Get The App

માંઘરોલીમાં ગેરકાયદે વૃક્ષો વેચનાર સરપંચને હોદ્દા પરથી દૂર કરાયાં

Updated: Sep 14th, 2024

GS TEAM

Google News
Google News
માંઘરોલીમાં ગેરકાયદે વૃક્ષો વેચનાર સરપંચને હોદ્દા પરથી દૂર કરાયાં 1 - image

- ખેડા જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ

- સરપંચના પતિ વહીવટ કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજને ફરિયાદ કરી હતી

નડિયાદ : નડિયાદ તાલુકાના માંઘરોલી ગામે સરપંચે મંજૂરી વિના ગેરકાયદે વૃક્ષો વેચી દીધા હોવાની ખેડા જિલ્લા અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે તપાસના આધારે ડીડીઓએ મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા હુકમ કર્યો છે. 

માંઘરોલી ગામના સરપંચ રીટાબેન સોલંકીના સ્થાને તેમના પતિ કીરણસિંહ સરપંચ તરીકેનો વહીવટ કરતા હોવાના અને સરપંચના પતિના અધ્યક્ષસ્થાને જ ગ્રામસભા યોજાતી હોવાના તથા મંજૂરી વિના વધુ વૃક્ષો કાપીને વેચી નાખ્યા હોવાના આક્ષેપ સાથે ગામના રહિશ મોતીસિંહ ચૌહાણ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી. 

આ અંગે તંત્ર દ્વારા તપાસ કરતા સરપંચ દ્વારા ગામમાં ૧૧ સ્થળે ૧૮૨ વૃક્ષો કાપવાની મંજૂરી મળી હતી. જે પૈકી પાંચ સ્થળે હરાજી પ્રક્રિયા થઈ હતી, જેમાં ૫૦થી વધુ વૃક્ષ કપાયા છે. જ્યારે અંધારીવાળા રોડ ઉપર ૩૦ વૃક્ષ કાપવાની પરવાનગી અપાઈ હતી, જેમાં હરાજીની પ્રક્રિયા બાકી હોવા છતાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સરપંચને નોટિસો પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જે અંગે સરપંચ યોગ્ય ખુલાસો કરી શક્યા ન હતાં.જેથી ડીડીઓ એસ.ડી. વસાવાએ સરપંચને હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરવા હુકમ કર્યો છે.