Krushi Vishwa

ફળાઉ પાકોની ખેતી અને મૂલ્યવર્ધન : રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ સાથે આર્થિક સમૃદ્ધિ

By GS Team
18 Feb 20263 mins read
TukuTouch Logo
નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાનાં ગણદેવા ગામના સંજયભાઈ નાયકના પરિવારમાં પરંપરાગત પાક સાથે આંબાનો પાક હતો. એક સમયે સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સંજયભાઈએ માતાનાં અવસાન બાદ વર્ષ 1984માં ખેતીમાં જોડાવાનો નિર્ણય લીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

ફળાઉ પાકોની ખેતી અને મૂલ્યવર્ધન : રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ સાથે આર્થિક સમૃદ્ધિ

• ખેતીને વ્યવસાય તરીકે વિકસાવીને વાર્ષિક રૂપિયા 50 લાખનું ટર્નઓવર કરતું ખેડૂત યુગલ

• ખેડૂત ખેતી પ્રત્યેનો રૂઢિગત દ્રષ્ટિકોણ બદલીને વ્યાવસાયિક અભિગમ સાથે ખેતી કરે અને સૂઝબૂઝ સાથે મૂલ્યવર્ધન કરે તો, ખેડૂતની આવક વધતા વાર નહીં લાગે તેની સાથે જ કૃષિ ક્ષેત્રે ખ્યાતિ પણ વઘશે

Agriculture News : નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાનાં ગણદેવા ગામના સંજયભાઈ નાયકના પરિવારમાં પરંપરાગત પાક સાથે આંબાનો પાક હતો. એક સમયે સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સંજયભાઈએ માતાનાં અવસાન બાદ વર્ષ 1984માં ખેતીમાં જોડાવાનો નિર્ણય લીધો.

તેઓ જણાવે છે કે, ‘મેં ખેતીને એક વ્યવસાય તરીકે જોયો છે, જેમ એક વેપારી તેનું ઉત્પાદન વેચવામાં પોતાની પૂરતી તાકાત લગાવે છે, તેવી જ રીતે ખેડૂતે પણ પાકને યોગ્ય ભાવે વેચવાનો ભર5ૂર પ્રયાસ કરવો જોઈએ.’ શરૂઆતમાં તેઓ આલ્ફાન્ઝો કેરીનું વેચાણ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ સોસાયટીને કરતા હતા. પરંતુ વર્ષ 1997માં તેમણે જોયું કે, તેમણે જે કેરી રૂપિયા 100માં વેચી હતી. તે સુરતમાં રૂપિયા200 કરતાં પણ મોંઘી વેચાઈ રહી હતી. આથી તેમણે સીધાં જ છૂટક બજારમાં કેરી વેચવાનું શરૂ કર્યું, પરંતુ તેમાં સમસ્યા એ આવી કે, ઘણીવાર તેમાંથી 15 થી 20 બોક્સ કેરી પાછી આવતી હતી.

તેઓ જણાવે છે કે, વ્યવસાય કોઈપણ હોય, મુશ્કેલીઓ આવે અને જાય, જ્યારે આ સમસ્યા ઊભી થઈ, ત્યારે તેના ઉકેલ માટે પાછી આવતી આ કેરીઓનું અમે પ્રોસેસિંગ કરવાનું નક્કી કર્યું. તેમનાં કાર્યમાં તેમનાં પત્ની અજિતાબહેન તેમ જ પુત્ર, પુત્રવધુ પણ જોડાયા.

અજિતાબહેને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રોસેસિંગની તાલીમ લીધી. આ દંપતિ માટે કેરીનું મૂલ્યવર્ધન કરવું એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હતો, એ દિવસોને યાદ કરતાં અજિતાબહેન કહે છે, હું પાછી આવતી કેરીનો પલ્પ તૈયાર કરીને અમે લગ્ન તેમ જ અન્ય પ્રસંગો માટે તેનું વેચાણ કરતા. થોડા સમય માટે તેમાં નુકસાની પણ આવી, પરંતુ એક વર્ષ પછી, અમે લગભગ કેરીના પલ્પની 5000 બોટલનું વેચાણ કર્યું.

વર્ષ 2007માં બેંકમાંથી લોન લઈને ફ્રોઝન ફ્રૂટ પલ્પને તૈયાર કરવા માટે રૂપિયા70 લાખનું તેઓએ એક પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું. આ સમગ્ર પ્રોસેસિંગ યુનિટનું કાર્ય અજિતાબહેન અને પુત્રો સંભાળે છે, જ્યારે ખેતી સંબંધિત કાર્ય સંજયભાઈ સંભાળે છે.

તેમની 20 એકર જમીનમાં વિવિધ પ્રકારની 37 જાતની કેરીઓ તેમ જ ચીકુ, સ્ટારફ્રૂટ અને નાળિયેર વાવ્યા છે. કેરીનાં પ્રોસેસિંગ માટે આલ્ફાન્ઝો અને કેસરનો ઉપયોગ વધુ કરે છે. આ સિવાય તેઓ સ્ટ્રોબેરી, જાંબુ, સીતાફળ, લાલ- સફેદ જામફળ, કાળી દ્રાક્ષ,કીવી, જેક ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, સંતરા, ચીકુ, નાળીયેર જેવાં અનેક ફળોની બહારથી ખરીદી કરી તેમાંથી પલ્પ, સ્લાઇસ, ટુકડા તૈયાર કરી રસાયણ મુક્ત ફ્રોઝન કરે છે. આ ફ્રોઝન કરેલ પ્રોડક્ટને 500-700 દિવસ સુધી સાચવી શકાય છે.

આ યુગલ સ્ટ્રોબેરી, જાંબુ, સીતાફળ, લાલ- સફેદ જામફળ, કાળી દ્રાક્ષ,કીવી, જેક ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, સંતરા, ચીકુ, નાળીયેર જેવાં અનેક ફળોની બહારથી ખરીદી કરી તેમાંથી પલ્પ, સ્લાઇસ, ટુકડા તૈયાર કરી રસાયણ મુક્ત ફ્રોઝન કરે છે. 

આ પ્રગતિશીલ યુગલે મૂલ્યવર્ધનનાં તેમનાં વિશાળ દ્રષ્ટિકોણને કારણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઘણાં એવોર્ડ પણ મેળવ્યા છે. વર્ષ 2014માં અજિતાબહેનને રાજ્યની ‘શ્રેષ્ઠ મહિલા ખેડૂત’ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2019માં સંજયભાઈને રાષ્ટ્રીય સ્તરે ‘પ્રોગ્રેસિવ ફાર્મર’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ‘આત્મા’ પ્રોજેક્ટ હેઠળ 30 હજારથી વધુ લોકોને પ્રોસેસિંગની તાલીમ પણ તેમણે આપી છે.

અજિતાબહેન કહે છે, અમે ઉનાળામાં 25 થી 30 ટન કેરીનું મૂલ્યવર્ધન કરી તેમાંથી પ્રોડક્ટ બનાવીએ છીએ. ઉચ્ચ ગુણવત્તાની કેરી તરત જ વેચાઈ જાય છે અને ગ્રેડ 2 ની ગુણવત્તાવાળી કેરીની સ્લાઇસ કરીને તેનું વેચાણ કરીએ છીએ, વધુ પાકેલી કેરીનો પલ્પ અને કાચી કેરીમાંથી આમચૂર, અથાણું બનાવાય છે. 

આ વ્યવસાયમાં વર્ષ 2007 થી 2013 સુધીમાં તો તેમણે બજાર પર સારી પકડ બનાવી. તેઓ આજે દેશભરમાં તેમનાં ઉત્પાદનોનું વેચાણ કરે છે. તેમના પ્રોસેસિંગ યુનિટમાં લગભગ 25 લોકોને રોજગારી મળી રહી છે. તેમનાં મુખ્ય ગ્રાહકોમાં આઇસક્રીમ ફેક્ટરી, કેટરિંગ અને હોટેલ વ્યવસાયીઓનો સમાવેશ થાય છે. 

તેમના પાકનાં મૂલ્યવર્ધિત ઉત્પાદનો અનેક ગ્રાહક સુધી વિસ્તરીને ચેન્નાઈ, કલકત્તા જેવા શહેરો સુધી પહોંચ્યા છે. તેઓ મૂલ્યવર્ધન કરીને વાર્ષિક ટર્નઓવર રૂપિયા 50 લાખનું મેળવે છે અને તેમાંથી 30 ટકા જેટલો નફો મેળવે છે.