ઠાસરામાં સિલાઈ મશીન વિતરણના કાર્યક્રમમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન
- સરકારની માનવ કલ્યાણ યોજના અંતર્ગત
- કાર્યક્રમમાં સરકારના અધિકારીઓ માસ્ક વગર એકઠા થતા સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડયા
નડિયાદ, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર
ઠાસરા તાલુકા પંચાયત અને ખેડા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના સહયોગથી માનવ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓને સિલાઈ મશીનનું વિતરણ તાજેતરમાં કરાયુંહતું. જેમાં સરકારી ગાઈડ લાઈનનું ઉલ્લંઘન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ખેડા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ઠાસરા તાલુકા પંચાયતના ઉપક્રમે યોજાયેલ એક કાર્યક્રમ તાજેતરમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ કોરોના મહામારીમાં વધુ સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા તકેદારીના પગલા લેવામાં માટે વિવિઘ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે.જેમાં નાગરિકોને માસ્ક પહેરવા માટે જાગૃત કરવામાં આવે છે. જાહેર જગ્યાઓ તથા કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે.
ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ તથા આગેવાનો માસ્ક વગર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સામાન્ય નાગરિકોને સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે તો દંડવામાં આવે છે, ત્યારે આ અધિકારીઓને જાણે કોઈ નિયમ જ લાગુ પડતો ન હોય તેવું દ્રષ્ટિગોચર થાય છે.