્ગત પંચસ્તરીય મોડલના આદર્શ ઉદાહરણ દ્વારા અનેક પ્રકારના ફળ અને ઔષધીય પાકનો સફળ પ્રયોગ કર્યો છે.
તેઓએ માત્ર ત્રણ વીઘામાં પપૈયા, દાડમ, કમરખ, લીંબુ, લાલ-સફેદ-કાળા જાંબુ, રામફળ, લક્ષ્મણફળ, હનુમાનફળ, લીચી, ફણસ, ગુંદા, આમળાં, ખાટી આમલી, ફાલસા, બોરડી, શેતુર, ચીકુ, અંજીર, લાલચંદન, સફરજન, કરંજ, નગોડ, સરગવો, સાગ, કદમ, સેવન, પીપળો, લીમડો, મોગરો, ચંપો, પારીજાત, સપ્તપર્ણી, મહુડો, અગત્સવ, કુવારપાઠું, નાળિયેરી, બોરસલી, કરમદા, લીલી ચા, ફૂદીનો, રાયણ, શેરડી, પોઈ જેવા અસંખ્ય વિવિધ ફળાઉ- જંગલી ઝાડ, શાકભાજી અને ઔષધીઓથી ખેતરને હરીયાળું બનાવી દીઘું છે.


