Get The App

મિલેટ્‌સનાં મૂલ્યવર્ધન દ્વારા મહિલાની આત્મનિર્ભરતા ગૃહઉદ્યોગ દ્વારા અનેક મહિલાઓને રોજગારી

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
મિલેટ્‌સનાં મૂલ્યવર્ધન દ્વારા મહિલાની આત્મનિર્ભરતા ગૃહઉદ્યોગ દ્વારા અનેક મહિલાઓને રોજગારી 1 - image

• અનેક પ્રકારના પ્રોટિન-વિટામિનથી ભરપૂર મિલેટ્‌સ-જુવાર, બાજરી, રાગી, નાગલીનું મૂલ્યવર્ધન

• ભારત સરકારે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘મિલેટ્‌સ વર્ષ’ તરીકે જાહેર કર્યું અને તેમાંથી નિશાબહેનને મિલેટ્‌સના

• મૂલ્યવર્ધનનો વિચાર આવ્યો, આ નાનકડા વિચારે આજે સમગ્ર પંથકમાં તેમની આગવી ઓળખ સ્થાપિત કરી છે

Agriculture News : સમગ્ર વિશ્વ નોંધપાત્ર વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે આજે ભારત તરફ મીટ માંડીને બેઠું છે, પછી તે આબોહવાકીય પરિવર્તન હોય કે પછી કોરોના પછીની આર્થિક સુધારણા કે વિવિધ દેશો વચ્ચેનો સંઘર્ષ હોય. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે, કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવા માટે મિલેટ્‌સને પ્રોત્સાહન આપવામાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસો ખૂબ જ સરાહનીય છે. 

મિલેટ્‌ પાકોને બરછટ અનાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉચ્ચ પોષક ગુણધર્મના કારણે પોષણ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વની ભૂમિકાને કારણે આ પાકોને ઘણીવાર પૌષ્ટિક અનાજ પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ખેતી ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારો જેવા કે ડાંગ, વલસાડ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને પાટણ ઉપરાંત જુવાર અને બાજરી જેવા મિલેટ્‌સ પાકનું વાવેતર સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં કરવામાં આવે છે.

આજના યુગમાં ખેતી હવે માત્ર પાકના ઉત્પાદનના વેચાણ પૂરતી સીમિત નથી રહી. ખેતી સાથે જો મૂલ્યવર્ધન, માર્કેટિંગ અને ઉદ્યોગસાહસિક વિચાર જોડાય, તો ખેડૂત માટે આવકનો મજબૂત અને ટકાઉ સ્રોત બની શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે ગૃહઉદ્યોગ એ આત્મનિર્ભરતા તરફનું મહત્ત્વનું પગથિયું બની રહ્યું છે. 

આવું જ કઈક ચટપટું મૂલ્યવર્ધન પાટણ જિલ્લા અને તાલુકાના સંખારી ગામના નિશાબહેન દવે દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે મિલેટ્‌સના મૂલ્યવર્ધન દ્વારા પોતાનો ગૃહઉદ્યોગ ઊભો કરી પોતાનું જીવન તો આર્થિક દ્રષ્ટિએ સંપન્ન બનાવ્યું તેની સાથે જ અનેક ગ્રામીણ મહિલાઓ માટે રોજગાર અને સ્વાવલંબનનો માર્ગ બતાવ્યો

મિલેટ્‌સ પ્રોટીન, ફાઇબર, લોહ, કેલ્શિયમ અને અન્ય ખનિજોથી સમૃદ્ધ હોય છે. આજના સમયમાં જ્યારે ડાયાબિટીસ, હૃદયરોગ અને સ્થૂળતા જેવી સમસ્યાઓ વધી રહી છે, ત્યારે મિલેટ આધારિત ખોરાક આરોગ્ય માટે ઉત્તમ વિકલ્પ પૂરો પાડે છે. આ કારણે શહેરોમાં પણ મિલેટ ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે, જે ખેડૂતો માટે નવી બજાર તક ઊભી કરે છે. જો સ્થાનિક સ્તરે મિલેટ આધારિત ઉદ્યોગ વિકસે, તો ખેડૂતોને પાક વેચાણ માટે સ્થિર બજાર મળી રહે છે. કાચા અનાજથી આગળ વધીને મૂલ્યવર્ધન થકી અનેક અવનવી પ્રોડક્ટસ બનવાથી સમગ્ર મૂલ્યશૃંખલા મજબૂત બને છે.

નિશાબહેન પાસે કુલ 3.5 વીઘા ખેતીલાયક જમીન છે. આ જમીનમાં તેઓ પરંપરાગત રીતે બાજરી અને જુવાર જેવા મિલેટ્‌સ પાકોની ખેતી કરે છે. ઉત્તર ગુજરાતનો વિસ્તાર સામાન્ય રીતે અંશતઃ સૂકો માનવામાં આવે છે, જ્યાં બાજરી અને જુવાર જેવા પાકો સરળતાથી ઉગે છે અને ઉત્પાદન પણ સારું મળે છે. 

કોરોના મહામારી પહેલાં નિશાબહેન અને તેમના પરિવારજનોએ મુખવાસ બનાવવાનો નાનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ વ્યવસાય સારો ચાલતો હતો અને ઘરખર્ચમાં મદદરૂપ પણ બનતો હતો. પરંતુ કોરોનાના લોકડાઉન આવ્યા બાદ પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ. લોકડાઉન દરમિયાન  આવકના સ્રોત અટકી ગયા અને લોકડાઉન ખૂલ્યા પછી મુખવાસનો વ્યવસાય ફરીથી ટકી શક્યો નહીં. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઘણી મહિલાઓ હિંમત હારી જાય છે, પરંતુ નિશાબહેન માટે આ સમય નવી દિશા શોધવાનો બની ગયો હતો.

વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘મિલેટ્‌સ વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું. આ જાહેરાતે નિશાબહેનને નવી વિચારધારા તરફ દોર્યા. તેમણે વિચાર્યું કે બાજરી અને જુવાર જેવા પાકો તેમના વિસ્તારમાં સરળતાથી અને ઓછી કિંમતે ઉપલબ્ધ છે, તો શા માટે તેનું મૂલ્યવર્ધન કરીને વધુ આવક મેળવી ન શકાય ? આ વિચાર સાથે એપ્રિલ 2023માં નિશાબહેન સહિત છ મહિલાઓએ મળીને મિલેટ્‌સ આધારિત ખાખરા અને કુકીઝ બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો.

શરૂઆતમાં મહિલા દીઠ રૂપિયા 10,000 ની મૂડીનું રોકાણ કરી કુલ રૂપિયા 60,000, માનવ વિકાસ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 1,00,000 નું રોકાણ કર્યું અને આ ઉદ્યોગની શરૂઆત કરી. તેથી શરૂઆતમાં માત્ર ત્રણ વેરાયટીના ખાખરા અને બે વેરાયટીના કુકીઝ બનાવવામાં આવ્યા. સાધનો પણ ખૂબ જ સીમિત હતાં. તમામ ખાખરા હાથથી બનાવવામાં આવતા હતા અને આજે પણ આ પરંપરા તેમણે યથાવત રાખી છે. 

નવા વિચારો અને થોડી માર્કેટિંગની સમજ સાથે આજે એક નાના ગૃહઉદ્યોગ તરીકે શરૂ કરેલ મૂલ્યવર્ધનથી 15 પ્રકારના ખાખરા અને 3 પ્રકારની કુકીઝ દ્વારા આ વ્યવસાયનું વિસ્તરણ થયું છે તેનો યશ નિશાબહેન અને તેમની ટીમને જાય છે. તેઓ વિશ્વાસપૂર્વક કહે છે કે જો બધું આયોજન મુજબ ચાલ્યું, તો માર્ચ 2026 પછી તેઓ 100થી વધુ પ્રકારના મિલેટ્‌સ આધારિત પ્રોડકટ્‌સ સુધી પહોંચશે.

આ ગૃહઉદ્યોગમાં ખાખરા આજેય સંપૂર્ણપણે હાથથી બનાવવામાં આવે છે, જ્યારે કુકીઝ ઓવનમાં બેક કરવામાં આવે છે. તમામ ઉત્પાદનોમાં નફાનો દર લગભગ સમાન રાખવામાં આવ્યો છે, જે આશરે 30 ટકા જેટલો છે. આથી ભાવ વ્યવસ્થામાં સંતુલન રહે છે અને ગ્રાહકોનો વિશ્વાસ પણ જળવાઈ રહે છે. 

આજે નિશાબહેન સહિત ત્રણ મહિલા ભાગીદારો આ ગૃહઉદ્યોગ ચલાવે છે. તેમણે આ ગૃહઉદ્યોગને માત્ર 2 જ વર્ષમાં સ્વસ્તિ અન્નમના નામે કંપની એક્ટ હેઠળ ગયા વર્ષે જુલાઈમાં નોંધણી કરાવી છે, જેના કારણે વ્યવસાયને કાયદેસર ઓળખ મળશે અને મોટા ઓર્ડર મેળવવામાં સરળતા રહેશે.

નિશાબહેન વધુમાં જણાવે છે કે, તેમના ખાખરા અને કુકીઝ હોલસેલમાં પણ વેચાય છે. સાથે સાથે એવી મહિલાઓ કે જેઓ ઘરેથી વેચાણ કરવા ઇચ્છે છે, તેઓ આ પ્રોડક્ટ્‌સની ખરીદી કરી પોતાની કક્ષાએ વેચાણ કરી શકે છે. આ રીતે આ ગૃહઉદ્યોગ અનેક મહિલાઓને પણ આવકનો અવસર પૂરો પાડી રહ્યો છે.  ખાસ કરીને કુકીઝનો ઉપયોગ હવે ડ્રાયફ્રૂટ્‌સના વિકલ્પ તરીકે કોર્પોરેટ ગિફિ્‌ટંગમાં થવા લાગ્યો છે, જેના કારણે બજાર વિસ્તાર વધુ વધ્યો છે.

નિશાબહેનના ગૃહઉદ્યોગને અનેક મહત્ત્વપૂર્ણ પ્રસંગોએ ઓળખ મળી છે. ગુજરાતમાં યોજાયેલા જી-20 સમિટ દરમિયાન, જ્યારે વિદેશી મહેમાનો રાણકીવાવની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પ્રતિનિધિઓ માટે નાસ્તાનો ઓર્ડર નિશાબહેનનાં આ ગૃહઉદ્યોગને મળ્યો હતો. ઉપરાંત ‘નારી સંવાદ’ અને ‘નારી વંદના’ જેવા કાર્યક્રમોમાં પણ તેમના ઉત્પાદનોના ઓર્ડર મળ્યા છે. આવા પ્રસંગોએ આ ગ્રુહ ઉદ્યોગને વિશ્વસનીયતા અને ઓળખ બંને પ્રદાન કરી છે.

નિશાબહેન પોતાની આવક વિશે વાત કરતાં કહે છે કે, શરૂઆતના સમયમાં જયારે આ ગૃહઉદ્યોગની શરૂઆત કરી ત્યારે તેમને સંપૂર્ણ ખર્ચ બાદ કાર્ય બાદ તેમને દર મહિને આશરે રૂપિયા 5,000 જેટલી આવક થતી હતી. આજે આ આવક વધીને રૂપિયા 30,000 પ્રતિ મહિના સુધી પહોંચી ગઈ છે. આ માત્ર આર્થિક લાભ નથી, પરંતુ આત્મવિશ્વાસ, સામાજિક માન્યતા અને સ્વાવલંબનની ઓળખ પણ છે. હાલમાં આ ગૃહઉદ્યોગ દ્વારા આશરે 15 મહિલાઓને રોજગાર આપવામાં આવે છે. આ ગૃહઉદ્યોગ દ્વારા 15 મહિલાઓને રૂપિયા 10,000 મુજબ પ્રતિ માસ આવક થાય છે.

સંખારી ગામના નિશાબહેનનું આ સાહસ માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરની મહિલાઓ અને ખેડૂતો માટે પ્રેરણાદાયક છે. એટલે અંતે કહી શકાય કે, યોગ્ય વિચાર, મહેનત અને સંયમથી નાનો ગૃહઉદ્યોગ પણ મોટા સોપાનમાં ફેરવાઈ શકે છે અને આ જીવંત ઉદાહરણ નિશાબહેનનું સ્વસ્તિ અન્નમ નામનો ગૃહઉદ્યોગ છે.