Get The App

ગ્રામસભામાં ગ્રામજનો હાજર રહ્યાં પણ અધિકારી, સરપંચ કે સભ્યો ફરક્યા જ નહીં

Updated: Dec 31st, 2021

GS TEAM

Google News
Google News
ગ્રામસભામાં ગ્રામજનો હાજર રહ્યાં પણ અધિકારી, સરપંચ કે સભ્યો ફરક્યા જ નહીં 1 - image


- ગળતેશ્વરના ફતેપુરા ગામે એકપણ ઉચ્ચ અધિકારી ન આવ્યા

- ડાભસર ગામમાં પણ અધિકારીઓની ગેરહાજરીને કારણે ગ્રામસભાનો બહિષ્કાર કરાયો

નડિયાદ : ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગામે આજે  યોજાયેલ ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી હતી.એકપણ ઉચ્ચ અધિકારી આ ગ્રામસભામાં હાજર ન રહેતા આખરે આ નિર્ણય લેવાયો હતો.  જો કે આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ અધિકારીઓની ગેરહાજરીનેકારણે એકપણ સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. 

જ્યારે તાલુકાના ડાભસર ગામે પણ સરકારી અધિકારીઓની અનઉપસ્થિતિને કારણે યોજાયેલ ગ્રામસભા ફ્લોપ થઇ હતી. જો કે આજે તાલુકામાં આવી રહેલા રાજ્યપાલની સેવામાં અધિકારીઓ હોવાથી ગ્રામસભામાં હાજરી ન હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. 

ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગ્રામ પંચાયતમાં આજરોજ ગ્રામસભાનુ આયોજન કરાયુ હતુ.જેમાં સવારે ૯.૦૦ કલાકે ગ્રામ પંચાયત કચેરી ફતેપુરા ખાતે ગ્રામજનોને હાજર રહેવા જણાવ્યુ હતુ.સરકારી એજન્ડા મૂજબ ગ્રામજનો સમયસર પહોંચી ગયા હતા પરંતુ ઉચ્ચ અધિકારીઓ,ગામના ચાલુ સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે કોઇ સભ્યો એ બાજુ ફરકયા ન હતા. આથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને આ મીટીંગ અને ગ્રામસભાનો બહીષ્કાર કર્યો હતો.વળી આ મીટીંગ અને ગ્રામસભા ફરીવાર યોજવામાં આવે તેવી માંગણી કરી છે. અધિકારી કે સરપંચની ગેરહાજરીમાં  ગ્રામજનોએ અનેક  મૂદ્દાઓ અને ગામના કેટલાક પાયાના પ્રશ્નો અંગેની ચર્ચા કરી હતી.

તાલુકા વિકાસ અધિકારીએ કલાકો સુધી જવાબ ના આપ્યો

આ બનાવ અંગે ફતેપુરા ગામના નવા ચૂંટાયેલા સરપંચ મહેશભાઇ રાઠોડે તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરી આજે ફતેપુરાની ગ્રામ સભામાં એક પણ સરકારી અધિકારી કેમ આવ્યા નથી? તેમ પૂછ્યું હતું. જેના જવાબમાં  તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે અમે તો જે તે કર્મચારીઓને આ સભામાંહાજર રહેવાનું પરિપત્ર આપી દીધો હતો. પરંતુ તેઓ ગ્રામસભામાં કેમ આવ્યા નથી તે કર્મચારીને ફોન કરી પૂછીને જણાવુ છુ,આ વાતચીતના કલાકો સુધી રાહ જોયા બાદ અને અનેકવખત ટેલિફોનિક સંપર્ક કરવા છતા તાલુકા વિકાસ અધિકારીએ કોઇ પ્રત્યુતર આપ્યો ન હોવાનુ સરપંચે જણાવ્યુ હતુ.

ડાભસરમાં ફક્ત 5 વ્યક્તિ હાજર રહેતા ફિયાસ્કો

ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામના ઓટલા પર ગ્રામસભા યોજાઇ હતી.નવનિયુક્ત સરપંચ દિલીપભાઇના પ્રમુખ સ્થાને ફક્ત છ ગ્રામજનોની હાજરીમાં આ સભા યોજાઇ હતી. ઓછી સંખ્યાના કારણે સમગ્ર સભા ફલોપ શો સમાન બની હતી. એકપણ મૂદ્દાની ચર્ચા વગર ગ્રામસભાનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

Tags :