ચકલાસીના મુખ્યદ્વારથી પાલિકા સુધીનો રસ્તો એક વર્ષમાં બિસ્માર
- નબળી ગુણવત્તાનો માલસામાન વપરાયાનો આક્ષેપ
- કોન્ટ્રાક્ટરના ખર્ચે માર્ગનું સમારકામ કરાવવા રોષે ભરાયેલા લોકોની માગણી
ચકલાસી મેઇન ગેટ થી નગરપાલિકા સુધી નો રસ્તો દેસાઈ કન્ટ્રકશન દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ રોડ બનાવ્યાના એક વર્ષમાં જ ઉબડખાબડ હાલતમાં ફેરવાયો છે. ત્યારે રસ્તામાં હલકી ગુણવત્તાના મટીરીયલ વાપરવામાં આવ્યા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. હાલમાં ઠેર ઠેર રોડ પર મોટા મોટા ભયજનક ખાડા પડી ગયેલા છે. આ રસ્તા પર દવાખાના, સ્કૂલ, માર્કેટ યાર્ડ, નગરપાલિકા વગેરે હોવાથી લોકોને આવવા જવામાં ખુબ તકલીફોનો સામનો કરવો પડે છે.
નગરપાલિકાની સામેથી પસાર થતા રોડ પર ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે. આ ઉપરાંત શહેરના અન્ય માર્ગો પર બિસ્માર હાલતમાં જોવા મળે છે. બિસ્માર રસ્તાઓના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે પાલિકાના સત્તાધિશો તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ બિસ્માર રોડના મુદ્દે ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનો રોષ લોકોએ ઠાલવ્યો છે. તેમજ આ રોડ બનાવનાર એજન્સીના કોન્ટ્રાકટરના ખર્ચે રોડનું સમારકામ કરાવવા નગરજનોમાંથી માંગ ઉઠી છે.