મહુધા તાલુકાના ગામડાઓમાં અનાજ સગેવગે થતું હોવાની વ્યાપક ફરિયાદો
- ઈદની રાતે સરકારી ગોડાઉનમાંથી ત્રણ વાહનોમાં અનાજ વગે થતી જોઈ રોકનાર શખ્સને મારી નાખવાની ધમકી
નડિયાદ, તા.30 મે 2020, શનિવાર
મહુધા તાલુકામાં બેરોકટોક ચાલી રહેલા અનાજ સગેવગે કરવાના ભ્રષ્ટાચારે માઝામૂકી છે.તાલુકાના દરેક ગામમાં અનાજનો પૂરવઠો ઓછો આપવામાં આવતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.એક જાગૃત નાગરિકે અનાજની ગાડી રોકતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.આ અંગે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહુધા તાલુકામાંથી ઇદની રાત્રે સરકારી ગોડાઉનમાંથી ત્રણ ગાડીઓ અનાજ ભરાઇને જતી હતી.મહોળેલ રસ્તા પર મહુધાના એક જાગૃત નાગરિકે આ ગાડીઓ ઉભી રાખી અને પાસ માંગ્યો હતો.પરંતુ ડ્રાઇવરે યોગ્ય જવાબ ન આપતા પૂરવઠા અધિકારી અને પોલીસને જાણ કરી હતી.આથી અનાજ ભરેલી ગાડીઓ ડ્રાઇવરે ભગાડી મૂકી જાગૃત નાગરિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે જાગૃત નાગરિકે જિલ્લા પોલીસ વડાને એક અરજી લખી જણાવ્યુ છે કે તા.૨૮-૫-૨૦ ના રોજ ૧૨.૨૨ કલાકે મહુધા બજારમાં હતો.તે સમયે મારા મોબાઇલ નંબર ઉપર કોઇ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો.
જેમાં હુ તારો બાપ બોલુ છુ,તુ મને ઓળખતો નથી તે મારી અનાજની ગાડીઓ કેમ રોકી હતીતેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત અરજાદારે જણાવ્યુ છે કે તા.૨૬-૫-૨૦ ના રોજ નડિયાદ સરદાર ભવનમાં આવ્યો હતો.તે સમયે સુરેશભાઇ તથા રફીકભાઇના માણસો દ્વારા મારી પાસે આવી મને મારૃ નામ પૂછી બે લાફા મારીને કહેલ કે ફરી નડિયાદમાં આવ્યો છું તો તારા પગ ભાંગી નાખીશુ તેવી ધમકી આપી હતી.આ અનુસંઘાને પોલીસ ફરિયાદ નોંધવા રજૂઆત કરી છે.