• ફળ, શાકભાજીમાં માત્ર લણણી કર્યે નહીં ચાલે, કૃષિ પેદાશને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાનો ઉપાય
• કૃષિ ઉત્પાદનના ભરાવાને કારણે માંગ-પૂરવઠાનો સિદ્ધાંત અવરોઘાતા જે-તે પાકની માંગ કરતાં પૂરવઠો વધી જાય તો પણ એ પાકનો પોષણક્ષમ ભાવ મેળવવામાં કેનિંગ-પેકેજિંગને લીઘે ખેડૂતને કોઈ જ મુશ્કેલી પડતી નથી
Agriculture News : ગુજરાતના ખેડૂતો આજના સમયમાં ખેતી તો કરે જ છે તેની સાથે પાકના મૂલ્યવર્ધનમાં પણ મોખરે છે. અનેક ખેડૂતોએ મૂલ્યવર્ધન દ્વારા પોતાની ખેતીને પોષણક્ષમ બનાવી છે. એક સમયે જ્યાં ફળ અને શાકભાજીનો ઉપયોગ ફક્ત તાજા ખોરાકરૂપે જ થાય તેવો સમય હતો, આજે મૂલ્યવર્ધનના કારણે કેરી, પાઇનેપલ, જામફળ, ટમેટા જેવા બાગાયતી પાકનું આર્થિક મૂલ્ય અને તેની ગુણવત્તા લાંબા સમય સુધી પેકેજિંગ અને કેનિંગ દ્વારા વધારી શકાય છે. જો યોગ્ય રીતે પેકિંગ અને કેનિંગ કરવામાં આવે તો તેના મૂલ્યમાં અનેકગણો વધારો થઈ શકે છે અને ખેડૂતને પણ સીધો નફો થાય છે.
કેમ જરૂરી છે કેનિંગ અને પેકેજિંગ ?
બાગાયતી પાકો સામાન્ય રીતે તાત્કાલિક ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. આવા પાક ખૂબ જ ટૂંકા ગાળામાં નાશ પામે છે, ખાસ કરીને જો યોગ્ય સ્ટોરેજ કે ટ્રાન્સપોર્ટ ન મળે તો આ પાક બગડવાનો પણ ભય રહે છે. આ સમસ્યાના કારણે ખેડૂતો તેમના પાકની કાપણી પછી તરત જ તેમનું વેચાણ કરે છે. દેશમાં દર વર્ષે ફળ અને શાકભાજીના ઉત્પાદનનો લગભગ 30% જેટલો હિસ્સો પોસ્ટ-હાર્વેસ્ટ લોસ એટલે લણણી પછી થતા નુકસાનરૂપે બગડી જાય છે.
કેનિંગ આપણે ટૂંકમાં સમજીએ તો પાકને ડબ્બામાં ભરીને ઉંચા તાપમાને ગરમ કરીને તમામ સૂક્ષ્મ જીવોનો નાશ કરી દેવો. આ પ્રક્રિયા દરમિયાન એમાંથી ઓક્સિજન દૂર થઈ જાય છે અને લાંબો સમય સુધી સુરક્ષિત રહે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ફળના બગડવાની પ્રક્રિયા નહીંવત્ બની જાય છે. કેનિંગથી ફળની તાજગીમાં કોઈ ફરક આવતો નથી. ફળના કેન, ટમેટાં પ્યુરી, કેરી પલ્પ વગેરે આપણા બજારમાં મળતા પેક ઉત્પાદનો એ કેનિંગના સિદ્ધાંત પર આધારિત છે.
કેનિંગ કાર્ય બાદ બજારમાં તેનું વેચાણ વધારવા કે ગ્રાહકો સુધી વધુ ને વધુ પહોંચાડવા પેકેજિંગ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. જો પેકિંગની ગુણવત્તા સારી હોય તો એ ફળ અથવા શાકભાજીને બગડતી, સડતી અને ઈન્ફેક્શનથી બચાવે છે. પેકેજિંગ મટિરિયલ હળવું હોવું જોઈએ, હવામાન પ્રતિબંધક (એર ટાઈટ) હોવું જોઈએ અને જો શક્ય હોય તો રીસાયકલ થઈ શકે એવું હોવું જોઈએ. રીસાયકલ થઇ શકે તેવા પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો થાય છે, જે પર્યાવરણ સાથે સાથે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
કેનિંગ, પેકેજિંગના અઢળક ફાયદા
કેનિંગ અને પેકેજિંગની સહાયથી ખેડૂતો હવે માત્ર બજારભાવે વેચવાનું બંધ કરીને બાગાયતી પાકોમાંથી જામ, જેલી, જ્યુસ, સૂકાં ફળ, અથાણાં, કેરીનો પલ્પ પોતાનું પ્રોડક્ટ બ્રાન્ડેડ અને પ્રોસેસ્ડરૂપે બજારમાં મૂકી શકે છે.
આ તમામ વસ્તુઓ માત્ર સ્થાનિક નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચે છે. દેશમાંથી વર્ષ 2024-25 માં માત્ર કેરીના પલ્પની જ રૂપિયા 681 કરોડ જેટલી નિકાસ કરી હતી, જ્યારે જેલી પ્યુરી, જ્યુસ જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનોની રૂપિયા 6,109 કરોડ જેટલી નિકાસ થઇ હતી. તેમાં ગુજરાતનો ફાળો રૂપિયા 1,255 કરોડનો થવા જાય છે.
નાના ખેડૂતો માટે સારો અવસર
નાના અને સીમાંત ખેડૂતો માટે કેનિંગ અને પેકેજિંગ એક સોનેરી તક સાબિત થઈ શકે છે. દરેક ખેડૂત પોતપોતાનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપે એ શક્ય નથી અને નાણાકીય દ્રષ્ટિએ પણ અઘરું છે. આવી સ્થિતિમાં કોન્ટ્રાક્ટ આધારિત પ્રોસેસિંગ યુનિટ એક ઉત્તમ વિકલ્પ છે. તેનો મતલબ એ થાય કે ખેડૂતો ગ્રૂપમાં ભેગા થઈ શકે છે અથવા કોઈ સંસ્થા સાથે કરાર કરી શકે છે, જે સમુદાય માટે એકમાત્ર પ્રોસેસિંગ યુનિટ ચલાવે. આ મોડલ એટલા માટે સફળ છે કારણ કે એક જ પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન થઈ શકે છે અને દરેક ખેડૂતને અલગથી મોટી મૂડી ખર્ચવાની જરૂર પડતી નથી.
ઉદાહરણરૂપ, આજે અનેક ખેડૂત મિત્રો મગફળીમાંથી શુદ્ધ ઘાણીનું તેલ બજારમાં વેચે છે, પણ એ બધાએ પોતપોતાની ઘાણી નહી બનાવી. તેઓ એક જ ઘાણીનો ઉપયોગ કરે છે, જ્યાં દરેક ખેડૂત પોતાનું મગફળીનું તેલ કાઢી શકે છે. આ રીતે ઓછા ખર્ચે, ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન પણ થાય છે અને બજાર સુધી પહોંચાડવું પણ સરળ બને છે. આ મોડેલને કેનિંગ, પેકેજિંગ અને અન્ય વેલ્યુએડીશન ઉત્પાદનમાં પણ સફળતાપૂર્વક લાગુ કરી શકાય છે.
આજે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને વેલ્યુએડીશન અને એગ્રો પ્રોસેસિંગ માટે સબસિડી આપતી યોજના ચલાવે છે. આ યોજનામાં બાગાયતી પાકોમાં કાપણી પછી મૂલ્યવર્ધનની વિવિધ પ્રક્રિયા માટેના ઓછામાં ઓછા 150 ચોરસ મીટર સુધીના બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા માટે માળખાકીય સુવિધા, મશીનરી અને સાધન સામગ્રી વસાવવા રૂપિયા 20 લાખ પ્રતિ એકમ ખર્ચ ધ્યાને લઇ મહત્તમ રૂ 10 લાખ સુધી સહાય આપવામાં આવે છે.
આ સહાય યોજના અંતર્ગત બાંધકામ તથા આનુષંગિક સાધનો માટે ખર્ચના 25 ટકા અથવા મહત્તમ રૂપિયા 5 લાખ પ્રતિ એકમ, એમ બંનેમાંથી જે ઓછું હોય તે કેપીટલ સહાય ચૂકવાય છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાગાયતી પેદાશોનું સોર્ટિંગ, ગ્રેડીંગ, પેકીંગ અને પાકનું મૂલ્યવર્ધન કરી ખેડૂતો બજારમાં સારા ભાવથી તેનું વેચાણ કરી શકે તેનો છે.
જેમ કે તમે નાના પાયે કેરી કે પાઈનેપલનું પલ્પ બનાવી શકો છો, ત્યારબાદ તેને સ્થાનિક વેપારીઓ કે ઑર્ડર પર સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકો છો. આવાં ઉદાહરણો હવે ગુજરાતના ગામડાંમાંથી પણ મળી રહ્યા છે.
આજની નવી પેઢી ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરતી થઈ છે. હવે સમય છે કે ખેડૂતોએ ખેતી સાથે સાથે ઉત્પાદન પછીનું મૂલ્યવર્ધન પણ સમજી લેવું જોઈએ. કૃષિ ઉત્પાદનના ભરાવાને કારણે માંગ-પૂરવઠાનો સિદ્ધાંત અવરોઘાતા જે-તે પાકની માંગ કરતાં પૂરવઠો વધી જાય તો પણ એ પાકનો પોષણક્ષમ ભાવ મેળવવામાં કેનિંગ-પેકેજિંગને લીઘે ખેડૂતને કોઈ જ મુશ્કેલી પડતી નથી. કેનિંગ અને પેકેજિંગ દ્વારા ખેડૂતો નિશ્ચિતપણે પોતાની ખેતીને પોષણક્ષમ બનાવી શકે છે.


