Get The App

નડિયાદના પ્રગતિનગરના જર્જરિત ફ્લેટના રિડેવલોપમેન્ટનું કામ 5 વર્ષથી અટવાયું

Updated: Aug 11th, 2024

GS TEAM

Google News
Google News
નડિયાદના પ્રગતિનગરના જર્જરિત ફ્લેટના રિડેવલોપમેન્ટનું કામ 5 વર્ષથી અટવાયું 1 - image

- 8 ઓગસ્ટ, 2019 ના મકાન ધરાશાયી થતા 4 ના મોત થયા હતા

- 10 વખત ટેન્ડરિંગની પ્રક્રિયા પછી પણ કોઇ તૈયાર ન થયું : રહીશોએ આક્રોશ ઠાલવ્યો

નડિયાદ : ૮ ઓગસ્ટ, ૨૦૧૯નો દિવસ નડિયાદ માટે એક દુઃખદ દુર્ઘટના લઈને આવ્યો અને આ દુર્ઘટનામાં નડિયાદના પ્રગતિનગરના ફ્લેટ ધરાશાયી થતા ૪ લોકોના મૃત્યુ થયા હતા.  આજે આ ઘટનાને ૫ વર્ષ અને ૨ દિવસ પૂર્ણ થયા છે. પ્રગતિનગર, પુનેશ્વર સહિતના ફ્લેટ જર્જરીત થઈ ગયેલા હોવાથી તે વખતે તંત્રએ તમામ રહીશોના ફ્લેટ ખાલી કરાવ્યા હતા અને રહીશો આથક રીતે નબળા હોવા છતાં ભાડે રહેવા ગયા હતા. 

તે વખતે સ્થાનિક નેતાગીરી અને પ્રશાસન દ્વારા આ તમામ ફ્લેટોનું નવનિર્માણ કરવાની બાહેંધરી અપાઈ હતી અને તે આજદીન સુધી પૂરી કરી શક્યા નથી અને હવે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અહીંયા રહેનારા પરીવારોને દસ્તાવેજો કરવા માટે કેમ્પ શરૂ કરાયો છે અને ૭૫ ટકા લોકોનો દસ્તાવેજ થાય તો આગળની કાર્યવાહી થઈ શકશે, તેમ કેમ્પમાં પહોંચેલા ધારાસભ્યએ જણાવ્યુ હતુ.નડિયાદમાં એસ.ટી. નગરની પાછળ આવેલા પ્રગતિનગર અને પુનેશ્વર ફ્લેટની હાલત જર્જરીત બની છે. ૫ વર્ષ પહેલા પ્રગતિનગરમાં ફ્લેટ પડવાની દુર્ઘટના બની અને તેમાં એક પરીવારના ૨ સદસ્યો અને અન્ય ૨ એમ કુલ મળી ૪ના મૃત્યુ થયા હતા. આ ઘટનાને આજે ૫ વર્ષ જેટલો સમય થયો છે. દુર્ઘટના બની તે વખતે તો તંત્રએ તાત્કાલિક તમામ રહીશોને ફ્લેટ ખાલી કરવા મજબૂર કર્યા હતા અને તે બાદ રહીશો ભાડે રહેવા માટે જવા મજબૂર બન્યા હતા. આ વખતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ અત્રે આ ફ્લેટોના નવનિર્માણનું સ્વપ્ન રહીશોને બતાવ્યુ હતુ અને તે પછી તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હોવાનો લેટર પણ રજૂ કર્યો હતો. જો કે, આ તમામ ઘટનાઓને વર્ષો વીતી જવા છતાં હજુ સુધી અહીંયા નવનિર્માણ માટે એક ઈંટ સુદ્ધા મુકાઈ નથી. આ માટે ૧૦ વખત ટેન્ડર પ્રક્રિયા કરવા છતાં કોઈ ઈજારદારે રસ દાખવ્યો નથી અને તેના પરીણામે ૧૧મી વખત ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવશે, તેમ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આજે અહીંયા એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ હતુ. જો કે, આ નવનિર્માણ પહેલા ૭૫ ટકા રહીશોએ દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, તેમ જણાવ્યુ છે. ૭૫ ટકા રહીશોની મંજૂરી જરૂર હોય, મુખ્યમંત્રી દ્વારા વહેલીતકે દસ્તાવેજ અને વારસાઈ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જણાવ્યુ હોવાનું પણ સ્થળ પર ધારાસભ્યએ જણાવ્યુ હતુ. ત્યારે જ-તે સમયે ચૂંટણી પૂર્વે રહીશોને દિલાસો આપી અને મોટી જાહેરાતો કર્યા બાદ હવે ટેકનીકલ કારણો દર્શાવી અને ફ્લેટના નવનિર્માણમાં વિલંબ થઈ રહ્યો છે. જેના પરીણામે અહીંયા રહેતા પરીવારોની ધીરજ ખૂટી છે અને તેમણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ, વડોદરા દ્વારા યોજાયેલા કેમ્પમાં રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો માટે મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલિયરન્સ સેલની જૂની યોજનામાં તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી બાકી હપ્તાની પેનલટી માં ૧૦૦% માફી આપી દસ્તાવેજ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો.