Get The App

જામફળ, ખજૂર, નાળિયેર અને ઓઈલ પામની ખેતી ખેડૂતો માટે કમાણી અને ટકાઉ ખેતીનો વ્યવહારુ માર્ગ

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
જામફળ, ખજૂર, નાળિયેર અને ઓઈલ પામની ખેતી ખેડૂતો માટે કમાણી અને ટકાઉ ખેતીનો વ્યવહારુ માર્ગ 1 - image

• બાગાયતી પાકો : ફળ સાથે આવક અને કાર્બન ક્રેડિટ દ્વારા પર્યાવરણ સુરક્ષા

Agriculture News : આજના સમયમાં ખેડૂતો માટે સૌથી મોટો પડકાર આબોહવા પરિવર્તન છે. વધતા તાપમાન, વરસાદની અનિશ્ચિતતા અને જમીનની ફળદ્રુપતા ઘટવાને કારણે ખેતી કરવી મુશ્કેલ બનતી જાય છે. પરંતુ બાગાયતી પાકો, ખાસ કરીને જામફળ, ખજૂર, નાળિયેર અને ઓઈલ પામ, ખેડૂતોને ફળની આવકની સાથે સાથે કાર્બન ક્રેડિટ દ્વારા એક નવો કમાણીનો રસ્તો પણ દર્શાવી રહ્યા છે. 

કાર્બન ક્રેડિટ  એક પ્રકારનું પર્યાવરણિય પ્રમાણપત્ર છે. તે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ ઘટાડવા માટે બનાવાવ્યું છે. જે દર્શાવે છે કે, એક ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી દૂર કરવામાં આવ્યું છે અથવા જમીન અને વૃક્ષોમાં સંગ્રહિત થયું છે. ઉદ્યોગો અને કંપનીઓ પોતાના પ્રદૂષણને સંતુલિત કરવા માટે આ ક્રેડિટ ખરીદે છે. જો ખેડૂત પોતાના બાગ-બગીચાઓને એવી રીતે સંભાળે કે તે વધુ કાર્બન સંગ્રહ કરે, તો તેને કાર્બન ક્રેડિટ મળી શકે છે અને તેને બજારમાં વેચીને વધારાની આવક મેળવી શકાય છે.

જામફળ એવો પાક છે, જે ઓછી જળ-આવશ્યકતા ધરાવે છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. એક સંશોધન દર્શાવે છે કે, 10 વર્ષ જૂનું જામફળનું ઝાડ દર વર્ષે 32 કી.ગ્રા. કાર્બન પ્રતિ ઝાડ અને 20 વર્ષથી વધુ જૂનું ઝાડ 55 કી.ગ્રા. કાર્બન પ્રતિ ઝાડ સંગ્રહ કરી શકે છે. આથી ખેડૂતોને પાકની આવક ઉપરાંત જમીનની ફળદ્રુપતા અને કાર્બન ક્રેડિટ બંનેમાં ફાયદો થાય છે. ખજૂર પાક કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા સૂકા વિસ્તારો માટે અત્યંત યોગ્ય છે. ખજૂર લાંબા સમય સુધી જીવંત રહે છે અને આશરે 80 ટન કાર્બન પ્રતિ હેક્ટર સંગ્રહ કરી શકે છે. એટલે ખજૂર ફક્ત નફાકારક પાક જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ અત્યંત લાભદાયી સાબિત થાય છે.

નાળિયેરીનાં વૃક્ષો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે જોવા મળે છે. નાળિયેરીના પાંદડાં, મૂળ અને પાકના અવશેષો જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારે છે. સંશોધન મુજબ નાળિયેર આધારિત ખેતી પ્રણાલીઓ જમીનની ફળદ્રુપતા જાળવે છે અને 90 થી 110 ટન કાર્બન પ્રતિ હેક્ટર સંગ્રહ કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. ઓઈલ પામની ખેતીમાં મોટા પ્રમાણમાં બાયોમાસ બને છે અને તેની કાર્બન સંગ્રહક્ષમતા પણ ઊંચી છે. આંધ્ર પ્રદેશમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે, ઓઈલ પામની ખેતી લાંબા ગાળે કાર્બન ટ્રેડિંગ માટે યોગ્ય છે.

કાર્બન ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડે છે. આ ઉપરાંત જમીનની ફળદ્રુપતા અને જૈવવિવિધતામાં પણ વધારો કરે છે. કાર્બન ફાર્મિંગમાં કુદરતી પદ્ધતિઓ દ્વારા જમીનની ફળદ્રુપતા અને પાક સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે. 

બાગાયતી પાકો કાર્બન ક્રેડીટ વધારવા મદદરૂપ

કાર્બન ક્રેડીટ વધારવા ખેતીમાં બાગાયતી પાકો, નીંદણ, અન્ય કૃષિ પાકો અને ખેતરના શેેઢા-પાળે વૃક્ષો- આમ, વિવિધ પ્રકારના પાક અને છોડ ઉગાડવામાં આવે છે, જે કુદરતી જંતુનિયંત્રણ અને જમીનની ફળદ્રુપતા સુધારવામાં મદદ કરે છે. જેમાં જૈવિક કચરાનું ખાતરમાં રૂપાંતર થાય છે અને તેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવામાં થાય છે.

કાર્બન ફાર્મિંગ એ એવી આધુનિક કૃષિ પદ્ધતિ છે, જેનું મુખ્ય લક્ષ્ય હવામાં રહેલ કાર્બનને જમીનમાં સંગ્રહ કરવો અને તેના માટે કાર્બન ક્રેડિટ મેળવવાનો તેમ જ જમીનની ફળદ્રુપતા સુધારીને કૃષિમાં ખેડૂતની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાનો છે. આમ થવાથી આબોહવા પરિવર્તનની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. આ ઉપરાંત, તે જૈવવિવિધતાને પણ પ્રોત્સાહન આપે છે, તેમ જ ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

ખેડૂતો જો કાર્બન ક્રેડિટ મેળવવા માંગે તો તેમને લાંબા ગાળાના બાગાયતી પાકો ઉગાડવા જોઈએ, જેથી કાર્બન લાંબા સમય સુધી સંગ્રહિત થાય. ઓર્ગેનિક ખાતર અને નીંદણને કાઢવું નહીં તેમ જ અન્ય કૃષિ પાકોનું વાવેતર કરવું જોઈએ, જમીન સંરક્ષણ પદ્ધતિ અપનાવવી જોઈએ. જમીન, વૃક્ષો અને તેના મૂળમાં કેટલો કાર્બન છે તેનું સર્વેક્ષણ કરવું જરૂરી છે. ત્યારબાદ કાર્બન પ્રોજેક્ટને વેરા (ફીિચિ), ગોલ્ડ સ્ટાન્ડર્ડ જેવી માન્ય સંસ્થાઓમાં નોંધાવી શકાય છે. પાકથી મળેલા કાર્બન ક્રેડિટને રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય બજારમાં વેચીને ખેડૂતો પાક ઉપરાંત વધારાની આવક મેળવી શકે છે.

કાર્બન માપન અને નોંધણી પ્રક્રિયા ટેક્‌નિકલ હોવાથી થોડી પડકારરૂપ સાબિત થાય છે. શરૂઆતમાં ખર્ચ વધુ આવે છે અને બજારમાં ભાવ તથા ખરીદદારો મેળવવામાં પણ મુશ્કેલી પડે છે. આ માટે ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન મળવું પણ જરૂરી છે.

કાર્બન ક્રેડિટ ખેતી, આવકની સાથે પર્યાવરણ સંરક્ષણ

• ગુજરાતમાં જામફળ, ખારેક(કચ્છી), નાળિયેર અને ઓઈલ પામ જેવા પાકો માટે યોગ્ય આબોહવા છે. 

• જો ખેડૂતો બાગાયતી પાકો સાથે કાર્બન સંગ્રહનું યોગ્ય દસ્તાવેજીકરણ કરે અને કાર્બન માર્કેટ સાથે જોડાય, તો પાકની આવક સિવાય કાર્બન ક્રેડિટના રૂપે પણ સારી આવક મેળવી શકે છે.

• કાર્બન ક્રેડિટ ખેતી માત્ર આવક વધારવાનો રસ્તો નથી, પરંતુ ખેડૂતોને પર્યાવરણના રક્ષણમાં સહભાગી બનાવે છે. 

• જો તમે પોતાના બાગમાં બાગાયતી પાકો ઉગાડશો, જમીન સંરક્ષણ અને જૈવવિવિધતા જાળવશો, તો તમારા માટે નફાકારક અને ટકાઉ ખેતીનો દરવાજો ખુલશે. 

• જો ખેડૂતો પોતાની પારંપરિક ખેતીની સાથે આ પ્રકારના બાગાયતી પાકની ખેતી તરફ પણ વળે તો સ્વાભાવિક રીતે જ કાર્બન ક્રેડીટની ઉપલબ્ધિનો માર્ગ ખુલી જાય તો આ રીતે ગુજરાત પણ કાર્બન ક્રેડિટ ખેતીમાં આગળ વધતું રાજ્ય બની શકે છે અને ખેડૂત ફળ અને નફા સાથે-સાથે પર્યાવરણનું રક્ષણ પણ કરી શકે છે.