- 50 ખાતેદારો દ્વારા પંચાયતઘર ખોલાવી સેક્રેટરી, ચેરમેનનો ઘેરાવો
- 2007 માં સરકારે બોજ મુક્તિ કરી હોવા છતાં લોન બાકીની નોટિસો : કેટલાક ખાતેદારને લોન બાબતે જાણ પણ નથી : સેક્રેટરીએ મંડળીમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ
ઠાસરાના કાલસર ગામે સેવા સહકારી મંડળીના ૪૦ જેટલા ખેડૂત ખાતેદારો સામે તા. ૩૧-૮-૨૦૨૪ના રોજ ફડચા અધિકારીએ લોન બાકી અંગે નોટિસો કાઢી છે. જે સંદર્ભે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. રવિવારે ૫૦ જેટલા ખેડૂત ખાતેદારોએ પંચાયત ઘર ખોલાવીને સેક્રેટરી અને ચેરમેનનો ઘેરાવો કર્યો હતો. બાદમાં ખેડૂત ખાતેદારોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, કાલસર સેવા સહકારી મંડળીનું કોઈ મકાન કાલસર ગામમાં ન હતું. માટે ભાડાના મકાનમાં મંડળી ચાલતી હતી. ચેરમેન તરીકે નગીનભાઈ પટેલ ૧૨ વર્ષથી વહીવટ કરતા હતા. ૨૦૦૫માં સહકારી મંડળીમાં બોજા પડયા હતા. ૨૦૦૭માં સરકારે બોજ મુક્તિ કરી હોવા છતાંય બોજ મુક્ત કરવામાં આવ્યા ના હતા. ૨૦૧૨માં મંડળી ફડચામાં ગઈ હતી. જેમાં કાલસર સેવા સહકારી મંડળીમાં ખેડૂત ખાતેદારોની ખોટી લોનો ઉધારી હોવાનો આક્ષેપ કરાયો છે. આશરે ૪૦થી ૫૦ ખેડૂતોની નકલોમાં બોજા પાડી દઈને મંડળીના સેક્રેટરી દ્વારા મંડળીમાં ભ્રષ્ટચાર કર્યો હોવાનો આક્ષેપ ખેડૂત ખાતેદારોએ કર્યો છે.
્રસલીમમિયા શારીફમીયા મલેકની જમીનમાં લોન ઉધારવામાં આવી હતી. તે ભરીને સેન્ટ્રલ બેન્કમાં લોન લીધી અને જમીન વેચી દીધા પછી નોટિસ આવી હતી. કેટલાય ખેડૂતોને તેમની લોન બાબતે જાણ પણ નથી. આશરે ૩૦ લાખથી વધુ રૂપિયાના બોજા પાડી દેવતા ખેડૂતોએ ભારે આક્રોશ સાથે હોબાળો મચાવ્યો હતો.
આમ નિયમ બહાર બોજા પાડી દેવાયા હોવાથી ૧૭ ગુંઠા જમીનમાં એક લાખ બોજો પાડીને ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ખેડૂત ખાતેદારોએ કર્યો છે.
આ બાબતે સેક્રેટરી મદનલાલ ઉર્ફે નજીરમિયાંએ જણાવ્યું હતું કે, મંડળી ફડચામાં ગયેલી છે. જો કોઈને અન્યાય થયો હોય તો મારા ઉપર ફરિયાદ કરો તેમ કહી દીધુ હતું.


