- સાતમે ઠાકોરજીને સવાશેર સૂંઠ ધરાવાઈ : મંદિર પરિષદ રોશનીથી શણગારાયું
- રાતે 12 કલાકે ભગવાનને અભીયંગ સ્નાન કરાવી સવા લાખનો મુગટ ધરાવાશે મંગળવારે 9 વાગે મંગળા, શણગાર આરતી બાદ નંદમહોત્સવ ઉજવાશે
ડાકોરમાં સાતમને તા. ૨૫મીને રવિવારે ઉત્થાપન આરતી બાદ ઠાકોરજીને સવાસેર સુંઠ ધરાવવામાં આવી હતી. તા.૨૬મીને સોમવારે ડાકોરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. ત્યારે ડાકોરમાં ઠેર ઠેર મટકીફોડના આયોજન કરાયા છે. બીજી તરફ સોમવારે સવારે ૬.૩૦ વાગ્યે ડાકોર મંદિર ખૂલી ૬.૪૫ કલાકે મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર ઠાકોરજીની સેવા પૂજા સાથે દર્શન ખૂલ્લા રહેશે. જેમાં સવારે ઠાકોરજીને કેસર પંચામૃત સ્નાન બાદ અલંકારી આભૂષણો ધરાવવામાં આવશે. બપોરે ૧ વાગ્યે ઠાકોરજી પોઢી જશે. બાદમાં સાંજે ૪.૪૫ કલાકે મંદિર ખૂલી ૫ કલાકે ઉત્થાપન આરતી બાદ નિત્યક્રમાનુસાર શયનભોગ- સખડીભોગ ધરાવાશે. ઠાકોરજીને કેવડાનો મુગટ પણ ધરાવવામાં આવશે. રાતે ૧૨ કલાકે ઠાકોરજીને ઉત્સવ તિલક કરીને અભીયંગ સ્નાન કરાવાશે. ઠાકોરજીને પંચાજીરીનો પ્રસાદ, માખણ- મિસરીનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે. ત્યાર બાદ ઠાકોરજીને વર્ષો પહેલાનો સવા લાખનો મુગટ પહેરાવાશે. પછી સોનાના પારણાનું અધિવાસન કરી ગોપાલલાલજીને ઠાકોરજીની આજ્ઞાામાળા ધારણ કરાવીને સોનાના પરાણે ઝૂલાવાશે. આમ સોમવારે બપોરે ૪.૪૫થી મંગળવાર વહેલી સવારે ૬ વાગ્યા સુધી મંદિર ભક્તો માટે ખૂલ્લુ રહેશે.
સવારે ઠાકોરજીને ભોગ ટેરા કરી પોઢાડી દેવામાં આવશે. તા. ૨૭મીને મંગળવારે નંદમહોત્સવ ઉજવાશે. જેમાં સવારે ૮.૪૫ કલાકે નીજમંદિર ખૂલી ૯ કલાકે મંગળા આરતી, નિત્ય સેવાપૂજા બાદ શણગાર આરતી કરી નંદમહોત્સવ ઉજવાશે. બંને દિવસ બહારના રાજભોગ બંધ રહેશે.


