Get The App

ખેડા જિલ્લામાં પ્રવાસી શિક્ષકો 6 માસથી પગારથી વંચિત

Updated: Jan 11th, 2023

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં પ્રવાસી શિક્ષકો 6 માસથી પગારથી વંચિત 1 - image


- મોંઘવારીમાં શિક્ષકોની હાલત કફોડી બની

- સરકારી મેળાવડા તેમજ ઉત્સવો પાછળ લાખોનું આંધણને પગાર માટે ગ્રાન્ટના ઠેકાણા નથી !

નડિયાદ : શિક્ષણની ગુણવત્તા વધારવા શિક્ષણ ક્ષેત્રમાં ઘરખમ સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાની મસ મોટી વાતો કરવામાં આવી રહી છે. બીજી બાજુ ખેડા જિલ્લામાં સરકારી ઉચ્ચતર માઘ્યમિક શાળામાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકો છ છ માસથી પગારથી વંચિત છે. જેથી નજીવા વેતનમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકો કફોડી હાલતમાં મુકાયા છે. સરકાર દ્વારા ફરજિયાત શિક્ષણ માટે રાઇટ ટુ એજ્યુકેશન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળાઓમાં ડ્રોપ આઉટ રેસીયો ઘટાડવા તેમજ ગુણોત્સવ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં ૨૪ સરકારી શાળાઓ તેમજ ૨૫૮ ગ્રાન્ટેડ માઘ્મિક શાળાઓ આવેલી છે.આ શાળાઓ પૈકી મોટા ભાગની શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર તેમજ માઘ્યમિક વિભાગમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકોનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. તેના બદલે  પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરી વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

 આ પ્રવાસી શિક્ષકોને નજીવું વેતન આપવામાં આવે છે તે પણ આ પ્રવાસી શિક્ષકોને સમયસર પગાર પણ ચૂકવવામાં આવતો નથી. ખેડા જિલ્લામાં ઉચ્ચતર તેમજ માઘ્યમિક વિભાગમાં સંખ્યાબંધ પ્રવાસી શિક્ષકો ફરજ બજાવે છે. પ્રવાસી શિક્ષકોનો પગાર ચૂકવવા ગ્રાન્ટ ફાળવવામાં ધાંધિયા કરવામાં આવી રહયા છે. ઉચ્ચતર વિભાગના પ્રવાસી શિક્ષકો  છ છ માસથી પગાર મેળવવા કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે.પગાર ન મળતાં પરિવારનું જીવન નિર્વાહ તેમજ બાળકોની શાળાની ફી ક્યાંથી ચૂકવવી ની વિકટ સમસ્યા સર્જાઈ છે.ત્યારે સરકારી મેળાવડા મહોત્સવની ઉજવણી પાછળ થતાં બિનજરૂરી  ખર્ચા પર કાપ મૂકી બાળકોના ભાવિના ઘડતર માટે ગ્રાન્ટ ફાળવવા જાગૃત વાલીઓ માંથી સુર ઉઠવા પામ્યો છે. શિક્ષણ વિભાગના સત્તા ધિશો દ્વારા પ્રવાસી શિક્ષકોનો સમયસર પગાર ચૂકવવા ગ્રાન્ટ ફાળવવા લાગણી વ્યાપી છે.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં લોલમ લોલ વહીવટથી શિક્ષણ કથળ્યું !

ખેડા જિલ્લા શિક્ષણાધિકારી નો ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલ સાંભળી રહ્યા છે.પ્રવાસી શિક્ષકો ના પગાર બાબતે સંપર્ક કરતાં તેઓ દ્વારા ગ્રાન્ટ ન આવી હોય તો પગાર નહિ થયો હોય,ગ્રાન્ટ આવશે ત્યારે પગાર થશે જેવો એકદમ ઉડાઉ જવાબ સાંભળવા મળ્યો હતો.

3 હેડ ક્લાર્કનો કાર્યભાર એક હેડ ક્લાર્કના શિરે

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં બે હેડ કલાર્ક,એક સિનિયર કલાર્ક,એક ઓડિટર ગ્રુપના ક્લાર્કની જગ્યા ઘણાં સમયથી ખાલી છે.એક હેડ કલાર્ક છે જે માઘ્યમિક,મહેકમ તેમજ ગુણોત્સવ સહિત તમામ કામગીરી સંભાળી રહ્યા છે.મહેકમની ઘટની શિક્ષણની કામગીરી પર અસર જોવા મળે છે.

Tags :