- જિલ્લા પ્રશાસનથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત
- ગ્રામ પંચાયત દ્વારા માપણી પણ કરાઈ છતાં હજૂ મકાનો, વાડા સહિતના દબાણો યથાવત્
ગળતેશ્વરના વાંઘરોલી ગામમાં આવેલી ખાખરિયા સીમમાં બ્લોક નં.૫૫૬માં ૩૨ ગુંઠા જેટલી ગ્રામ પંચાયત હસ્તકની ગૌચર જમીનમાં ગામના કેટલાક લોકો દ્વારા મકાનો બાંધી અને દબાણ કરવામાં આવ્યું છે. કેટલાક લોકો દ્વારા તો ત્રણ-ત્રણ મકાનો બાંધવા સાથે વાડા કરી અને દબાણો કરાયા છે. આ સબંધે ગ્રામજનોએ મુખ્યમંત્રીને કરેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, જમીનમાં ઉત્તર દીશાએ દબાણ કર્યું છે. આ તમામ દબાણો દૂર કરવા ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતથી માંડી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી રજૂઆતો કરી છે. આ લેખિત ફરીયાદો મળવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ ઉઠયા છે. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા જમીનની માપણી કરાઈ હતી. જે જમીનની માપણી સામે દબાણકર્તાઓએ માપણીને ગ્રાહ્ય ન રાખી અને ફેરમાપણી કરવા અરજી કરી છે. જે માપણી માટે દબાણકર્તાઓને નિયત ફી ભરવાની જાણ કરાઈ છે અને આ દબાણકર્તાઓ ફી ભરતા નથી, જેના કારણે માપણી થઈ નથી, તેમ દર્શાવી કાર્યવાહી રોકી રાખવામાં આવી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા ત્વરીત ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.


