અમૃત મહોત્સવની અનોખી ઉજવણી આઝાદીનો ઇતિહાસ રજૂ કરાયો
- મહેમદાવાદ તાલુકામાં બીઆરસી ભવનમાં
- ૭૫ ફૂટ લાંબો ચિત્રસંગ્રહ અને ઇતિહાસ રજૂ કરાયો : શાળાઓમાં નિબંધ સ્પર્ધાઓ યોજાઈ
મહેમદાવાદ : મહેમદાવાદ તાલુકામાં બી. આર. સી ભવન ખાતે અમૃત મહોત્સવની અનોખી ઉજવણી કરાઇ હતી.સમગ્ર દેશમાં ૧૨ મી માર્ચથી આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અમૃત મહોત્સવ તરીકે કરવામાં આવી રહ્યો છે.
અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે મહેમદાવાદ તાલુકાની જુદી જુદી શાળાઓમાં નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં જુદા જુદા વિષયો જેવાકે મારા પ્રિય સ્વાતંત્ર્યસેનાની,મારૂ યોગદાન, આઝાદી બાદની ભારતની સિધ્ધિઓ, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાત અને ગુજરાતીઓ, લોકશાહીની સાચી સંકલ્પના, દાંડીકૂચ એક અમરયાત્રા પર બાળકો દ્વારા નિબંધ લેખન કરવામાં આવ્યુ હતુ.તેમ જ શિક્ષકો દ્વારા આ અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ઉપરાંત ઓનલાઇન કાર્યક્રમમાં દાંડીકૂચ ઉપર એક સેમીનાર યોજવામાં આવ્યો હતો.
બી.આર.સી ભવન ખાતે બ્લોક સ્ટાફ દ્વારા ૭૫ ફુટ લંબાઇ ધરાવતો આઝાદીના ઇતિહાસ તૈયાર કરવામાં આવ્યો હતો.જેમાં જુદા જુદા ચિત્રો દોરવામાં આવ્યા હતા.તથા સ્વાતંત્ર્યસેનાનીઓ અને દેશનેતાઓની માહિતી લખવામાં આવી હતી.તેમજ આઝાદી સમયે બનેલી ઐતિહાસીક ઘટનાઓ રજૂ કરતુ ૭૫ ફુટ લાંબો ચિત્રસંગ્રહ તૈયાર કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. એસ. અંસારી, બી.આર.સી દિપકભાઇ સુથાર દ્વારા તમામ ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા.