• કેરીની ખેતીનો પ્રકાર ગમે તે હોય, હવામાન તો સૌની કેરીના પાકને નડતું જ હોય છતાં
• રાજ્યમાં કેરીનું ઉત્પાદન મેળવતા ખેડૂતોમાંથી પ્રગતિશીલ અનેક ખેડૂતો એવા પણ છે, જેમણે કેરીની ઉચ્ચ પ્રકારની ગુણવત્તા જાળવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેની નિકાસ કરી કેરીની ખેતીમાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું હોય
Agriculture News : કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. તેની મીઠાશ, સુગંધ અને વિવિધ જાતના કારણે વિશ્વભરમાં એની માંગ વધતી જાય છે. ભારત કેરીનું અગ્રણી ઉત્પાદક દેશ છે, જ્યાં અલફાંસો (આફૂસ), કેસર, બદામ, દશેરી જેવી અનેક ભિન્ન ભિન્ન જાત ઉગાડવામાં આવે છે. ભારતની કેરી માત્ર રુચિ માટે નહીં, પણ અર્થતંત્ર માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે નિકાસની દ્રષ્ટિએ કેરીએ આગવું સ્થાન મેળવ્યું છે. તેના કારણે માત્ર વ્યાપારિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ ખેડૂતો જો આયોજનપૂર્વક આંબાનું સંવર્ધન કરે તેની સાથે ઉત્પાદિત કેરીના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાણ માટે સમજણપૂર્વકનું આયોજન કરે તો ખેડૂતોના આર્થિક ઉપાર્જન માટે પણ તે મહત્ત્વનો પાક બની શકે તેમ છે.
દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધી, કેરીનો બાગાયત વિસ્તાર સતત વઘતો જાય છે. આજે જ્યારે સ્થાનિક બજારમાં ભાવ ઘટતા-વધતા રહે છે, ત્યારે કેરીની નિકાસ ખેડૂતો માટે સ્થિર અને વધુ આવક મેળવવાનું એક વિશ્વસનીય માધ્ય્મ બની ગઈ છે. જો ખેડૂતો કેરીના ઉત્પાદનની યોગ્ય પદ્ધતિથી નિકાસ કરતા શીખી જાય, તો કેરી એ માત્ર એક ૠતુચક્ર ફળ નહીં રહે, પણ વર્ષેને વર્ષે વધતી આવક માટેનો માર્ગ બની શકે છે.
રાજ્યમાં કેરીનું ઉત્પાદન મેળવતા ખેડૂતોમાંથી પ્રગતિશીલ અનેક ખેડૂતો એવા પણ છે, જેમણે કેરીની ઉચ્ચ પ્રકારની ગુણવત્તા જાળવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેની નિકાસ કરી કેરીની ખેતીમાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું હોય. કચ્છમાં તો આવા અનેક ખેડૂતો છે, જેમની કેરીના ઉત્પાદનનો મોટો ભાગ નિકાસમાં જ ઉપયોગમાં લેવાતો હોય છે. ગુજરાતમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં કેરીની થયેલી નિકાસના આંકડા સ્પષ્ટ રીતે બતાવે છે કે કેરીનું ઉત્પાદન સરેરાશ જળવાઈ રહ્યું છે અને સાથે નિકાસનું પ્રમાણ પણ વધતું જાય છે. ખાસ કરીને વર્ષ 2023-24માં નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.
સ્થાનિક માર્કેટ સામે નિકાસમાંથી આવકનો તફાવત :
જ્યારે ખેડૂત પોતાના ખેતરમાંથી કેરીને સ્થાનિક બજારમાં વેચે છે ત્યારે તેમને 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળે છે, પરંતુ જ્યારે આ જ કેરીની નિકાસ થાય છે, ત્યારે તેનો ભાવ ઓછામાં ઓછો 200 થી 250 રૂપિયા પ્રતિ કિલો હોય છે. એટલે કે નિકાસ કરતી કેરીનો ભાવ દોઢો કે તેના કરતાં પણ વધુ થઈ શકે છે.
ઉદાહરણ તરીકે જો ખેડૂત પાસે 1000 કિલો કેરી છે અને તે સ્થાનિક માર્કેટમાં 120 રૂપિયાના ભાવે વેચે છે, તો તેને રૂપિયા 1,20,000 મળશે, પરંતુ જો તે જ કેરી નિકાસના માર્કેટમાં 220 રૂપિયાના ભાવે જાય, તો આવક રૂપિયા 2,20,000 સુધી જઈ શકે છે, એટલે કે રૂપિયા 1 લાખ જેટલો વધુ નફો !
આમ, આંબાવાડિયાને ખેડૂતોએ જો આર્થિક દ્રષ્ટિએ પોષણક્ષમ બનાવવું હોય તો માત્ર પારંપરિક પદ્ધતિને અનુસરીને સ્થાનિક બજારમાં કેરીનું વેચાણ કરવા માત્રથી નહીં ચાલે, તેમાં વધુ મહેનત કરીને, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેરીના આંતરરાષ્ટ્રીય બજારની કોઈ ને કોઈ માધ્યમ દ્વારા માહિતી મેળવીને જો ખેડૂત કેરીના પાકમાં વધુ ધ્યાન આપે તો આંબાવાડિયા કાપવાનો વારો નહીં આવે.
એ વાત સાચી કે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત બદલાતા જતા હવામાનના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું હોય છે, પણ આ નુકસાન તો બઘા ખેડૂતોને જ્યારે થતું હોય ત્યારે આવા નિકાસકાર ખેડૂતો પણ તેમાંથી બાકાત નહીં રહેતા હોય તેવું માનવાને કોઈ કારણ નથી. એટલે જ તો ઘીરજ વૈજ્ઞાનિક અભિગમ અને સતત જહેમત જો ઉઠાવવામાં આવશે તો કેરી પણ ખેડૂતો માટે અવશ્ય પોષણક્ષમ બનશે.



