- રામકુંડના પાણીમાં હાથ-પગ ધોઈ દર્શનાર્થીઓ સોમનાથ મહાદેવ જાય છે
- ઠંડા પાણીના કુંડથી ગરમ પાણીના રામકુંડ જવાના વૉક-વેમાં ગંદકીના ઢગથી કોઈ જતું જ નથી
ખેડા : ખેડા જિલ્લાના પર્યટન સ્થળ કઠલાલના લસુન્દ્રા ગામ ખાતે આવેલા ઠંડા- ગરમ પાણીના કુંડ પાસે ભયંકર ગંદકીથી ગ્રામજનો તો વ્યથિત છે પરંતુ પર્યટકો પણ આવી દશા જોઇને દુઃખી થઇ જાય છે.
અત્યારે સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ સ્વછતા હી સેવા અંતર્ગત તા.૧૫/૯/૨૦૨૩ થી તા.૧૫/૧૦/૨૦૨૩ સુધી આ સેવા મિશન ચાલવાનું છે ત્યારે મિશન અર્બન સાથે મિશન સ્વચ્છ ટુરિઝમ યોજના પણ બનાવાય તે જરૂરી છે. દરરોજ મોટી સંખ્યામાં મુલાકાતી અહીં યાત્રા માટે આવે છે અને રામકુંડમાંથી ડોલ અને દોરડાની મદદથી પાણી ઉલેચી ખેંચી લાવી, ગરમ પાણીથી હાથ- પગ, મોઢું ધોઇને અહીં આવેલા પ્રાચીન સોમનાથ મહાદેવના દર્શને જાય છે. તેવા આ આસ્થા કેન્દ્રમાં પ્રવેશ સાથે ઠંડા પાણીના કુંડ આવેલા છે. અહીંથી ગરમ પાણીના રામકુંડ જવા વાક-વ બનાવેલો છે તેની વચ્ચે ગંદુ પાણી ભરાયેલું છે અને તે પાણીમાં કાગળ અને પ્લાસ્ટિક અને બોટલ જેવો કચરો સાથે માટી, લીલ અને વનસ્પતિથી ઠંડા- ગરમ બંને કુંડ વચ્ચેના રસ્તે કોઈ પણ તીર્થ યાત્રી જઈ ના શકે તેવી ગંદકી છે. આ પર્યટન સ્થળને કોર્નર કરેલી જગ્યામાં સ્વછતા રખાય અને બહારગામથી મોટી આશાએ આ સ્થળે મુલાકાતે આવતા શ્રદ્ધાળુંઓ અને સહેલાણીઓ માટે વધુ કોઈ નવી સુવિધા ના અપાય તો વાંધો નહીં પણ જે છે એને વ્યવસ્થિત અને સ્વચ્છ રખાય તેવી લાગણી પ્રવાસીઓની અને માંગણી ગ્રામજનોની છે.


