- ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે
- મહી કાંઠાના 4 તાલુકાના 26 ગામો એલર્ટ વણાકબોરી ડેમમાં પાણીની આવક વધી
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં અનાસ નદીમાંથી ૩૭,૩૬૩ ક્યૂસેક અને પાદેડી ગેજિંગ સાઈટથી ૫,૪૩૧ ક્યૂસેક પાણીની આવક થઈ છે. તેમજ મહી બજાજ સાગર ૨૮૦.૧૫ મીટરના લેવલ સુધી ભરાયેલા હોવાથી મહી ડેમના દરવાજા ખોલી પાણી છોડવાની સૂચના મળી છે. કડાણા ડેમમાં ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાને લઈ ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી મંગળવારે બે લાખ ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું. તેમજ પાનમ ડેમમાંથી ૫૦ હજાર ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું. હાલમાં વણાંકબોરી ડેમની સપાટી ૨૩૧.૫૦ મીટર છે, બંને ડેમમાંથી પાણીની આવક થતાં વણાકબોરી ડેમની સપાટી ૨૩૨ મીટર પહોંચવાની શક્યતા છે.
મહી નદીમાં વધતા જળસ્તરને લઈ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ અગમચેતીના ભાગરૂપે નદી કાંઠા વિસ્તારના બોરસદના ગાજણા, સલોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાંડ, દહેવાણ, બદલપુર અને વાલવોડ, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા આકલાવડી, રાજુપુરા, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ, આંકલાવ તાલુકાના ચમારા, બામણ ગામ, ઉમેટા, ખડોલ - ઉમેટા, સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસારમા, નવાખલ, ભેટાસી વાટા અને ગંભીરા મળી ૨૬ ગામોને એલર્ટ કરાયા છે.


