Get The App

ઠાસરામાં પાણીની લાઈનનું ભંગાણ શોધી સમારકામ હાથ ધરાયું

Updated: Jul 7th, 2024

GS TEAM

Google News
Google News
ઠાસરામાં પાણીની લાઈનનું ભંગાણ શોધી સમારકામ હાથ ધરાયું 1 - image

- રોહિત ફળિયામાં ઝાડા-ઉલટીના વધુ 3 કેસ નોંધાયા 

- કુવાના પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, ગટરની સફાઈ હાથ ધરાઈ 

ઠાસરા : ઠાસરાના રોહિત ફળિયામાં શનિવારે ઝાડા-ઉલટીના વધુ ત્રણ કેસ નોંધાયા હતા. પાલિકા અને આરોગ્યની ટીમ દ્વારા બે દિવસની શોધખોળના અંતે પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થતું હતું તે પંક્ચર શોધીને તેના સમારકામની કામગીરી હાથ ધરી છે. તેમજ ગોરયા કુવાના પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા. 

ઠાસરાના રોહિત ફળિયામાં શનિવારે ઝાડા-ઉલટીના વધુ ત્રણ કેસ સામે આવ્યા હતા. જેમાં મુળજીભાઈ નથ્થુભાઈ મકવાણા (ઉં.વ.૫૧)એ ઠાસરાની રેફરલ હોસ્પિટલમાં સારાર લીધી હતી. તેમજ સેજલબેન રાવજીભાઈ મકવાણા (ઉં.વ.૨૪) અને તેના ભાઈ તુષાર (ઉં.વ.૧૬)એ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. 

ઠાસરાના રોહિત અને ખ્રિસ્તી ફળિયામાં તા.૪ જુલાઈથી ૬ જુલાઈ સુધીમાં ઝાડા-ઉલટીના કુલ નવ કેસો નોંધાયા છે. જોકે, બંને વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું. પાલિકા દ્વારા રોહિત ફળિયામાં ગટરની સાફ-સફાઈ કરવામાં આવી હતી. 

જ્યારે બે દિવસની શોધખોળ બાદ અંતે પાલિકા અને તાલુકા આરોગ્યની ટીમોએ શનિવારે મદીના મસ્જિદ પાસે જીઈબીના પુલ પાસેથી ગટર અને પીવાના પાણી ભેગું થવાનું કેન્દ્ર શોધી કાઢ્યું હતું અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ પાલિકાએ ગોરયા કુવાના પાણીના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા હતા. 

ઉપરાંત છેલ્લા બે દિવસથી રોહિત ફળિયામાં પાઈપલાઈનનું પાણી બંધ કરી સ્થાનિકોને ટેન્કરથી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ નગરજનોને પાણી ઉકાળીને પીવા માટે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તાકીદ કરવામાં આવી છે.