Get The App

ડાકોર પાલિકામાં વોર્ડ નંબર-1 અને 5 ના રહીશોનો હલ્લાબોલ

Updated: Aug 17th, 2024

GS TEAM

Google News
Google News
ડાકોર પાલિકામાં વોર્ડ નંબર-1 અને 5 ના રહીશોનો હલ્લાબોલ 1 - image

- અનેક રજૂઆતો છતાં સમસ્યા યથાવત્

- પીવાના દુષિત પાણી અને ઉભરાતી ગટરો અંગે ઉકેલ ન આવતા રોષ

ડાકોર : ડાકોર નગરપાલિકાના વોર્ડ નં.૧ અને પાંચના રહિશોએ પીવાના દુષિત પાણી અને ગટર ઉભરાવાની સમસ્યા અંગે શુક્રવારે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમજ હલ્લાબોલ કરી ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, ચીફ ઓફિસર પાલિકામાં હાજર ન હોવાથી સ્થાનિકોએ ઓફિસ સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરી હતી. 

ડાકોરના મંડોળા ફળીયું, ભાથીજી ફળીયું, ભોઈ વાડો, નવીનગરી, ઈન્દિરા નગરી સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી પીવાનું પાણી દુષિત આવતું હોવા સાથે ગટરોના ગંદા પાણી જાહેર માર્ગ ઉપર રેલાતા હોવાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. 

પાલિકના વોર્ડ નં.૧ અને ૫માં વસવાટ કરતા ૫ થી ૬ હજાર જેટલા સ્થાનિકોને ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી મહાદેવના દર્શને જતા ભક્તોને પણ ગટરના પાણીમાંથી પસાર થવાની ફરજ પડી છે. દુષિત પાણી અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. 

આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકામાં વારંવાર  લેખિત રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તેમજ અન્ય વિસ્તારમાં સમસ્યા ઉદભવે તો પાલિકા દ્વારા સત્વરે ઉકેલ લાવવામાં આવે છે પરંતુ વોર્ડ નં.૧ અને પાંચ સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ હાલમાં ડાકોરમાં ઈન્ચાર્જ ચીફ ઓફિસર હોવાથી વહીવટી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાના આક્ષેપ અરજદારોએ લગાવ્યા હતા. 

સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. જોકે, ઈન્ચાર્જ ચીફ ઓફિસર રાજેશભાઈ રબારી હાજર મળી ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને ઓફિસ સુપ્રિટેન્ડન્ટને સમસ્યા અંગે રજૂઆત કરી હતી.