Get The App

પ્રાકૃતિક ખેતીના કેટકેટલા ફાયદા ! બિયારણ ખર્ચ ઘટ્યો, જમીન સુધરી, કૃષિ ઉત્પાદન વધ્યું

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
પ્રાકૃતિક ખેતીના કેટકેટલા ફાયદા ! બિયારણ ખર્ચ ઘટ્યો, જમીન સુધરી, કૃષિ ઉત્પાદન વધ્યું 1 - image

• પ્રકૃતિમાં વિશ્વાસ અને પ્રાકૃતિક ખેતીના માર્ગે સરવાળે લાભ જ

• જમીનમાં કાર્બનનું પ્રમાણ 0.3 થી 0.4 ટકા સુધીનું જોવા મળતું હતું, તે હવે પ્રાકૃતિક ખેતીના પરિણામે કાર્બનનું પ્રમાણ વધીને 0.4 થી 0.9 ટકા સુધીનું થયું હોવાથી જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર વધારો થયો

Agriculture News : આજના સમયમાં ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવાની લાલસામાં રાસાયણિક ખેતી અને ઝેરી દવાઓનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. ત્યારે બીજીબાજુ એવા ખેડૂતો પણ છે કે જેઓ વર્ષો જૂની રાસાયણિક  ખેતી બંધ કરીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેનું જીવંત  ઉદાહરણ ગીર સોમનાથ જિલ્લાના આંબળાશ  ગામના મગનભાઈ ભાલાણી છે. તેઓ વર્ષ 2017 થી પોતાની જીવનશૈલી અને જમીનની તંદુરસ્તી માટે પ્રાકૃતિક ખેતી  જ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, ધરતી આપણી માતા છે અને ધરતીને નુકસાન થાય તે ચલાવી લેવાય નહીં માટે ધરતીના સંવર્ધન અને પાકનું ઉત્પાદન સારું મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ આદર્શ ખેતપદ્ધતિ છે. 

મગનભાઈ કહે છે કે હું રાસાયણિક પદ્ધતિથી આંબાની ખેતી કરતો હતો અને હવે પ્રાકૃતિક રીતે પણ આંબાની ખેતી કરી રહ્યો છું. બંને પદ્ધતિથી ખેતી કર્યા બાદ મેં જોયું કે રાસાયણિક પદ્ધતિથી જ્યારે ખેતી કરતો હતો ત્યારે મારી જમીનમાં ભેજ સંગ્રહશક્તિ ઘટી ગઈ હતી. તેના કારણે ઉત્પાદનમાં ફરક અને ખર્ચ પણ વધી જતો હતો. 

હું રાસાયણિક પદ્ધતિથી વાવેતર કરતો ત્યારે 100 મણ બિયારણ વાપરવામાં આવતું હતું, તેનો ખર્ચ પણ વધી જતો હતો અને મજૂરી પણ વધી જતી હતી. જ્યારે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાની શરૂઆત કરી તો પાંચ મણ જેટલું બિયારણ વાવેતર પાછળ વપરાતું ઓછું થયું, એટલે કે મારે સીધું 95 મણ  બિયારણની સાથે મજૂરીની પણ  બચત થઈ એટલે કે મારે એક વીઘા પ્રમાણે 2200 રૂપિયા મજૂરી એમ ચાર વીઘામાં 8800 રૂપિયાની બચત થઈ. ઉપરાંત બિયારણની થયેલી બચત પેટે રૂપિયા 6000 ઉમેરીએ તો અંદાજે રૂપિયા 15000 ની આસપાસની બચત થઈ.

તેઓ કહે છે, ‘હું રાસાયણિક પદ્ધતિથી આંબાની ખેતી કરતો ત્યારે 18 વીઘામાં 400 થી 500 મણ સરેરાશ ઉત્પાદન થતું હતું, જેની આવક ચારથી પાંચ લાખ રૂપિયા થતી જે બિયારણ, મજૂરી અને નીંદણનો ખર્ચ બાદ કર્યા બાદ બે લાખ રૂપિયા મળતા હતા, પરંતુ વર્ષ 2017 થી 18 વીઘામાં જ પ્રાકૃતિક રીતે ખેતી કરવાની શરૂઆત કરી તો મને 700 થી 800 મણ કેરીનું ઉત્પાદન થવા લાગ્યું, જેની આવક 7 થી 8 લાખ રૂપિયા મળતી થઈ, જેનો ખર્ચ માત્ર એક લાખ રૂપિયા થતો. 

આ સાથે આંબાની વચ્ચેની જગ્યામાં 8  3 ના અંતરે શેરડીની ખેતી પણ હું કરતો, જેમાં ચાર વીઘામાં રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતો તો 15 થી 17 ટન ઉત્પાદન મળતું, જેની આવક 15000 થી 17,000 થતી ખર્ચ બાદ કર્યા પછી મને 10,000 રૂપિયા મળતી, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ચાર વીઘામાં 50 ટન શેરડીનું ઉત્પાદન થતું, જેનું હું ગોળ બનાવીને વેચાણ કરતો. તેમાંથી ખર્ચ બાદ કરતાં એક લાખ રૂપિયાના ગોળનું વેચાણ થતું એટલે કે મને વીઘે રૂપિયા 25,000 ની આવક થતી. 

હવે સંપૂર્ણપણે હું રાસાયણિક પદ્ધતિથી ખેતી બંધ કરી ચૂક્યો છું અને છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી જ મેં અપનાવી છે. તેના કારણે ખેતીખર્ચ ઘટે છે અને આવકમાં પણ વધારો થયો છે. વાર્ષિક સરેરાશ આવકની વાત કરું તો પ્રતિ વર્ષ રૂપિયા સાત લાખથી દસ લાખ સુધીની નોંધાય છે, એટલે કે નવ વર્ષમાં મને સીધો 80 થી 90 લાખ રૂપિયાની આવક સાથે આર્થિક ફાયદો થયો છે. 

રાસાયણિક પદ્ધતિથી હું ખેતી કરતો હતો ત્યારે મને ચોક્કસ નુકસાન થતું હતું. ઉત્પાદનની સામે ખર્ચ એટલો વધારે થતો કે જેનું જોઈએ તેવું પરિણામ મળતું નહતું. આ ઉપરાંત રાસાયણિક પદ્ધતિમાં થતી તકલીફોમાં મારી જમીનમાં ગમે તેટલી દવાઓનો છંટકાવ કરું તો પણ કોઈ જ ફરક જોવા મળતો ન હતો અને બગડતી જમીનનો ઉપાય પણ મળતો ન હતો. 

રાસાયણિક ખેતીના કારણે આંબાની ખેતીમાં મધીયા નામનો રોગ સામાન્ય રીતે જોવા મળતો હોય છે, જે ગમે તેટલી દવા કરીને રોગ અટકાવવાનો પ્રયાસ કરતો, પરંતુ રોગ જતો નહીં અને મારો તમામ પાક બગડી જતો, પ્રાકૃતિક ખેતીમાં પણ આ રોગ થાય છે, પરંતુ દેશી દવા એટલે કે જીવામૃત, ઘન જીવામૃત જેવી દવાઓનો ઉપયોગ કરવાથી મિત્રકીટકો જમીનમાં વધી જતા હોય છે. તેના કારણે આ રોગનું નિયંત્રણ મિત્રકીટકો દ્વારા જ થઈ જાય છે. પરિણામે પ્રાકૃતિક ખેતીમાં રોગ-નિયંત્રણ સહેલાઈથી થઈ જતું હોવાથી પાક પણ બગડતો નથી. 

તેઓ તેમની જમીન અંગેની વાત કરતા કહે છે કે, જ્યારે રાસાયણિક પદ્ધતિથી ખેતી કરવામાં આવતી હતી ત્યારે કાર્બનનું પ્રમાણ 0.3 થી 0.4 ટકા સુધીનું જોવા મળતું હતું, જ્યારે હવે હું પ્રાકૃતિક ખેતી જ કરી રહ્યો છું ત્યારે મારી જમીનમાં કાર્બનનું પ્રમાણ 0.4 થી વધીને 0.9 ટકા સુધીનું થયું છે. જમીન પણ ભરભરી થઈ છે. 

હું એવું માનું છું કે મારી જમીનમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર જેવી દવાઓનો  છંટકાવ કરું છું, તેના કારણે મારી જમીન પોચી થઈ છે. હું ગર્વથી કહી શકું છું કે રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવતમાં પ્રાકૃતિક ખેતી જ લાભદાયક છે. માટે આજે નહીં તો આવતીકાલે દરેક ખેડૂતોએ પોતાની ખેતપદ્ધતિ બદલવી જ પડશે અને હું બીજા ખેડૂતોને એવું પણ કહેવા માગું છું કે જો તમારી પાસે 10 વીઘા જમીન હોય તો એક વીઘા જમીનમાં અખતરો કરો એટલે કે જો થોડું થોડું કરીને શરૂઆત કરશે તો ચોક્કસથી લાંબા ગાળે તેમને ફાયદો જ  થશે અને ખેડૂતની આવકમાં પણ વધારો થશે. 

દેશના અનેક ભાગમાં ખેડૂતો રાસાયણિક ખેતીના કારણે સતત વઘતા જતા આર્થિક બોજાના પરિણામે સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ખેડૂતો પોતાની ખેતીને ઓછી ખર્ચાળ બનાવીને ખેતીખર્ચ ઘટાડી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી, ખેતીને સાચા અર્થમાં ટકાઉ બનાવી શકે છે. જો આમ બને તો ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય તેમાં કોઈ શંકા નથી.