Get The App

કપડવંજમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન

Updated: Sep 10th, 2024

GS TEAM

Google News
Google News
કપડવંજમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન 1 - image

- પાલિકા ઢોર પકડવાનું શરૂ કરે તેવી માંગણી

- પાલિકા વિસ્તારમાં ચારે બાજુ રખડતા ઢોરના અડિંગા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી

નડિયાદ : કપડવંજ શહેરમાં નાગરીકોને રખડતા ઢોરોના ત્રાસથી છુટકારો અપાવવામાં નગરપાલિકા પ્રશાસન ઉણું ઉતર્યુ છે. નગરપાલિકા હદ વિસ્તારમાં વર્ષોથી રખડતા ઢોરોના કારણે અનેક સમસ્યા સર્જાઈ રહી છે. અકસ્માતો થવા ઉપરાંત ટ્રાફિક સર્જાવો અને જીવના જોખમે લોકોને પસાર થવાની નોબત ઉભી થઈ છે. રખડતા ઢોરો મામલે ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારે સ્થાનિક પ્રશાસનોને ચોક્કસ નિર્દેશો કર્યા હોવા છતાં તેની કોઈ જ અમલવારી કપડવંજ શહેરમાં થઈ રહી નથી.

કપડવંજ નગરપાલિકા હદ વિસ્તારમાં બજારોથી માંડી શેરીઓ અને જાહેર રસ્તાઓ પર ઠેર-ઠેર રખડતા ઢોરો અડ્ડો જમાવીને રોજ બેસી રહે છે. રખડતા ઢોરોના કારણે જાહેર માર્ગો સાંકડા થઈ જાય છે અને શહેરમાં ટ્રાફિકજામ થઈ જાય છે. રાહદારીઓને રખડતા ઢોરોની અડફેટે ચઢવાનો ભય રહ્યા કરે છે. કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસરથી માંડી સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં રખડતા ઢોર મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન ચાલી રહી હતી. જે દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો વારંવાર ઉધડો લીધો હતો. તે સમયે હાઈકોર્ટે ચોક્કસ ડાયરેક્શન આપ્યા હતા અને તેની અમલવારી કરવા સહિત રાજ્ય સરકારે પણ રખડતા ઢોર મામલે નવી પોલીસી અમલમાં મૂકી હતી. જેથી કપડવંજ શહેરમાં રખડતા ઢોર મામલે નગરપાલિકા તંત્ર ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારના ડાયરેક્શનનો સરેઆમ ભંગ કરી રહી છે. ત્યારે તાત્કાલિક ધોરણે કપડવંજ નગરપાલિકા દ્વારા સરકારી નીતિ-નિયમોની અમલવારી કરાય તેવી સ્થાનિકોમાં માંગણી ઉઠી છે.

એજન્સીને કામ સોંપ્યું છે, જે અંગે મને કાંઈ ખબર નથીઃ ચીફ ઓફિસર

આ સમગ્ર મામલે કપડવંજના ચીફ ઓફિસર કૈલાશબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોર મામલે એજન્સીને કામકાજ સોંપાયેલું છે. સમયાંતરે એજન્સી કામગીરી કરતી હોય છે. ચીફ ઓફીસરને એજન્સીનું નામ અને તેમાં કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને શું કામગીરી ચાલી રહી છે, તે અંગે પૂછતા તે અંગે મને કાંઈ જ ખબર નથી. તેવું જણાવી દીધું હતું.