- ડાકોર પાસે શેઢીના કિનારે પખવાડીયા પહેલા
- મંદિરમાં સફાઈ કરતો શખ્સ મહેનતાણાથી નાખુશ હોવાથી ચોરી કર્યાની કબુલાત
ડાકોર-ઉમરેઠ રોડ પર શેઢી નદીના કિનારે આવેલા શનિદેવ મંદિરમાં કોઈ શખ્સે શનિદેવની મૂર્તિ ખંડિત કરી, દાનપેટીમાંથી ચોરી કરીહતી. તેમજ મંદિર પરિસરમાં આવેલું પીપળાનું ઝાડ કાપી નાખ્યું હતું. આ અંગે ડાકોર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસ, એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ અલગ ૧૦ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાતા આ શખ્સનો ફોટો ખેડા, દાહોદ અને પંચમહાલ જિલ્લાના જાહેર સ્થળોએ બતાવી પુછપરછ કરતા આ શખ્સ દાહોદમાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ તેને દાહોદથી ઝડપી પાડયો હતો. તેની પુછપરછમાં તે બીજલ મુળાભાઈ બારીઆ ( રહે. બારીઆ, જિ. દાહોદ) હોવાનું અને તે છેલ્લા બે વર્ષથી ડાકોરના શનિદેવ મંદિરે સેવા-પૂજા અને સાફસફાઈનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જોકે, મંદિરમાં આપવામાં આવતા મહેનતાણાંથી નાખુશ હોવાથી મનમાં લાગી આવતા તેણે દાનપેટીમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી, પીપળાનું ઝાડ કાપી, શનિદેવની મૂર્તિ ખંડીત કરી હોવાનું કબૂલ્યું હતું.


