Get The App

બિલોદરા પાસે શેઢી નદીમાં ગણેશ વિસર્જન વખતે બે યુવાનો ડૂબ્યા

Updated: Sep 9th, 2024

GS TEAM

Google News
Google News
બિલોદરા પાસે શેઢી નદીમાં ગણેશ વિસર્જન વખતે બે યુવાનો ડૂબ્યા 1 - image

- પોલીસ સુરક્ષા વગર વિસર્જન ચાલતું હતું

- વહેણમાં તણાયેલા નડિયાદ એસટીનગરના અને મંજીપુરા ગામના યુવાનોની મોડી રાત સુધી શોધખોળ

નડિયાદ : નડિયાદ તાલુકાના બિલોદરા ગામમાંથી પસાર થતી શેઢી નદીમાં આજે બે યુવાનો ડૂબ્યા હોવાની બિના બની છે. ગણપતિ વિસર્જન માટે આવેલા બે યુવકો શેઢીના વહેણમાં તણાયા હતા. કોઈ પણ જાતની પોલીસ સુરક્ષા વિના આજે ગણપતિ વિસર્જન ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે.

મંજીપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી રવિકુંજ સોસાયટી અને એસ. ટી. નગર વિસ્તારમાં કેટલાક લોકો આજે દોઢ દિવસે ગણપતિ વિસર્જન માટે બિલોદરા પાસેની શેઢી નદીના કાંઠે પહોંચ્યા હતા. વિસર્જન વખતે મંજીપુરાના સંદીપભાઈ મકવાણા (ઉં.વ.૩૭) અને નડિયાદના એસ. ટી . નગર વિસ્તારમાં જય અંબે સોસાયટીમાં રહેતા કેતન મહેરીયા (ઉં.વ.૩૨) શેઢી નદીના વહેણમાં તણાયા હોવાની માહિતી મળી છે. 

આ બંને યુવકો વિસર્જન વખતે નદીમાં ડૂબ્યા છે. આજના વિસર્જન દરમિયાન અત્રે શેઢી નદીના કાંઠે જિલ્લા પોલીસ દ્વારા કોઈ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો ન હતો. જ્યાં લોકો જીવના જોખમે વિસર્જન કરી રહ્યા હતા દરમિયાન આ બિના બની છે. હાલ તો આ બંને યુવકોની શોધખોળ ચાલી રહી છે. ત્યારે પરીવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

બીજી તરફ ઘટના સ્થળે પોલીસ, ફાયર વિભાગ સહિત પ્રશાસનની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ત્યારે સ્થળ પર હાજર લોકોએ યુવકો તણાઈને આગળ નીકળી ગયા છે તેમ જણાવ્યું હોવા છતાં દોઢ-બે કલાક સુધી ફાયર વિભાગની ટીમ શેઢી નદી તરફના દાદરની આસપાસ તપાસ કરતા રહ્યા હતા.

 અંતે સાંજે ૭ વાગે શેઢી નદીમાં આગળ તપાસ કરવા જવા માટે ફાયર વિભાગની બોટ લાવવામાં આવી હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી આવી ઘટના દરમિયાન ફાયર વિભાગે બોટ સાથે જ લાવવાના બદલે ઘટનાના બે કલાક બાદ બોટ લાવવામાં આવી હતી.