નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી કેદી ફરાર ગણતરીના કલાકોમાં સામેથી હાજર થઇ ગયો
- પ્રોહિબિશનના ગુનાનો આરોપી હતો
- સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ પોલીસ કર્મીઓને ધક્કો મારી ભાગી ગયો હતો
નડિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાનો આરોપી સાહિલ ઉર્ફે જવો અર્જુનભાઈ માળી (રહે ગોત્રી, દિવાળીપુરા કોટ પાછળ, વડોદરા) ની અટક કર્યા બાદ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
જેને પગલે સાહિલને નડિયાદ જિલ્લા જેલ બિલોદરા ખાતે કાચા કામના કેદી તરીકે ખસેડવામાં આવ્યો હતો. સાહિલની તબિયત નાદુરસ્ત હોવાથી બે જાપ્તા પોલીસ કર્મીઓ સાથે તેને નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ગુરૂવારના રોજ સાહિલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. સાંજના સમયે ફરજ પરના નર્સ દ્વારા આરોપીને નીચેના માળે ડોક્ટરને બતાવવાનું છે તેમ કહેતા હાજર પોલીસકર્મી શૈલેષભાઈ ચૌહાણ અને કાલિદાસભાઈ સાહિલને લઈને તબીબની ચેમ્બર તરફ જઈ રહ્યા હતા આ સમયે દાદરા ઉપર સાહિલે પોલીસને ધક્કો માર્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
જોકે પોલીસ કર્મચારી તેને પકડવા દોડયા હતા, પણ આ દરમિયાન તેમનો પગ લપસી જતા તેઓ જમીન પર પટકાયા હતા. જે તકનો લાભ લઈને સાહિલ આસાનીથી ફરાર થઈ ગયો હતો. ઘટના મામલે પોતાના ઉપલા અધિકારીને જાણ કર્યા બાદ આ મામલે શૈલેષભાઈ ચૌહાણ દ્વારા નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી કેદીઓ ફરાર થયાની ઘટનાઓ બની છે. હાલમાં પોલીસ દ્વારા ફરાર થયેલા કેદીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન કેદી સામેથીહાજર થયો હતો.
કેદી સામેથી હાજર થઈ ગયો
આ બાબતે નડિયાદ ટાઉન પી.આઈ. એ જણાવ્યું કે, ફરાર કેદી સાહિલ પોતાની જાતે જ હાજર થઈ જતા તેની અટક કરીને તેને જેલમાં પરત મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.