મેનેજરે 2 વર્ષ પૂર્વે પણ 40 હજારની ઉચાપત કરી હતી
- - ડાકોર ટેમ્પલ કમિટીના પૂર્વ મેનેજર સામે લાખો રૃપિયાની ઉચાપત મામલે ફરિયાદ
- પૂર્વ મેનેજરે ફરજ દરમિયાન પગાર નામે ટ્રસ્ટના રૃા. ૫,૦૭,૯૭૨નો દુરૃપયોગ કર્યાનું ઓડિટમાં બહાર આવતા એકાઉન્ટન્ટ દ્વારા ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
નડિયાદ, તા.6 જૂન 2020, શનિવાર
સુપ્રસિધૃધ યાત્રાધામ ડાકોરના પુર્વ મેનેજર વિરુદ્ધ આજે ફરી વખત લાખો રૃપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ડાકોર ટેમ્પલ કમિટીના એકાઉન્ટન્ટ દ્વારા ડાકોર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ પણ આ જ મેનેજર વિરુદ્ધ ડાકોર ટેમ્પલના તત્કાલીન કેશીયરે ૪૦,૦૦૦ની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. ઉપરાંત આ મેનેજર દ્વારા વિવિધ સંસૃથાઓમાં લાખો રૃપિયાની ઉચાપત કર્યાની ફરિયાદો હજુ પણ ચાલી રહી હોવાની ચર્ચા ડાકોરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. આજે નોંધાયેલ ફરિયાદ અંગે ડાકોર પોલીસે મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડાકોર ટેમ્પલ બોર્ડમાં તા. ૯-૫-૨૦૧૭ થી તા. ૨૯-૩-૨૦૧૮ દરમ્યાન મેનેજર તરીકે રૃપેશકુમાર પ્રફુલચંદ્ર શાસ્ત્રી ફરજ બજાવતા હતા. ટેમ્પલ કમિટી દ્વારા તેઓને માસિક રૃા. ૧ના માનદ વેતનથી નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓએ તા. ૯-૫-૨૦૧૭ થી તા. ૨૯-૩-૨૦૧૮ સુધી મેનેજર તરીકે ફરજ બજાવી હતી અને તા. ૨૯-૩-૨૦૧૮ના રોજ તેમને મેનેજર પદેથી ફરજ મુક્ત કર્યા હતા. રૃપેશભાઈએ તેમના કાર્યકાળ દરમ્યાન કોઈપણ પ્રકારનો ઠરાવ કર્યા વગર પોતાની સત્તાનો દુરુપયોગ કરી ટ્રસ્ટના રૃા. ૫,૦૭,૯૭૨ જેટલા નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનું ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું છે. રૃપેશભાઇને માસિક રૃ.૧ના વેતનથી નિમણુંક અપાઇ હતી. તેમ છતાં દર મહિને પગારના નામે લાખો રૃપિયા ગેરકાયદેસર રીતે ઉપાડી ગોલમાલ કરી હોવાનું બહાર આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે સ્પેશ્યલ ઓડિટ કરાવવામાં આવ્યું હતું. આં ઓડિટ રીપોર્ટ ના અનુક્રમ નં. ૧૮ પ્રમાણે રૃપેશભાઈ શાસ્ત્રીએ તેઓના સમયગાળા દરમિયાન રૃા. ૫, ૦૭,૯૭૨ ઉપાડેલા છે. વળી આ દરમ્યાન તેમને લખાવેલા મીટીંગની પ્રોસીડીંગ બુકમાં તેમની સહિ તેમજ ચેરમેનના લખાવેલ ઠરાવોમાં ક્યાંય તેઓના પગાર બાબતના કોઈપણ ઠરાવ થયેલા જણાતા નથી તેવું ઓડિટમાં જાહેર થયું છે. ઓડિટરે આ નાણાંની ઉચાપત થયેલાનું ઓડિટ રિપોર્ટમાં જાહેર કર્યું છે. આ ઉચાપત અંગે ડાકોર ટેમ્પલ કમિટીના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ રાકેશકુમાર પ્રાણલાલ દવેએ આજે ડાકોર પોલીસ મથકે રૃપેશભાઈ પ્રફુલચંદ્ર શાસ્ત્રી વિરૃધૃધ ફરિયાદ નોંધાવી છે. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી રૃપેશભાઇ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીએ અગાઉ સુરેન્દ્રનગર, ખંભાતમાં ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મૂળ અમદાવાદના રૃપેશભાઇ પ્રફુલ્લચંદ્ર શાસ્ત્રી ૯મી મે ૨૦૧૭ના રોજ ડાકોર ટેમ્પલ કમીટીમાં મેનેજર તરીકે નિયુક્ત થયા હતા. આ અગાઉ મળતી અનૌપચારિક માહિતી મુજબ તેઓ અમદાવાદના કોઇ અન્નક્ષેત્રમાં સેવા આપતા હતા. જ્યાં પણ તેમને ઉચાપત કરી હતી અને અમદાવાદમાં ફરિયાદ નોંધાઇ હતી. માત્ર ૧૧ મહિના ડાકોર મંદિરમાં મેનેજરની ફરજ દરમ્યાન અહીં પણ તેમની નાણાંકીય ગોલમાલ બહારઆવીહતી. આાથી મંદિર કમીટી દ્વારા તેમને ૨૯ માર્ચ,૨૦૧૮ના રોજ પદભ્રષ્ટ કર્યા હતા. તે પછી તેમના વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે તત્કાલીન કેશીયરે ૪૦,૦૦૦ રૃપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં તેમને જામીન ન મળતા ડાકોર પોલીસ મથકે આ ૪૦,૦૦૦ રૃપિયા જમા કરાવી દીધા હોવાની માહિતી અનૌપચારિક રીતે મળી છે. આ અગાઉ તેમને સુરેન્દ્રનગરમાં અંદાજે ૩૨ લાખ, ખંભાત ગોલાણામાં અને ડાકોરમાં મોટી રકમની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાયેલી છે.