Get The App

લુણાવાડાના લાલ લસણના ભાવ કિલોએ 300 થી 400 એ પહોંચ્યા

Updated: Dec 20th, 2023

GS TEAM


Google News
Google News
લુણાવાડાના લાલ લસણના ભાવ કિલોએ 300 થી 400 એ પહોંચ્યા 1 - image


- રસોઈમાં ટેસ્ટ લાવતું લસણ ખરીદીમાં ફિકું પડયું

- એક કળીવાળા લસણનો ભાવ કિલોએ 1,000 રૂપિયા થયો : હાલ 347 હેક્ટરમાં લસણનું વાવેતર

વિરપુર : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા તાલુકો અને આસપાસના પંથકમાં થતું લાલ લસણ દૂર દેશાવર સુધી પ્રખ્યાત છે. કહેવાય છે કે, લસણ વગરનો સ્વાદ નકામો તેમ કહેવાય છે. તેમાં પણ લુણાવાડાના લાલ લસણનો સ્વાદ જ કાંઈક ઓર હોય છે. ત્યારે હાલ ૩૪૭ હેક્ટરમાં લસણનું વાવેતર થયું છે અને હજું વાવેતર ચાલુ જ છે. ગત વર્ષે ઓછું ઉત્પાદન થતાં ૧૫૦ રૂપિયે કિલો વેચાતા લાલ લસણના ૩૦૦થી ૪૦૦ રૂપિયે કિલોએ ભાવ પહોંચ્યા છે. જેમાં એક કળીવાળું લસણ ૧,૦૦૦ રૂપિયે કિલો વેચાય છે. 

લુણાવાડાના લાલ લસણનો સ્વાદ જ કઈક ઔર છે. લસણના વાવેતર માટે અનુકૂળ એવી થોડી હલકી, ગોરાડુ, મધ્યમ કાળી, સારી નિતાર શક્તિ ધરાવતી તથા વધુ સેન્દ્રિય તત્વોવાળી જમીન છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનો લસણના પાક માટે વાવેતર માટેનો આદર્શ સમય છે. લસણની ખેતીમાં આ વિસ્તારની પિયત વ્યવસ્થા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. લસણનો પાક રોપણી બાદ અંદાજે ૪થી ૫ માસમાં તૈયાર થાય છે. લીલા લસણની ખેતીમાં લસણ એક મહિનાનું થયા પછી બજારમાં વેચાણ માટે આવતું હોય છે. જેથી હાલ લીલું લસણ પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે. ગત વર્ષે ૩૩૭ હેક્ટરમાં ૨૭૦૭ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. ત્યારે હાલ ૩૪૭ હેક્ટરમાં વાવેતર થયું છે અને હજું વાવેતર ચાલુ જ છે. ત્યારે  ગત વર્ષે ઓછું ઉત્પાદન થતાં ૧૫૦ રૂપિયે કિલો વેચાતું લાલ લસણ ૩૦૦ અને ૪૦૦ રૂપિયે કિલોએ પહોંચ્યું છે અને એક કળીવાળું લસણ ૧૦૦૦ રૂપિયે કિલોએ વેચાય છે. ત્યારે ભાવ વધતા રસોઈમાં ટેસ્ટ લાવતું લસણ ખરીદી માટે ફિકું પડયું હોય તેમ લાગી રહ્યું છે. 

એપ્રિલમાં નવું લસણ આવતા ભાવ ઘટશે : વેપારીઓ

ગત વર્ષે વાવેતર ઓછું થયું અને સરકારે લસણની નિકાસ વધુ કરી છે, જેને લઈ લસણના ભાવમાં વધારો થયો છે. એપ્રિલ મહિનામાં નવું લસણ આવશે ત્યારે ભાવ ઘટશે તેવું લુણાવાડાના સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે.

શિયાળામાં મીક્સ ચટણી બનાવાય છે

ઘણાખરા લોકો શિયાળાની સવારમાં ધીમાં શેકી મીઠું નાંખી ખાતા પણ હોય છે. ઉપરાંત ફુદીનો, ધાણા, મરચું, લસણ, સીંગદાણા ની મીક્ષ ચટણી બનાવી ચટણીના સ્વાદનો ચટાકો પણ જમવા સાથે લેતા હોય છે. 

લસણના તેલ, પાઉડરની વિદેશમાં ઊંચી માગ

જિલ્લામાં લસણની સાથે આદુનો પણ પાક મોટા વિસ્તારમાં થાય છે. લસણમાંથી નીકળતું તેલ વ્યાપારિક ધોરણે ખૂબજ મહત્વનું છે. પરદેશમાં સુકુ લસણ તથા લસણના પાવડરની ઊંચી માંગ છે.

Tags :