Get The App

લોન આપવાના બહાને 6 વ્યક્તિ સાથે રૂ. 1.93 લાખની છેતરપિંડી

Updated: Sep 28th, 2024

GS TEAM

Google News
Google News
લોન આપવાના બહાને 6 વ્યક્તિ સાથે રૂ. 1.93 લાખની છેતરપિંડી 1 - image

- નડિયાદની કેપિટલ ફાઈનાન્સના એજન્ટ સામે ફરિયાદ 

- કંપનીએ વર્ષ 2023 માં સોશિયલ મીડિયામાં જાહેરાત મૂકતા વ્યક્તિઓએ સંપર્ક કર્યો હતો

નડિયાદ : નડિયાદની કેપિટલ ફાઈનાન્સ કંપનીના એજન્ટે લોન અપાવવાનો વિશ્વાસ આપી લોન મંજૂર કરાવવા વિવિધ ચાર્જ પેટે છ શખ્સો પાસેથી કુલ રૂ. ૧,૯૩,૩૬૫ પડાવી લઈ છેતરપિંડી આચરી હતી. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ખેડાના શખ્સે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

નડિયાદ મિશન રોડ ઉપર કેપિટલ ફાઇનાન્સ નામની કંપનીએ ડિસેમ્બર-૨૦૨૩માં લોન જોઈતી હોય તો સંપર્ક કરો તેવી સોશિયલ મીડિયામાં જાહેરાત મૂકી હતી. જેથી કંજરી ગામે રહેતા અનિલ રમેશભાઈ ચૌહાણે આ જાહેરાત જોઈ નડિયાદની ઓફિસમાં સંપર્ક કર્યો હતો. ત્યારે ઓફિસમાં બેઠેલા લાલાભાઈ ઉર્ફે મોસીન સૈયદ (રહે. ખેડા)એ, તમારે લોન જોઈતી હોય તો તેના જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડશે, તેમ જણાવ્યું હતું. 

જેથી અનિલે રૂ. ૧૭ લાખની લોન લેવાની વાત કરતા લાલાભાઈએ બે-ત્રણ દિવસમાં લોન મંજૂર કરાવી દેવાની ખાતરી આપી લોન મંજૂર કરાવવા માટે ફાઈલ ચાર્જ રૂ. ૫,૯૯૦ આપવા પડશે તેમ જણાવ્યું હતું. બે દિવસ બાદ વેલ્યુએશનનો રૂ. ૧૦ હજાર ચાર્જ અને લોન મંજૂર કરાવવા કમિશન પેટે રૂ.૧ લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી અનિલે કુલ રૂ. ૫૫,૯૯૦ ચૂકવ્યા હતા. બાદમાં શખ્સે કોરા સ્ટેમ્પ પેપર પર તેમની સહીઓ કરાવી લીધી હતી. જોકે, લોન માટે અવારનવાર ધક્કા ખાવા છતાં લોન મળી નહતી. 

આ એજન્ટે અન્ય વ્યક્તિઓ પરેશભાઈ જીતુભાઈ ગોહિલ પાસેથી રૂ.૪૬,૧૦૦, મિતેશ કિરીટભાઈ ચૌહાણ પાસેથી રૂ.૩૩,૨૭૫, કરણ માનસિંગ ગોહિલ પાસેથી રૂ.૧૨,૦૦૦,  ધુલાભાઈ નરસિંહભાઈ દરજી પાસેથી રૂ.૨૬,૦૦૦ અને ગોવિંદભાઈ ભીખાભાઈ તળપદા પાસેથી રૂ.૨૦,૦૦૦ મેળવી લઈ લોન ન આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે અનિલભાઈની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે લાલા ઉર્ફે મોસીન સૈયદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.