માતરની જીઆઇડીસીમાંથી પ્રતિબંધિત બાયોડીઝલ બનાવવાનો પ્લાન્ટ ઝડપાયો
- મોરબી, માતર, ખેડા અને અમદાવાદના ચાર આરોપીની ધરપકડ : 2 ફરાર
- ખોડીયાર ચોકડી પાસેથી 14.40 લાખની કિંમતનું 24 હજાર લીટર બાયોડીઝલ અને જીઆઇડીસીમાંથી 14.39 લાખનો 23,900 લીટર કેમિકલનો જથ્થો જપ્ત : પોલીસે 2.62 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો
ખેડા એલ.સી.બી. પોલીસ તથા પેરોલ ફ્લો સ્કવોર્ડના જવાનો માતર પંથકમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન એલસીબી પોલીસને રધવણ ચોકડી પાસે બાતમી મળી હતી કે માતર જીઆઇડીસીમાંથી એક ટેન્કરમાં જવલનશીલ બાયોડીઝલ ભરી માતર ખોડીયાર ચોકડી થઈ રાજકોટ તરફ જવાનું છે. બાતમીના આધારે એલસીબી તથા પેરોલ ફલો સ્ક્વોડના જવાનોઓએ માતર ખોડીયાર ચોકડી પાસે ઉભા હતા.
દરમિયાન બાતમી વાળુ ટેન્કર આવતા પોલીસે તેને સાઈડમાં ઉભી રખાવી ચાલકની પૂછપરછ હાથ ધરતા તેમણે પોતાનું નામ અબ્બાસ ભાઈ ઉર્ફે મુન્નો નૂર મોહમ્મદ ઠેબા (સિંધી મુસલમાન, ઉ.વ.૩૭, રહે. મીતાણા તા. ટંકારા, જિ. મોરબી) તથા ફઝલ ફિરોજ ભાઈ મોદન (ઉં.વ.૨૪, રહે. અમદાવાદ શાહ આલમ) હોવાનું જણાવ્યું હતું. ટેન્કરમાં ભરેલું પ્રવાહી બાબતે પૂછપરછ કરતાં શંકાસ્પદ જવલનશીલ બાયોડીઝલ પ્રવાહી ભરેલ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ચાલક પાસે પરમીટ બિલ માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે ટેન્કરમાંથી ૨૪ હજાર લીટર બાયોડીઝલ કિં.રૂ. ૧૪.૪૦ લાખ, ટેન્કર કિંમત રૂ. ૮ લાખ, મોબાઇલ ફોન તથા રોકડ રૂ.૧૦,૫૫૦ સહિતનો ૨૨,૫૦,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ જથ્થો ક્યાંથી ભર્યું હોવાનું પૂછતા તેમણે માતર જીઆઇડીસી પ્લોટ નંબર ૩૧ એમ.આર. લુબ ઇન્ડસ્ટ્રીઝમાંથી ભરી લાવ્યા હોવાની કબુલાત કરી હતી. એલસીબી પોલીસે સ્થળ તપાસ કરતા પ્રતિબંધિત બાયોડિઝલ બનાવવાનું યુનિટ મળી આવ્યું હતું. પોલીસે દરોડો પાડી તોસીબ ખાન મજીદ ખાન પઠાણ (માતર) તથા સહેજાદ આલમ અબ્દુલ વાહીદ અન્સારી (ખેડા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે યુનિટમાંથી ૨૩,૯૦૦ લીટર બાયોડીઝલ બનાવવાનું પ્રવાહી કિંમત રૂ.૧૪.૩૪ લાખ તેમજ ૨,૨૫,૦૦,૦૦૦ની મશીનરી મળી આવી હતી. પોલીસે બંને સ્થળ પરથી ૨૮.૭૪ લાખની કિંમતનું ૪૭,૯૦૦ લીટર બાયોડીઝલ, આઠ લાખનું ટેન્કર, ૫૫ હજારના બે મોબાઇલ, રૂ. ૫૫૦૦ રોકડા સહિત કુલ રૂ. ૩૭,૩૪,૫૫૦નો મુદ્દામાલ તેમજ પ્રતિબંધિત બાયોડીલ બનાવવામાં વપરાતી ૨,૨૫,૦૦,૦૦૦ની મશીનરી મળી કુલ ૨.૬૨ કરોડનો મુદ્દામાલ કબજે લીધો છે. જ્યારે યુનિટના ભાગીદાર ઝુનેદ ભાઈ સીરાજ ભાઈ મોદન (રહે રહે. અમદાવાદ શાહ આલમ) તથા ફિરોજભાઈ (રહે. બજરંગવાડી, રાજકોટ) સ્થળ પર મળી આવ્યા ન હતા.આ બનાવ સંદર્ભે માતર પોલીસે મોરબીના અબ્બાસ ઠેબા, અમદાવાદના ફઝલ મોહન, માતરના તોસીબ ખાન પઠાણ તથા ખેડાના શહેઝાદ આલમ અન્સારી સામે આવશ્યક ચીજવસ્તુ ધારા તથા વિસ્ફોટક અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મુદ્દામાલ સીઝ કરી માતરના મામલતદારને બોલાવી પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસ પ્રતિબંધિત બાયોડિઝલ બનાવવામાં વપરાતુ કેમિકલ ક્યાંથી મેળવતા હતા, કોને માલ ડિલિવરી કરતા હતા તે તમામ વિગતો એકઠી કરરી રહી છે.