Krushi Vishwa

ખેતરમાં ખાતરનો આડેઘડ છંટકાવ ટાળો, ફર્ટિગેશન પદ્ધતિ અપનાવો, જુઓ, કેટલો ફાયદો થાય છે

By GS Team
6 Mar 20263 mins read
TukuTouch Logo
આજના સમયમાં ખેતીમાં પાણી અને ખાતર બંનેનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ આવશ્યક છે. એક તરફ વરસાદની અનિશ્ચિતતા વધી રહી છે, બીજી તરફ ભૂગર્ભ જળની સપાટી સતત ઘટી રહી છે. સાથે-સાથે રાસાયણિક ખાતરોની કિંમતો વધતી જતી હોવાથી ખેડૂતો માટે ખેતીના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેતરમાં ખાતરનો આડેઘડ છંટકાવ ટાળો, ફર્ટિગેશન પદ્ધતિ અપનાવો, જુઓ, કેટલો ફાયદો થાય છે

• આધુનિક સિંચાઈ પદ્ધતિ દ્વારા ટકાઉ ખેતી, ઓછો ખર્ચ અને ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન

• ફર્ટિગેશન એટલે કે ડ્રીપ કે સ્પ્રિંક્લર દ્વારા પાણી સાથે ખાતર આપવાથી ખાતરના વપરાશમાં વીઘાદીઠ 20 થી 40 ટકા સુધી બચત થયાનું અને ઉત્પાદનમાં 15 થી 25 ટકાની વૃદ્ધિ થયાનું અનેક સંશોધનોમાં જણાયું છે

Agriculture News : આજના સમયમાં ખેતીમાં પાણી અને ખાતર બંનેનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ આવશ્યક છે. એક તરફ વરસાદની અનિશ્ચિતતા વધી રહી છે, બીજી તરફ ભૂગર્ભ જળની સપાટી સતત ઘટી રહી છે. સાથે-સાથે રાસાયણિક ખાતરોની કિંમતો વધતી જતી હોવાથી ખેડૂતો માટે ખેતીના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. 

આવી પરિસ્થિતિમાં ‘ફર્ટિગેશન પદ્ધતિ’ ખેડૂતો માટે એક વૈજ્ઞાનિક અને આધુનિક ઉકેલ છે. ફર્ટિગેશન એટલે પાણી સાથે ખાતર આપવાની પદ્ધતિ. સામાન્ય રીતે આ પદ્ધતિ ડ્રીપ સિંચાઈ અથવા ફુવારા સિંચાઈ સાથે જોડાયેલી હોય છે. તેમાં ખાતરને પાણીમાં ભેળવીને સીધું જ છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે. આ રીતે પાકને એકસાથે પાણી અને પોષક તવ બંને મળે છે.

પરંપરાગત પદ્ધતિમાં ખાતર જમીનમાં છાંટવામાં આવે છે, જેના કારણે ખાતરનો વ્યય થાય અથવા પાણી સાથે જમીનની અંદર સ્થિર થઈ જાય છે. પરિણામે પાકને તેની જરૂરિયાત મુજબ પોષણ મળતું નથી અને ખેતીખર્ચમાં વધારો થાય છે. ફર્ટિગેશન પદ્ધતિ આ સમસ્યાનો સીધો ઉકેલ આપે છે. કારણ કે અહીં ખાતર પાણીમાં ભળીને ટીપે-ટીપે સીધું જ છોડના મૂળ સુધી પહોંચે છે. એટલે પાકને જેટલું જરૂરી હોય એટલું જ પોષણ મળે છે અને ખાતરનો વ્યય ઓછો થાય છે.

વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે, ફર્ટિગેશન પદ્ધતિથી 30 થી 50 ટકા પાણીની બચત થઈ શકે છે. કારણ કે પાણી ફક્ત છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે, જમીનની બાકીની સપાટી પર પાણી વેડફાતું નથી. એટલું જ નહીં, ખાતરમાં વીઘાદીઠ પણ 20 થી 40 ટકા સુધી બચત થાય છે. એટલે રૂપિયા 2000 થી રૂપિયા 2500 સુધી ખાતરખર્ચમાં બચાવ થાય. કારણ કે પાકને સીધું જ ખાતર મળે છે અને તેની અસર તરત જ જોવા મળે છે. આ રીતે ઓછા ખાતરમાં પણ વધારે ઉપજ મેળવી શકાય છે. ઘણા સંશોધનમાં જણાયું છે કે, ફર્ટિગેશન પદ્ધતિ અપનાવવાથી ઉપજમાં 15 થી 25 ટકા સુધીનો વધારો જોવા મળે છે.

ફર્ટિગેશનનો બીજો મોટો ફાયદો એ છે કે, જમીનની તંદુરસ્તી જળવાઈ રહે છે. પરંપરાગત પદ્ધતિમાં વધારે પાણીના કારણે જમીન કઠણ થવા લાગે છે અથવા પાણીમાં પોષક તવ ધોવાઈ જાય છે. પરંતુ ફર્ટિગેશનમાં જમીન ફળદ્રુપ અને ભરભરી રહે છે. સાથે સાથે જમીનની ઉપરની સપાટી સૂકી રહે છે, જેના કારણે ફૂગજન્ય રોગો અને જીવાતોનું પ્રમાણ ઘટી જાય છે. પાક તંદુરસ્ત બને છે અને દવાનો ખર્ચ પણ ઘટે છે. આ ઉપરાંત ફર્ટિગેશન પર્યાવરણ માટે પણ અનુકૂળ છે. ખાતર સીધું જ મૂળ સુધી પહોંચતું હોવાથી તે પાણી સાથે વહેતું નથી અને ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થતું નથી.

ફર્ટિગેશનની સફળતા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. સૌપ્રથમ તો પાણી શુદ્ધ અને ફિલ્ટર કરેલું હોવું જોઈએ, કારણ કે જો પાણીમાં ક્ષાર હોય તો, ડ્રીપ લાઇન બ્લોક થઈ શકે છે. બીજું, કયા ખાતરો પાણીમાં ભળી શકે છે અને કયા ખાતર એકબીજા સાથે સુસંગત નથી તેની જાણકારી પણ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે કેલ્શિયમ અને સલ્ફેટ આધારિત ખાતર એક સાથે પાણીમાં ભેળવવાથી બંનેનું મિશ્રણ થવાના કારણે ક્ષારનું પ્રમાણ વધી જવાથી નળીની વહનપ્રક્રિયામાં અવરોઘ સર્જાય છે, જે સિસ્ટમને બંધ કરી શકે છે. તેથી યોગ્ય માર્ગદર્શન હેઠળ જ ફર્ટિગેશન કરવું જરૂરી છે. ત્રીજું, પાકની વૃદ્ધિની વિવિધ અવસ્થાઓ અનુસાર ખાતર આપવાનું સમયપત્રક બનાવવું જોઈએ, જેથી છોડને તેની જરૂરિયાત મુજબ પોષક તવ મળી શકે.

આજે જ્યારે પાણીની અછત અને ખાતરની કિંમત બંને ખેડૂતો માટે મોટો પ્રશ્ન બની ગયો છે ત્યારે ફર્ટિગેશન એક એવી ટેક્‌નોલોજી છે જે, ખેડૂતોને પાણી અને ખાતરની બચત સાથે વધુ ઉત્પાદન આપે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી જમીન લાંબા સમય સુધી ફળદ્રુપ રહે છે, ખેતી વધુ ટકાઉ બને છે અને પર્યાવરણ માટે પણ અનુકૂળ છે. તેથી ટકાઉ અને સ્માર્ટ ખેતી તરફ આગળ વધવા માંગતા ખેડૂતો માટે ફર્ટિગેશન એક અનિવાર્ય પદ્ધતિ બની શકે છે.